ઉંમર ૬ વર્ષ, કમાણી મહિને ૨.૫ મિલિયન પાઉન્ડ

Saturday 03rd August 2019 10:40 EDT
 
 

સિયોલઃ છ વર્ષની ઉંમરે બાળકે હજુ તો સ્કૂલે જવાનું પણ માંડ શરૂ કર્યું હોય, પરંતુ સાઉથ કોરિયાની બોરમની વાત અનોખી છે. છ વર્ષની આ બાળકી તેના કૌશલ્ય થકી વર્ષે દહાડે અધધધ કમાણી કરી રહી છે. અધધધ એટલે કેટલી? મહિને ૨.૫ મિલિયન પાઉન્ડ. ભારતીય ચલણમાં ગણો તો થયા મહિને ૨૧ કરોડ રૂપિયા. તેના માતા-પિતાએ થોડાક દિવસ પૂર્વે ૬.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે એક કોમર્શિયલ કોમ્પલેક્સ ખરીદતાં બોરમ અને તેનો પરિવાર સમાચારમાં ચમક્યા છે.
બોરમ ટ્યુમ વ્લોગ અને બોરમ ટ્યુબ ટોય રિવ્યુ નામની બે યુટ્યુબ ચેનલ ધરાવતી બોરમના કુલ ૩૦ મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ કન્યાને કેમેરા સામે રમતી કરી દેતાં જ તેના માતાપિતા પર જાહેરાતો અને એન્ડોર્સમેન્ટનો વરસાદ થવા લાગે છે. તેની આ અઢળક કમાણીમાંથી જ તાજેતરમાં માતા-પિતાએ સિયોલના ગંગનમ જિલ્લામાં આ કિંમતી પ્રોપર્ટીનો સોદો કર્યો છે. સમગ્ર પ્રદેશમાં સિટી સેન્ટર તરીકે જાણીતું આ કોમર્શિયલ કોમ્પલેક્સ પાંચ માળનું છે. આ ઇમારત આશરે ૨૫૮ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. બોરમની પારિવારિક કંપનીએ પોતાના ઉપયોગ માટે આ ઇમારત ખરીદી હોવાનું મનાય છે. બોરમની ચેનલોના લગભગ ૩ કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે, જેમાંથી ટોય રિવ્યૂ ચેનલના ૧.૩૬ કરોડ સબસ્ક્રાઇબર્સ છે. તો બીજી ચેનલ વીડિયો બ્લોગની છે. તેના ૧.૭૬ કરોડ સબસ્ક્રાઇબર્સ છે. તેમાં બોરમ પોતાના પારિવારિક જીવનના વીડિયો અપલોડ કરે છે.
બોરમની યૂ-ટ્યુબ ચેનલ સાઉથ કોરિયામાં સૌથી વધુ પસંદગી પામી રહી છે. અને બન્ને ચેનલ દ્વારા થતી કુલ કમાણીનો આંકડો માંડવામાં આવે તો તે દેશની સૌથી વધુ કમાણી કરતી યૂ-ટ્યુબ ચેનલ્સ છે.

એક ક્લિપ ૩૭.૬ કરોડ દર્શકે નિહાળી

એક ક્લિપમાં બોરમ પ્લાસ્ટિક ટોય કિચનમાં ઝડપથી નૂડલ્સ બનાવતી દેખાય છે. અચાનક નૂડલ્સ કેમેરા પર પાડી દે છે. આ ક્લિપ ૩૭.૬ કરોડ લોકોએ જોઈ હતી. જ્યારે ૨૦૧૭ની એક ક્લિપમાં બોરમને એવું કહેતાં દર્શાવવામાં આવી છે કે તે કેવી રીતે પિતાના પર્સમાંથી નાણાં કાઢી લે છે. તેમ જ કાર ચલાવવાનો પ્રયાસ કરે છે. આ પછી ફેમિલી કોર્ટે તેના માતાપિતાને બોલાવ્યાં હતાં અને બોરમના કાઉન્સેલિંગનો આદેશ આપ્યો હતો.

૭ વર્ષનો રેયાન ટોચના ક્રમે

અમેરિકાના વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ના મતે ગયા વર્ષે અમેરિકાના ૭ વર્ષના ટેણિયા રેયાન કાઝીએ યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી ૧૫૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. યૂ-ટ્યુબના માધ્યમથી કોઈ બાળકે કરેલી આ સૌથી વધુ કમાણી હતી. રેયાન પણ ટોય રિવ્યુ કરે છે અને તેની આ ચેનલના ૨.૦૮ કરોડ સબસ્ક્રાઇબર છે. બોરમની બે યુ-ટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબર્સનો આંકડો ૩ કરોડ છે, તેની સામે રેયાનની માત્ર એક જ યુ-ટ્યુબ ચેનલના બે કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. હવે જોવાનું એ છે કે બોરમ આ આંકડાથી હજુ કેટલી આગળ નીકળે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter