‘ફોર્બ્સ’ લિસ્ટમાં પહેલી વાર અમદાવાદના બિલિયોનેર

Wednesday 10th April 2019 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાના વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ પ્રથમવાર અમદાવાદના અબજોપતિઓની યાદી પ્રસિદ્ધ કરી છે અને તેમાં અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ ૮.૭ બિલિયન ડોલર (રૂપિયા ૬૦૯ બિલિયન)ની સંપત્તિ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. છે. યાદીમાં સામેલ અન્ય નામોમાં ‘નિરમા’ના માલિક કરસનભાઈ પટેલ, ટોરેન્ટ જૂથની બંધુબેલડી સુધીર મહેતા અને સમીર મહેતા, ઈન્ટાસ ફાર્માના બિનિશ હસમુખ ચુડગર અને ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ નામો અમદાવાદમાં વસે છે, પરંતુ ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે.
બિલિયોનેર્સ લિસ્ટમાં આ ઉપરાંત પણ કેટલાંક નામોનો સમાવેશ થાય છે, જેઓ ખાસ કરીને ગુજરાતમાં અત્યંત જાણીતા છે. આવા નામોમાં એઆઈએ એન્જનિયરિંગના ભદ્રેશ શાહ, ‘સિમ્ફની’ના અચલ બકેરી અને એસ્ટ્રલના સંદીપ એન્જિનિયરનું નામ અમદાવાદના સાહસિકોની યાદીમાં સ્થાન પામ્યા છે.
અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની નેટવર્થ રૂ. ૬૦૯ બિલિયન છે. અદાણી ગ્રૂપે બંદરો, પાવર સેક્ટર, ગેસ ડિસ્ટ્રીબ્યુશન, રીઅલ એસ્ટેટ સહિત અનેક ઉદ્યોગોમાં નવતર પ્રયોગો અને અદ્યતન ટેકનોલોજી સાથે પ્રગતિ કરી છે. હાલમાં અદાણી પરિવાર ગુજરાતમાં સૌથી સફળ ઉદ્યોગ પરિવાર છે. ત્રણેક દાયકા જેટલા સમયથી ગુજરાતમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય આ જૂથમાં ૨૦૦૯માં ગૌતમ અદાણીના પુત્ર કરણ જોડાયા હતા. હાલ તેઓ અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને બિઝનેસ હંમેશા એકબીજાના પર્યાય બની રહ્યા છે અને ધીરુભાઈ અંબાણીથી લઈને ઉદય કોટક જેવા અનેક દિગ્ગજ બિઝનેસમેન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વસે છે. વર્ષોથી અનેક ઉદ્યોગપતિઓ કે જેઓ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં રહેવાનું પસંદ કરે છે તેઓ પણ આ બિગ લીગમાં સામેલ છે પછી તે અદાણી, ટોરેન્ટ કે કેડિલા હોય. આ આઠ અબજોપતિઓની સફર જ અમદાવાદની ઉદ્યોગ સાહસિકતા માટેની ખેવનાનો અને પ્રારંભથી જ કંઈ કરી બતાવવાના ઝનૂનનો પૂરાવો છે.
આમાંના કેટલાક અબજોપતિઓ સ્થાપકોની આગામી પેઢી છે જેમણે કેટલાક દાયકાઓ પહેલા આ સફર શરૂ કરી હતી. ટોરેન્ટ ગ્રુપનું ઉદાહરણ લઈએ તો તેની સ્થાપના સુધીર અને સમીર મહેતાના પિતા યુ. એન. મહેતા દ્વારા ૧૯૫૦ના અરસામાં થઈ હતી, જે બિઝનેસ આજે ત્રીજી પેઢી સંભાળે છે. કંપનીમાં ૨૦૧૮માં ટોરેન્ટ પાવરના એમડી તરીકે જિનલ મહેતાએ કામગીરી સંભાળી છે. આ જ રીતે, ઝાયડસ કેડિલાની સ્થાપના ૧૯૫૨માં થઈ હતી જેના સ્થાપક રમણભાઈ પટેલ હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter