નવી દિલ્હીઃ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રહેતાં લેબ માલિક મિનલ પટેલને ત્રણ વર્ષથી વધારે સમયગાળામાં મેડિકેર સાથે છેતરપિંડી કરીને 463 મિલિયન ડોલરના જેનેટિક ટેસ્ટ કૌભાંડમાં સંડોવણી બદલ 27 વર્ષ જેલની સજા કરાઇ છે. લેબ સોલ્યૂશન્સ એલએલસીનાં માલિક મિનલ પટેલને જેનેટિક અને જેની જરૂર નહોતી તેવા અન્ય લેબ ટેસ્ટમાં 463 મિલિયન ડોલરથી વધારે રકમની મેડિકેર સાથે છેતરપિંડી કરવાની યોજનામાં તેની ભૂમિકા માટે આ સજા કરાઇ છે. અદાલતે કહ્યું કે, 44 વર્ષીય વ્યક્તિએ દરદી, દલાલો, ટેલિમેડિસિન કંપનીઓ અને કોલસેન્ટરો સાથે મળીને મેડિકેર લાભાર્થીને ટેલિમાર્કેટિંગ કોલ દ્વારા નિશાન બનાવવાનું કાવતરું કર્યું હતું. જેમાં ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે તેમના પેકેજમાં મોંઘા કેન્સર, જેનેટિક ટેસ્ટ સામેલ છે. ન્યાય વિભાગે એક પ્રેસનોટમાં કહ્યું કે મેડિકેર લાભાર્થીઓ પરીક્ષણ કરાવવા માટે સહમત થયા બાદ મિનલ પટેલે ટેલિમેડિસિન કંપનીઓ માટે ટેસ્ટને અધિકૃત કરનારા ડોક્ટરોની સહી સાથેના ઓર્ડર મેળવવા માટે દરદી દલાલોને લાંચ આપી હતી.