ગાંધીજીના ત્રણ વાંદરાઓના સિદ્ધાંતનો જન્મદાતા જાપાનઃ મોદી

Friday 28th June 2019 06:11 EDT
 
 

કોબે (જાપાન)ઃ જાપાનના મહાનગર ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીએ મારા પર પહેલાં કરતાં પણ વધારે વિશ્વાસ મૂક્યો છે, પ્યાર આપ્યો છે. મને ખબર છે કે તમારામાંથી પણ અનેક સાથીઓનું આ જનમતમાં યોગદાન રહ્યું છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકોએ ગામમાં જૂના મિત્રોને પત્રો લખ્યા અને ઈ-મેલ મોકલ્યા. તમે અહીં બેસીને પણ અમારા કામનું વધારે સારું આકલન કરો છો.
લોકસભા ચૂંટણીમાં યોગદાન આપવા બદલ જાપાનના ભારતવંશીઓનો આભાર માનતા મોદીએ કહ્યું કે ઘણી વાર સ્ટેડિયમમાં બેસીને મેચ જોતાં હોઈએ ત્યારે ખબર પડે છે ભૂલ ક્યાં થઈ, આઉટ કેવી રીતે થયા. આ જ રીતે તમે જ્યારે દૂર બેસીને મેચ જુઓ છે તેથી તમને વધારે જાણકારી હોય છે. મોદીએ કહ્યું કે ૩ દાયકા બાદ પહેલી વાર લગાતાર બીજી વખત પૂર્ણ બહુમતીવાળી સરકાર બની છે. ૬૧ કરોડ મતદાતાઓએ ૪૦-૪૫ ડિગ્રી તાપમાનમાં પોતાના ઘેરથી દૂર જઈને વોટ આપ્યો.
તેમણે કહ્યું કે લોકશાહી પ્રત્યે ભારતના આમ આદમીની આસ્થા અડગ છે. ન્યૂ ઈન્ડિયાની આશા-આકાંક્ષાઓને આ જનાદેશ મળ્યો છે. આ જનાદેશ પૂરા વિશ્વની સાથે છે. ભારત જેવા વિશાળ દેશમાં આ સ્થિતિ સામાન્ય રહી છે. ૧૯૮૪માં પણ લગાતાર બીજી વાર એક પક્ષની સરકાર બીજી વાર બની હતી. તે સમયની હાલતને તમને ખબર છે અને કારણ પણ ખબર છે. લોકો કેમ મત આપવા ગયા હતા એની પણ તમને ખબર છે.
વડા પ્રધાન મોદી ઓસાકાની સ્વિસોટેલ નાનકાઈ હોટેલમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. તેમણે લોકો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. તો બાળકો સાથે હાથ મિલાવીને તેમના ગાલે હળવી ટપલી મારીને હસીમજાક કરી હતી. કેટલાક લોકોએ વડા પ્રધાન સાથે સેલ્ફી લીધી હતી.

જાપાનમાં સરસ્વતી, લક્ષ્મી, કુબેર અને મહાકાલ પૂજાય છે

આ બાપુની ૧૫૦મી જયંતીનું વર્ષ પણ છે. ગાંધીજીની એક શિખામણ હતી કે ખોટું ન જુઓ, ખોટું ન સાંભળો અને ખોટું ન બોલો. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જે ત્રણ વાંદરાઓને બાપુએ આ સંદેશ માટે પસંદ કર્યા, તેનું જન્મદાતા ૭૦મી સદીનું જાપાન હતું. મોદીએ કહ્યું કે ક્યોટોમાં ગિયોન તહેવાર આવી રહ્યો છે તેમાં જે રથનો ઉપયોગ થાય છે તેની સજાવટ ભારતીય રેશમના ધાગામાંથી થાય છે. આ પરંપરા આજની નથી, અગણિત વર્ષોથી ચાલી આવે છે. સાત ગોડ ઓફ ફોર્ચ્યૂન છે તેમાંથી ચારનો સંબંધ ભારત સાથે છે. મા સરસ્વતી, મા લક્ષ્મી, ભગવાન કુબેર અને મહાકાલની જાપાનમાં ભગવાન તરીકે માન્યતા છે. વડા પ્રધાન મોદીના ભાષણ પૂરું થયા બાદ હોલમાં જય શ્રી રામ અને વંદે માતરમ્ અને મોદી-મોદીના નારા લાગ્યા હતા.

૫૦ હજાર સ્ટાર્ટ અપ્સ ધ્યેય

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અમે ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા માંગીએ છીએ અને ૫૦,૦૦૦ સ્ટાર્ટ અપ્સ અમારો ધ્યેય છે. ડિજિટલ સાક્ષરતા વધી રહી છે અને રેકોર્ડબ્રેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું છે. ભારતની ૧૩૦ કરોડની જનતાના જીવનને આસાન બનાવવા માટે સસ્તી અને સુલભ સ્પેસ ટેકનોલોજી અમારું લક્ષ્ય છે. અમે ૨૦૨૨ સુધી આપણું પોતાનું મેન મિશન ગગનયાન મોકલવાની તૈયારીમાં છીએ.

બંને દેશના સંબંધના મૂળમાં સદ્ભાવના

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતના સંબંધોમાં જાપાનનું મુખ્ય સ્થાન રહ્યું છે. જાપાન-ભારતના સંબંધો સદીઓ પુરાણા છે. ભારતના દુનિયા સાથેના સંબંધોમાં જાપાન મુખ્ય સ્થાને છે. આ સંબંધ સદીઓ પુરાણો છે. તેના મૂળમાં આત્મીયતા, સદ્ભાવના રહેલા છે. સબકા સાથ, સબકા વિકાસ અને તેમાં લોકોએ ઉમેર્યું સબકા વિશ્વાસ. અમે આ મંત્રથી આગળ વધી રહ્યાં છીએ. ભારત મજબૂત બનશે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જાપાન અને ભારત બન્ને દેશો સેવાને સૌથી મોટો ધર્મ માને છે. વિવેકાનંદ, ટાગોર, સુભાષચંદ્ર બોસ અને મહાત્મા ગાંધી સહિતના ભારતીયોએ જાપાન અને ભારતના સંબંધો મજબૂત કર્યાં. જાપાનના મનમાં પણ ભારત માટે પ્યાર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter