ગાલવાન ઘાટીમાં હિલચાલ વધી, ભારતીય આર્મી એક્શનમાં

Sunday 12th March 2023 00:12 EST
 
 

નવી દિલ્હી: લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ખાતે ગાલવાન ઘાટી અને પેંગોંગ લેક ખાતે અચાનક હિલચાલ વધતા ભારતની આર્મી એકશનમાં આવી ગઈ છે. ભારતની સેનાએ સુરક્ષા વધારી છે અને ચીની સેનાની હિલચાલ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. વ્યૂહાત્મક પોઇન્ટ પર ઠેર ઠેર ભારતનાં જવાનો ચોકી પહેરો ભરતા નજરે પડે છે. ભારતની આર્મીએ ઘોડા તેમજ ખચ્ચરો પર ગાલવાન ઘાટી પાસે સર્વે શરૂ કર્યો છે. પેગોંગ લેક ખાતે હાલ પાણી થીજી ગયું હોવાથી ત્યાં હાફ મેરેથોન જેવી એક્ટિવિટી કરી છે.
સરહદે અસામાન્ય હિલચાલ વચ્ચે દિલ્હીમાં ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીનનાં વિદેશ પ્રધાન સાથે વાતચીત કરી હતી જેમાં ભારતે સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે, જ્યાં સુધી સીમા વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય થશે નહીં.
ચીન રશિયાની સફળતાની રાહમાં છેઃ મેટ્ટિસ
અમેરિકાના પૂર્વ સંરક્ષણ પ્રધાન જિમ મેટ્ટિસે ચેતવણી આપી છે કે જો રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ સફળ થશે તો ચીન ગમે ત્યારે એલએસી પાર ભારત પર હુમલો કરી શકે છે. ચીન યુક્રેન પરના રશિયાના હુમલાની સફળતાની રાહ જોઈને બેઠું છે અને ભારત પર આક્રમણની તૈયારી કરી રહ્યું છે. રાયસિના ડાયલોગ વખતે તેમણે આવી ચેતવણી ઉચ્ચારી હતી. ચીનને ખોખરું કરવા અમેરિકા તૈયાર છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં મેટ્ટિસે કહ્યું હતું કે, અમેરિકા ચોક્કસપણે તૈયાર હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સાઉથ ચાઈની સી મુદ્દે ચીન ગમે ત્યારે વિયેટનામ અને ફિલિપાઇન્સ પર પણ આક્રમણ કરી શકે છે.
સંઘર્ષ ટાળવા બફર ઝોન ઊભા કર્યા
તાજેતરમાં એક ફોટો બહુ જ જાણીતો થયો છે જેમાં ભારતીય સેનાના જવાનો ગાલવાન ઘાટીના ક્ષેત્રમાં ક્રિકેટ રમી રહ્યા છે તે સ્થળ બંને દેશો વચ્ચે સંઘર્ષ ટાળવા બનાવાયેલા બફર ઝોનથી થોડે દૂર છે. ભારત અને ચીનની સેનાએ ટકરાવ નિવારવા પોતાની પોઝિશનથી 1.5 કિ.મી દૂર હટવાનો નિર્ણય લીધો છે. ભારતે તેનો પહેલો આર્મી કેમ્પ 700 મીટર પાછળ હટીને બનાવ્યો છે. ચીનની સેના પર નજર રાખવા ભારતનાં કેમ્પ નંબર 2 અને 3 સમાન અંતરે ચોકી પહેરો ભરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter