હેલ્થ સ્કેમઃ બાબુભાઇ રાઠોડને ૧૨ વર્ષ કેદ, ૯.૫ લાખ ડોલર દંડ

Wednesday 10th April 2019 06:46 EDT
 

નવી દિલ્હીઃ અમેરિકાની કોર્ટે મૂળ ગુજરાતના વતની અને અમેરિકામાં વસતા બાબુભાઇ ભરતભાઇ રાઠોડને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા એક કેસમાં દોષિત ઠેરવીને ૧૨ વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ૯.૫ લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે.
બાબુભાઇ રાઠોડ આ કેસમાં ૨૦૧૮માં ઓગસ્ટ માસમાં જ દોષિત ઠેરવવામા આવ્યા હતા. જોકે તેમને સજા સંભળાવવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૦૧૩માં પણ તેમને સ્વાસ્થ્ય ક્ષેત્રના આવા જ એક કેસમાં ચાર વર્ષની સજા ફટકારાઈ હતી, સાથે કોઇ પણ સ્વાસ્થ્ય સંબંધી સેવામાં ન જોડાવાનો આદેશ આપ્યો હતો.
અમેરિકાના એટર્ની એંડ્રુ બિર્ગેએ કોર્ટમાં સુનાવણી બાદ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ જેનેટ નેફે બાબુભાઇ ભરતભાઇ રાઠોડને જેલ ઉપરાંત સાડા નવ લાખ ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. બાબુભાઇને જ્યારે ચાર વર્ષની જેલ થઇ ત્યારે તેઓ સજા ભોગવી રહ્યા હતા. જોકે આ સમય દરમિયાન જ જાહેર થયેલા ડ્રગ્સ એબ્યૂઝ પ્રોગ્રામ (આરડીએપી) અંતર્ગત છુટી ગયા હતા.
જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓએ ૨૦૧૬માં પોતાને જે શરતે છોડવામાં આવ્યા હતા તેનો ભંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને ચાર સ્વાસ્થ્ય સેવાઓ શરૂ કરી હતી.
મિશિગનમાં એડવાન્સ્ડ મેડિકલ સર્વિસ, એડવાન્સ્ડ સ્લીપ ડાઇગ્નોસ્ટિક વગેરે સેવાઓને શરૂ કરી હતી. જોકે આ ચાર સ્વાસ્થ્ય સંબંધી કંપનીઓના માલિક પોતે છે તે છુપાવવા માટે તેણે અનેક જુઠાણાનો સહારો લીધો હતો.
પોતાની આ કંપનીઓને ચલાવવા માટે લોન લેવા બાબુભાઇએ પોતાના એક સાથી ડોક્ટરની જાણ બહાર તેના ડ્રાઇવરના લાઇસન્સ, સરનામા, જન્મ તારીખ વગેરે સહિતની માહિતીનો દુરુપયોગ ઉપયોગ કર્યો હતો.
આ કંપનીના નામે કરોડો ડોલરની લોન પણ લેવામાં આવી હતી. આ લોનની ભરપાઇ બાબુભાઇ નહોતા કરી શક્યા. આ પછી તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઇ હતી. આ કૌભાંડમાં અંતે તે ઝડપાઇ ગયા હતા અને તેમને સજા ફટકારવામાં આવી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter