સ્ટે મેવ જયતે! ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્ટે મળતાં જ કહ્યુંઃ સત્યમેવ જયતે

Thursday 21st May 2020 07:18 EDT
 
 

નવી દિલ્હીઃ ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી અને તેના પરિણામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ હોવાના અને ભૂપેન્દ્રસિંહની જીતને વિપક્ષ દ્વારા હાઈ કોર્ટમાં પડકાર અપાયા પછી રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. શાંતનાગૌદાર અને જસ્ટિસ આર. સુભાષ રેડીની બેન્ચે આ કેસમાં ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી પછી ભૂપેન્દ્રસિંહે સત્યમેવ જયતે સૂત્ર ઉચ્ચાર્યું હતું. આ સાથે જોકે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણીને રદ ગણાવવાના ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા પર પણ સુપ્રીમે સ્ટે મૂક્યો છે. ભૂપેન્દ્રસિંહ સામે અરજી કરનાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. ગુજરાત હાઇ કોર્ટે ૧૨મી મેએ અશ્વિન રાઠોડની અરજી મામલે ચુડાસમાની ચૂંટણી રદ કરી હતી. હાઇ કોર્ટે તેમને ૨૦૧૭ની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. જે ચુકાદાને ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં ચુડાસમાના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું હતું કે, તેમના અસીલની ચૂંટણી ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આધારે હાઈ કોર્ટમાં રદ કરાઇ હોવાનો ચુકાદો અપાયો છે. કેમ કે ૪૨૯ પોસ્ટલ બેલેટની ગણતરી નહોતી થઇ અને આ આંકડો જીતના આંકડાથી વધુ હતો. આ આદેશ ખામીયુક્ત છે. હાઇ કોર્ટે એ તથ્ય સમજવામાં નિષ્ફળ રહી કે આ ચૂંટણીમાં હારેલા રાઠોડે કોઇ પણ મુદ્દે નક્કર અને ભરોસાપાત્ર પુરાવા રજૂ નથી કર્યાં. તેથી હાઇ કોર્ટના આદેશ પર તત્કાળ રોક લગાવવી જોઇએ. ચુડાસમાના બીજા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, તેમના અસીલ દ્વારા ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનું અનુમાનરૂપે કહેવાઇ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારે માત્ર અનુમાનોના આધારે અરજી કરી હતી. કોઇ ભ્રમની સ્થિતિ હતી તો હાઇ કોર્ટ તે ૪૨૯ પોસ્ટલ બેલેટ મંગાવીને નિર્ણય કરવો જોઇતો હતો કે નિયમાનુસાર રદ થયા હતા કે નહીં? જજે એમ નિર્ધારિત કરવું જોઇતું હતું કે શું ચૂંટણીનું પરિણામ આ ૪૨૯ પોસ્ટલ બેલેટના કારણે પ્રભાવિત થયું છે કે નહીં?

ધોળકા બેઠકનો ચુકાદો મહત્ત્વનો

જો કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ હાલમાં પણ રદ થાત તો ટૂંક સમયમાં ગુજરાતની રાજ્યસભાની ૪ બેઠકો માટે યોજાનારી ચૂંટણી વધુ રોચક અને કાંટે કી ટક્કર જેવી બની ગઈ હોત. આમ તો પોતાના પાંચ ધારાસભ્યોના ધડાધડ રાજીનામાથી કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણી માટેના બીજા ક્રમના ઉમેદવાર ભરતસિંહ સોલંકીની નાલેશીભરી હાર નિશ્ચિત હોત, પરંતુ ભૂપેન્દ્રસિંહ સ્વરૂપે ભાજપનો એક ધારાસભ્ય ઓછો થતાં કોંગ્રેસ ફરી પાછી ચૂંટણીના મેદાનમાં બેઠી થઈ હોત.
ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે પણ પરિસ્થિતિ વધુ કપરી હોત. સુપ્રીમમાંથી સ્ટે મળતાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ વળાંક લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગઢડા, ધારી, અબડાસા, લીમડી અને ડાંગના કોંગી ધારાસભ્યોનાં રાજીનામા બાદ અને મોરવાહડફ તથા દ્વારકાની ખાલી બેઠકો સાથે વિધાનસભામાં સંખ્યા ૧૭૫ ધારાસભ્યોની થઈ ગઈ હતી. એમાં પણ ધોળકાની એક માત્ર બેઠકના આધારે ભાજપ અને કોંગ્રેસની આગામી રણનીતિ અને તડજોડ પરનો આધાર વધુ મહત્ત્વનો બની રહે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter