આગામી દલાઇ લામા ચીનમાંથી જ હોવા જોઈએ, ભારત ચંચુપાત ના કરેઃ ચીનની ધમકી

Wednesday 17th July 2019 07:40 EDT
 

લ્હાસાઃ ચીની સત્તાએ ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે, દલાઇ લામાનો અનુગામી ચીનમાંથી જ પસંદ થવો જોઇએ અને આ મુદ્દે ભારતની જરા પણ દખલગીરી દ્વીપક્ષીય સબંધો પર અસર કરી શકે છે. ચીનના અધિકારીઓ અને નિષ્ણાતો કહે છે કે દલાઇ લામાના પુનર્જન્મને ચીની સરકારની મંજૂરી લેવી પડશે અને ૨૦૦ વર્ષ જૂની ઐતિહાસિક પ્રક્રિયાના આધારે ચીનમાંથી જ આગામી લામાની પસંદગી થવી જોઇએ. દલાઇ લામાનો પુનર્જન્મ એક ઐતિહાસિક, ધાર્મિક અને રાજકીય મુદ્દો છે. લામાના પુનર્જન્મ માટે સ્થાપિત ઐતિહાસિક સંસ્થાઓ અને પ્રક્રિયા છે. એમ તિબેટમાં નાયબ પ્રધાન સમકક્ષ વાંગ નેંગ શેંગે ભારતીય પત્રકારોના નાનકડા સમૂહને લ્હાસામાં કહ્યું હતું. દલાઇ લામા ૮૪ વર્ષનાં થયા છે અને તેમના કથળતા આરોગ્યને જોતાં છેલ્લા બે વર્ષમાં તેમના અનુગામીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
દલાઈ લામાના જન્મદિને ચીની સૈન્ય ભારતમાં ઘૂસ્યું
ઉલ્લેખનીય છે કે લદાખમાં દલાઈ લામાના જન્મ દિવસના કાર્યક્રમમાં તિબેટિયન ધ્વજ લહેરાઈ રહ્યાં હતા ત્યારે ૬ જુલાઈના રોજ કેટલાક ચીની સૈનિક એલએસી પાર કરી ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા. તેમણે તિબેટિયન ધ્વજ લહેરાયેલા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પછી જોકે તેઓ પરત ફરી ગયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter