રાજકોટવાસીમાં મળ્‍યું વિશ્વમાં અતિ દુર્લભ ‘ગોલ્‍ડન બ્લડ’

Wednesday 20th July 2022 08:09 EDT
 
 

નવી દિલ્‍હી: અત્‍યાર સુધી આપણે એ, બી, ઓ અને એબી ચાર પ્રકારના બ્‍લડ ગ્રૂપ વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્‍લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્‍યંત દુર્લભ છે. આ બ્‍લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. આ બ્લડ ગ્રૂપ મળ્યું છે સૌરાષ્ટ્રના રાજકોટમાં વસતાં 65 વર્ષીય વ્યક્તિમાં. જોકે આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
દુર્લભ બ્‍લડ ગ્રૂપ મળવાનો ભારતનો આ પહેલો કિસ્‍સો છે, જયારે સમગ્ર દુનિયામાં બ્લડ ગ્રૂપ ધરાવતા માત્ર 10 લોકો જ છે. વ્‍યક્‍તિના શરીરમાં કુલ 42 પ્રકારના અલગ અલગ બ્‍લડ સિસ્‍ટમ હાજર હોય છે, પરંતુ આમાંથી ચાર બ્‍લડ ગ્રૂપ જ મુખ્ય ગણાય છે. રાજકોટની વ્યક્તિમાં જે EMM નેગેટિવ ગ્રૂપ મળ્‍યું છે, તે દુનિયાનું 42મું બ્‍લડ ગ્રૂપ માનવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ બ્‍લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્‍સી એન્‍ટીજનની અછત હોય છે. EMM બ્‍લડ ગ્રૂપ ધરાવતી વ્યક્તિ ના તો કોઈને રક્‍તદાન કરી શકે છે, અન ના તો કોઈનું રક્‍તદાન લઇ શકે છે.
હાર્ટ એટેકના નિદાનમાં રેર બ્લડ ગ્રૂપ મળ્યું
જે વ્‍યક્‍તિમાં આ બ્‍લડ ગ્રૂપ મળી આવ્‍યું છે તે રાજકોટની છે અને તેમના આ બ્‍લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્‍લડ ડોનેશન સેન્‍ટરના ફિઝિશિયન ડો. સન્‍મુખ જોશીએ કહ્યું કે, 65વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્‍યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્‍લડ ગ્રૂપ મળી આવ્‍યું છે. અમે તપાસ કરી તો જાણવા મળ્‍યું કે તેઓ દેશના પ્રથમ એવા વ્યક્તિ છે જેઓ EMM નેગેટિવ બ્‍લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમની હાર્ટ સર્જરી કરવા માટે લોહીની જરૂર છે, પરંતુ સર્જરી કરવા માટે જરૂરી EMM નેગેટિવ લોહી અમારી પાસે નથી.
દુનિયામાં માત્ર 11 વ્યક્તિ હયાત
આ રક્‍ત દુનિયાનું સૌથી દુર્લભ બ્‍લડ ટાઈપ ગોલ્‍ડન બ્‍લડ છે. ગોલ્‍ડન બ્‍લડ દુનિયામાં માત્ર 43 લોકોમાં મળી આવ્‍યું છે. આમાંથી આજે માત્ર 11 વ્યક્તિ હયાત છે. આ પ્રકારના લોકોને જો ક્‍યારેય રક્‍તની જરૂર પડે તો તેમને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્‍ટરનેશનલ સોસાયટી ઓફ બ્‍લડ ટ્રાન્‍સફયુઝને આ બ્‍લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્‍યું છે કેમ કે તે રક્‍તમાં EMM એટલે કે લાલ રક્‍ત કોશિકાઓમાં એન્‍ટીજન મળી આવતું નથી. આ રક્‍તને ગોલ્‍ડન બ્‍લડ પણ કહેવાય છે. આ રક્‍ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્‍ટર null હોય છે.
ગોલ્‍ડન બ્‍લડ અંગે પહેલી વાર 1961માં જાણવા મળ્યું હતું. એક ગર્ભવતી ઓસ્‍ટ્રેલિયન મહિલાના મેડિકલ ટેસ્ટ દરમિયાન ગોલ્‍ડન બ્લડ વિશે જાણવા મળ્‍યુ હતું. ડોક્‍ટરને લાગ્‍યુ હતું કે, Rh-null ને કારણે તેનું બાળક પેટમાં જ મરી જશે.
સૌથી પહેલા 1901માં ઓસ્‍ટ્રેલિયન ફિઝિશ્યન કોર્લ લૈન્‍ડસ્‍ટીનરે રક્‍તના પ્રકાર વિશે રિસર્ચ શરૂ કર્યુ હતું. 1909માં તેમણે બ્‍લડને ચાર ગ્રૂપમાં ડિવાઈડ કર્યું હતું. જેને આપણે સામાન્‍ય રીતે A, B, AB અને O નામથી ઓળખીએ છીએ. આ સંશોધન બદલ તેને 1930માં નોબલ પુરસ્‍કાર મળ્‍યો હતો.
રાજકોટના એક 65 વર્ષીય વ્‍યક્‍તિ જયારે 2020માં કાર્ડિયાક સર્જરી માટે તેમના બ્‍લડ ગ્રૂપ સાથે મેચ થતું લોહી ન શોધી શક્‍યા ત્‍યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેનું જાણીતું બ્‍લડ ગ્રુપ એબી પોઝિટિવ હતું, જે સાર્વત્રિક સ્‍વીકાર્ય હતું. તેમના લાંબા સંઘર્ષને કારણે આખરે ભારતનો પ્રથમ ‘EMM નેગેટિવ’ બ્‍લડ કેસની શોધ થઈ. સમગ્ર વિશ્વમાં આવો 11મો કેસ છે.
ડો. રિપલ શાહ, સ્‍નેહલ સેંજલિયા અને ડો. સન્મુખ જોષી સહિત અન્‍ય લોકો દ્વારા એશિયન જર્નલ ઓફ ટ્રાન્‍સફયુઝન સાયન્‍સમાં ભારતીય દર્દીમાં જોવા મળેલા દુર્લભ બ્લડ અંગે પેપર પ્રકાશિત કરવામાં આવ્‍યું છે. અમદાવાદની પ્રથમા બ્‍લડ બેંકના ડાયરેક્‍ટર ડો. રિપલ શાહે જણાવ્‍યું હતું કે રાજકોટની બ્‍લડ બેંકમાં મેચિંગ બ્‍લડ ન મળતાં દર્દી અમદાવાદ આવ્‍યા હતા. તેમને કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટિંગ સર્જરી માટે બ્લડની જરૂર હતી. તેમના સંતાનોનું લોહી પણ તેના ગ્રૂપ સાથે મેચ થતું નહોતું. લોહીના નમૂનાઓ બાદમાં અદ્યતન પૃથ્‍થકરણ માટે સુરત મોકલવામાં આવ્‍યા હતા અને અંતે યુએસના એક સેન્ટરમાં તપાસ માટે મોકલાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter