નાઈરોબીઃ કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે આનાથી નાના એકમોને ગ્રાહકોને નામા મળવાના બદલે વધારાનો નાણાકીય બોજ ઉપાડવો પડે છે. યુકેમાં વપરાશ કરાતી અડધોઅડધ ચા કેન્યાથી આવે છે.
બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ વિશ્વની સૌથી જાણીતી અને માન્યતાપ્રાપ્ત યોજનાઓમાં એક છે. ફૂડ પેકેજિંગ પર તેનું ગ્રીન ફ્રોગ સીલ એવી નિશાની છે જેનાથી ગ્રાહકોને વિશ્વાસ થાય છે કે આ પ્રોડક્ટ્સ બહેતર વિશ્વને સપોર્ટ કરે છે. ગ્રીન ફ્રોગ સીલ લગભગ 240 બ્રાન્ડ્સ પર લગાવાય છે. જોકે, વિશ્વમાં ચાના સૌથી મોટા ઉત્પાદકોમાં ત્રીજા ક્રમના કેન્યાએ ચા ફેક્ટરીઓને સર્ટિફિકેશન કામકાજ અટકાવી દેવા આદેશ આપ્યો છે.
તાજેતરમાં ફેરટ્રેડ ફાઉન્ડેશનના પોલમાં બહાર આવ્યું છે કે કેન્યામાં પાંચમાથી માત્ર એક ચા મજૂર અથવા ખેડૂત તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટે પૂરતી કમાણી કરી શકે છે. સરકારનું કહેવું છે કે ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ની યોજનાના અમલનો બોજો ચા ફેક્ટરીઓ પર આવે છે અને તેની અસર ચા ઉત્પાદકો અને ખેડૂતોએ સહન કરવી પડે છે. સામાન્ય ચા ફેક્ટરીના માલિકે સર્ટિફિકેશન માટે વાર્ષિક 3000 ડોલર ચૂકવવા પડે છે. ખરેખર આ કિંમત કે ખર્ચ ગ્રાહકો પર આવવો જોઈએ.