હવે ગુજરાતની ઓળખમાં કૌશલ્યતા અને સાહસિકતા ઉમેરાયા છેઃ નાયડુ

Monday 21st January 2019 09:34 EST
 
 

ગાંધીનગરઃ ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં પરિણમ્યો છે. આ સમયે સમસ્ત વિશ્વની નજર ગુજરાત તરફ મંડાયેલી છે, એમ ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ કહ્યું હતું. રવિવારે નવમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારોહને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, એફડીઆઈ (સીધા વિદેશી મૂડીરોકાણ)ની બાબતમાં ભારતે ચીનને પાછળ રાખી મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન તરીકે સ્થાન મેળવ્યું છે. એક અભ્યાસ મુજબ આવતા પાંચ વર્ષમાં દેશમાં ૭૫ બિલિયન ડોલરની એફડીઆઈ આવશે અને ૨૦૩૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૧૦ ટ્રિલિયન ડોલરનું થશે.
નાયડુએ કહ્યું હતું કે, વિશ્વ સામે આજે આતંકવાદ, ક્લાઈમેટ ચેન્જ અને ભ્રષ્ટાચારના ત્રણ મુખ્ય પડકારો છે. આતંકવાદનો અનુભવ ના થયો હોય તેવો કોઈ દેશ બચ્યો નથી ત્યારે આતંકવાદને ડામવા અને શાંતિ સ્થાપવા સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે. તો ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા દરેકેદરેક દેશે પ્રો-એક્ટિવ પગલાં લેવાની જરૂર છે, જ્યારે ભ્રષ્ટાચાર એ તો રગેરગમાં વ્યાપેલી સમસ્યા છે. એક વ્યક્તિ બીજા સાથે હાથ મિલાવે તો તેમાંય લેતીદેતી થતી હોવાનો ભાસ થાય છે અને આ સમસ્યા એકલા ભારતની જ નહીં, વૈશ્વિક છે. આ માહોલમાં ગેરકાયદે બેન્ક એકાઉન્ટમાં રહેલા કાળા નાણાં સંબંધિત વિગતોની દુનિયાના દેશો એકબીજા સાથે આપ-લે કરે તે આવશ્યક છે.

ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છેઃ મુખ્ય પ્રધાન

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધતા કહ્યું હતું કે, આ સમિટમાં દેશના અને ૧૩૫ દેશોના કુલ ૪૨ હજાર પ્રતિનિધિઓનું પાર્ટિસિપેશન ગુજરાતની વૃદ્ધિ અને કાર્યદક્ષતા તરફ ઈશારો કરે છે. ગુજરાતે દુનિયા સાથે બ્રાન્ડિંગનો જ નહીં, પણ બોન્ડીંગનો નાતો પ્રસ્થાપિત કર્યો છે. ગુજરાત હવે વૈશ્વિક રોકાણકારો માટે ગ્લોબલ ઓફિસ બન્યું છે અને દસેય દિશાએ ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છે. આ સમિટમાં અનેકવિધ ક્ષેત્રે કુલ ૨૮,૩૬૦ સમજૂતી કરારો હસ્તાક્ષર થયા છે, જેના અમલીકરણથી રાજ્યમાં યુવાધન માટે રોજગારીની વિપુલ તક સર્જાશે.
ધોલેરાને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સપનું ૨૦૧૯ની નવમી સમિટમાં સાકાર થયું છે અને ચીનની કંપની ધોલેરામાં ૩ બિલિયન ડોલરના રોકાણથી સ્ટીલ અને ઈલેક્ટ્રિક બેટરીના ઉત્પાદનનો પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે, જે બતાવે છે કે ગુજરાત હવે ગેટ વે ટુ ધ વર્લ્ડ સાબિત થઈ રહ્યું છે. આ વાતનો ગર્વભેર ઉલ્લેખ કરતાં મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાતના પગલે હવે દેશના બધા રાજ્યો આ પ્રકારની પરિષદ યોજતાં થયા છે. આમ ગુજરાત રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
કોંગ્રેસની આકરી ટીકા કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૦૩માં જ્યારે ગુજરાત માટે ભારે કપરો સમય હતો ત્યારે વિરોધીઓએ ગુજરાતને બદનામ કરવા માટે કશું બાકી રાખ્યું ન હતું. આ સમયે પહેલી વાઇબ્રન્ટ સમિટ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ યોજી ત્યારે ટીકાકારોને ખબર નહોતી પડતી કે કઈ રીતે ટીકા કરાય. આવું તે કંઈ આયોજન થઈ શકે એવું ટીકાકારો કહેતા હતાં, પણ પહેલી વાઇબ્રન્ટ સફળતાપૂર્વક યોજી નરેન્દ્ર મોદીએ ટીકાકારોને ખોટા પાડયા. આમ કહીને મુખ્ય પ્રધાને શાયરી લલકારતા કહ્યું કે, અકેલે ચલે થે હમ મગર, લોગ જૂડતે ગયે, કારવાં બનતા ગયા. એમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સમિટમાં નોલેજ શેરિંગ અને સીધા વિદેશી મૂડીરોકાણ માટે ૨૭ હજારથી વધુ પાર્ટનરશિપની રચના થઈ છે.

છેલ્લી સમિટ? અફવાનો છેદ ઊડ્યો

નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આરંભ નીરસ રહ્યો. તેના કારણે તેમજ સમિટ અંતર્ગત ‘ગુજરાત સ્પ્રિન્ટ ૨૦૨૨’ વિષય ઉપર ચર્ચાના આયોજનના કારણે હવે એકાંતરા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ નહીં યોજાય અને હવે સીધું ૨૦૨૨માં આયોજન થશે તેવી વ્યાપક અફવા ચાલતી હતી. જોકે રવિવારે સમાપન સમારોહમાં આ અફવાનો છેદ ઊડી ગયો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું ૨૦૨૧માં ગુજરાત સરકાર વધુ ભાગીદારીથી વધુ ઉમંગથી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરશે. આ જ રીતે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘ અને નવમી સમિટના મખ્ય આયોજક એવા ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્રસચિવ મનોજકુમાર દાસે પણ તેમના વક્તવ્યમાં ૨૦૨૧માં ‘ફરી મળીશું’ કહી વાઇબ્રન્ટ સમિટનો સિલસિલો ચાલુ રાખવાનું જાહેર કરી દીધું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter