સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ૩૧મીએ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Wednesday 23rd October 2019 07:09 EDT
 
 

રાજપીપળાઃ સરદાર સરોવર બંધ નજીક વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમાની પ્રસ્થાપના પછી તેના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પરિસરમાં પ્રવાસીઓના આકર્ષણ માટે ૩૦ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થનાર છે. હાલ વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. આ સાથે વિશ્વભરમાંથી પ્રવાસીઓને મોટાપાયે આકર્ષણ માટે વડા પ્રધાને સેવેલા સ્વપ્નનું પ્રથમ ચરણ સિદ્ધ થશે.
આ પ્રોજેક્ટમાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રનપાર્ક આરોગ્યવન, વિગેરેનો સમાવેશ થાય છે. હાલ પાર્કિંગની સામે ચિલ્ડ્રનપાર્ક, એકતા ફૂડ કોર્ટ, એકતા મોલ, આરોગ્યવન વિગેરે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. હાલ આ પ્રોજેક્ટ પૂરા કરવા રાતદિવસ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હોવાથી કામની ગુણવત્તા અંગે પણ અનેકવિધ ચર્ચા થઈ રહી છે અને તકેદારી સેવાઈ રહી છે. હાલ કેવડિયાના માર્ગો પર રોશની, રંગરોગાન, અને સાફસફાઈની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે.
સરદારને શ્રદ્ધાંજલિ આપવા માટે એકતા પરેડ
સરદાર પ્રતિમા ખાતે દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિરૂપે એકતા પરેડ રખાઈ છે. આ એકતા પરેડમાં કેન્દ્રિય સુરક્ષા બળો ભાગ લેશે. જેમાં એસપીજી, બીએસએફ, આઈટીબીટીએસ, એસબી, સીઆઈએફએ, સીઆરપીએફના જવાનો ભાગ લેશે. વડાપ્રધાનની સુરક્ષા માટે કેવડિયા ખાતે ૮૦૦ પોલીસ જવાનો, ૩ એસ.પી., ૬ ડીવાયએસપી, ૧૧ પીઆઈ, ૪૨ જીએસઆઈને ફરજ સોંપી દેવાઈ છે. આ તમામ પોલીસ જવાનો અને અધિકારીઓને આગામી ૨૮મીથી ૩૧મી સુધી ચાર દિવસ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેવા આદેશ અપાયો છે. ખાસ કરીને નર્મદા, ભરૂચ, વડોદરા, ગ્રામ્ય, છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ જવાનોને બંદોબસ્તની ડ્યુટી સોંપાઈ છે. દેશના પ્રોબેશનલ આઈપીએસ અધિકારીઓને સરદાર પ્રતિમા ખાતે તાલીમ પૂર્ણ થઈ હોવાથી વિદાયમાન આપવાની સાથે ફરજ સોંપાશે.
વડા પ્રધાન કેવડિયાની આસપાસના વિવિધ ૩૦ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. અને જનસભા સંબોધશે. તા. ૨૫થી ૩૧ સુધી સરદાર સરોવરના વ્યુ પોઈન્ટ ૧ પાસે કેન્દ્રના ગૃહ વિભાગ તરફથી શસ્ત્ર પ્રદર્શન પ્રજાને નિહાળવા મુકાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter