ચીન–અમેરિકા ટ્રેડ વોર: બંને દેશોએ બેફામ ડ્યુટી લાદી

Tuesday 14th May 2019 15:07 EDT
 

બેઇજિંગ, વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર વકર્યું છે. અમેરિકાએ ચીનની ૨૦૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધા પછી ચીને યુએસ પર વળતો પ્રહાર કર્યો છે. ચીને વળતા ઘા રૂપે અમેરિકાની ૬૦ અબજ ડોલરની ચીજો પર ટેરિફ લાદવાની સોમવારે જાહેરાત કરી હતી. આમ અમેરિકાની ૫૧૪૦ ચીજો પર ૫ ટકાથી લઈને ૨૫ ટકા સુધીની રેન્જમાં ડયુટી લાદવામાં આવશે.
ડયુટીનાં નવા દર ૧ જૂનથી અમલમાં આવશે. ચીને અમેરિકાની ધમકીઓ અને અવરોધક પગલાઓને સરન્ડર નહીં થવાની મક્કમતા દર્શાવી છે. ચીનની કેબિનેટની ટેરિફ પોલીસી કમિશન ઓફ ધ સ્ટેટ કાઉન્સિલે તેનાં સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ચીન દ્વારા અમેરિકાની ધમકીને વશ થવાશે નહીં. તાજેતરમાં કોઈ જાતની સમજૂતી વિના બંને દેશો વચ્ચેની ટ્રેડ મંત્રણાઓ ભાંગી પડી હતી. આ પછી અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની ચીજો પરની જકાત વધારીને ૨૫ ટકા સુધી કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બીજી ૩૦૦ અબજ ડોલરની ચીજો પર નવી ડયુટી લાદવા તૈયારી કરવા યુએસનાં વેપાર અને વાણીજ્ય મંત્રાલયને આદેશ આપ્યો હતો.
 ચીની ચીજો પર ટ્રમ્પે પુનઃ ડ્યુટી વધારી
ચીન સાથેની વેપાર મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી એ તમામ વસ્તુઓ પર ડયુટી નાખવાનો આદેશ આપ્યો છે જેના પર અત્યાર સુધી ડયુટી નાખવામાં આવતી ન હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટી ૧૦ ટકાથી વધારી ૨૫ ટકા કરવામાં આવી છે. જો કે બીજી તરફ ચીને જણાવ્યું હતું કે મંત્રણા પડી ભાંગી નથી અને અમને આશા છે કે બંને દેશો વચ્ચે સંમતિ સધાશે. આ સાથે જ અમેરિકાએ ચીનની કુલ ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી નાંખી દીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter