જમ્મુ-કાશ્મીર વિધાનસભા ક્ષેત્રનું નવું સીમાંકનઃ સાત બેઠકોનો વધારો, પંડિતોને અનામત

Monday 09th May 2022 17:32 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધારવા માટે સીમાંકન આયોગે (ડિલિમિટેશન કમિશને) પ્રસ્તાવ મૂક્યો છે. સીમાંકન આયોગે જમ્મુ-કાશ્મીર માટે સાત બેઠકો વધારવાની ભલામણ કરી છે. આ ભલામણનો અમલ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા 83થી વધીને 90 થઈ જશે. આ સાથે જ સીમાંકન આયોગે તૈયાર કરાયેલા આ રિપોર્ટ પર સહી કરીને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
સીમાંકન મુજબ જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠકો હશે. તો વિધાનસભાની કુલ 90 બેઠકોમાંથી 43 બેઠકો જમ્મુની જ્યારે બાકીની 47 કાશ્મીરની રહેશે. જમ્મુમાં અગાઉ 37 બેઠકો હતી જેને હવે વધારીને 43 કરાઈ છે.
પૂર્વ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર પર ગઠીત ત્રણ સભ્યોના સીમાંકન આયોગનો કાર્યકાળ શુક્રવાર - છઠ્ઠી મેના રોજ પૂરો થઇ રહ્યો હોવાથી આગલા દિવસે જ આ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આયોગે કાશ્મીરી પંડિતો માટે વિધાનસભામાં બે બેઠકો અનામત રાખવાનો પણ પ્રસ્તાવ મોકલ્યો છે. હવે આ આદેશની એક કોપી અને રિપોર્ટ સરકારની પાસે મોકલવામાં આવશે. આ જ રિપોર્ટમાં બેઠકોની સંખ્યા, તેનું ક્ષેત્રફળ, આકાર અને જનસંખ્યા વગેરેનું વિસ્તૃત વિવરણ છે. હવે એક ગેઝેટના માધ્યમથી આ આદેશને લાગુ કરી દેવામાં આવશે.
પીઓકેની ૨૪ બેઠકો ખાલી
આ કમિશને પ્રસ્તાવ મોકલ્યો છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો 83થી વધારીને 90 કરવામાં આવે. આ ઉપરાંત પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે. અગાઉ પણ આ બેઠકો ખાલી રાખવામાં આવી હતી. જોકે, રિપોર્ટમાં કાશ્મીરી પંડિતો નહીં પણ કાશ્મીરી પ્રવાસી શબ્દનો ઉપયોગ કરીને તેમના માટે બે બેઠકો અનામત રાખવાની ભલામણ કરવામાં આવી છે. જેને પગલે જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ વધી શકે છે.
ચૂંટણીનો માર્ગ મોકળો
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર સીમાંકન આયોગે પ્રથમ વખત અનુસૂચિત જનજાતિ માટે 9 બેઠકો અનામત રાખી છે. જેમાં છ જમ્મુ પ્રાંત છે અને અન્ય ત્રણ કાશ્મીર ક્ષેત્રમાં છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓનો રસ્તો સાફ કરવા માટે માર્ચ 2020માં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. હવે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018થી ચૂંટણી યોજાઇ નથી.

પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ઇસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા-લોકસભા બેઠકોના સીમાંકનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાક. સરકારે ભારતના પ્રભારી રાજદૂતને બોલાવીને સીમાંકન સામે વાંધો નોંધવ્યો છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે અમે ભારતના કાશ્મીર પર સીમાંકન આયોગના રિપોર્ટને ફગાવીએ છીએ.
પાકિસ્તાન સરકારે એમ પણ કહ્યું કે, આ હાસ્યાસ્પદ છે. કાશ્મીરમાં રાજકીય પક્ષોએ સીમાંકન આયોગના રિપોર્ટને ફગાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રયાસ દ્વારા ભારત 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલા નિર્ણયને કાયદાકીય આધારે આપવા ઇચ્છે છે. અહીંયા નોંધવું રહ્યું કે ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ની જોગવાઇ રદ કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઉમેર્યું કે આ પગલાં પાછળ ભારત સરકારની ગુપ્ત યોજના રહેલી છે. ભારતે સીમાંકનના નામ પર વિધાનસભા ક્ષેત્રોની નવરચના કરી છે, જેથી મુસ્લિમોનું પ્રભુત્વ ઓછું કરી શકાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter