જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ ‘JAI’ એટલે જીત છેઃ મોદી

Saturday 29th June 2019 07:46 EDT
 
 

ઓસાકાઃ જાપાનના ઓસાકામાં યોજાયેલી જી-૨૦ સમિટની બેઠક પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે વચ્ચે અનેક મહત્ત્વના મુદ્દે ચર્ચાવિચારણા થઈ હતી. ત્રિપક્ષીય મંત્રણા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાના પ્રથમ અક્ષર મળીને ‘JAI’ શબ્દ બને છે. હિન્દીમાં ‘જય’ શબ્દનો અર્થ થાય છે જીત. આ દોસ્તીએ દુશ્મનોના હોશકોશ ઉડાવી દીધા છે. આ ત્રણેય દેશ લોકતંત્રને સમર્પિત છે.
જાપાન, અમેરિકા અને ભારત - ત્રણેય દેશ એક ખુલ્લા, સ્થિર અને નિયમ આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની દિશામાં સાથે મળીને કામ કરે તે મુદ્દો આ ત્રણેય નેતાઓની મંત્રણાના કેન્દ્રસ્થાને હતો. આ ઉપરાંત અનેક મહત્ત્વના મુદ્દે પણ વાત કરી હતી. બેઠકમાં મોદીએ બન્ને નેતાઓ સાથે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પાયાગત માળખામાં સુધારો કરવાના મુદ્દે વાત કરી હતી. 

રાજદ્વારી નિષ્ણાતોના મતે, ચીનના સંદર્ભે ભારતની અમેરિકા અને જાપાનના નેતાઓ સાથેની બેઠક ઘણી જ મહત્ત્વની ગણી શકાય. છેલ્લાં ઘણાં સમયથી ચીન સાઉથ ચાઇના સી પર પોતાના અધિકારનો દાવો કરી રહ્યું છે. તો બીજી તરફ, અમેરિકા, ભારત અને જાપાન સહિત વિશ્વના ડઝનેક દેશો તેનો સખત વિરોધ કરી રહ્યા છે. આમ છતાં ચીને આ વિસ્તારમાં કૃત્રિમ ટાપુઓ વિકસાવીને લશ્કરી મથકો ઊભા કરીને અડિંગો જમાવ્યો છે. અમેરિકા સહિતના દેશોએ આનો સખત વિરોધ કર્યો હોવા છતાં ચીને કોઈને ગણકાર્યા નથી.

ઉલ્લેખનીય છે કે જી-૨૦ સમિટમાં તમામ ૨૦ દેશના નેતાઓએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ)માં ધરમૂળતી બદલાવનું સમર્થન કર્યું હતું. આની સાથોસાથ તમામ દેશોએ વૈશ્વિક બજારનો વિશ્વાસ મજબૂત કરવા અને ડિજિટલ ઇકોનોમી વધારવા માટે પણ સંમતિ દર્શાવી હતી.
• મોદી-ટ્રમ્પ મળ્યાઃ મોદી અને ટ્રમ્પની બેઠક ૪૦ મિનિટ ચાલી, જેમાં વેપાર, સંરક્ષણ અને ઇરાન મુદ્દે વાતચીત થઈ. આ બેઠક પછી વ્હાઇટ હાઉસે ટ્વિટ કર્યું હતું કે, વડા પ્રધાન મોદીએ અમેરિકાની વેપારી ખોટ ઓછી કરવા, સંરક્ષણ સહકાર વધારવા, તેમ જ હિન્દ સમુદ્ર તેમજ પ્રશાંત મહાસાગરના ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાના મુદ્દે વાત કરી. અમે પણ ભારતના હિતો ધ્યાનમાં રાખીને આગળ વધીશું.
પુતિન-જિનપિંગ સાથે બેઠકઃ મોદીએ પરમુખ ટ્રમ્પ સાથેની દ્વિપક્ષીય બેઠકની જેમ રશિયન પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આતંકવાદ, ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દા ચર્ચાના કેન્દ્રસ્થાને હતા. મોદીએ કહ્યું કે, અમારી ત્રિપક્ષીય બેઠકમાં વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ વિશે ચર્ચા થઈ હતી. અમે વૈશ્વિક સ્તરે યોગ્ય સંતુલન સાધવામાં પ્રયાસ કરીશું.

‘બ્રિક્સ’ બેઠકઃ આતંકને મદદ અટકાવવા ચર્ચા

જી-૨૦માં ‘બ્રિક્સ’ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા) દેશના નેતાઓ આતંકને મળતી મદદ અટકાવવાની વાત કરી હતી. આ મુદ્દે તમામ દેશોએ સંમતિ દાખવી હતી. આ બિન-ઔપચારિક બેઠક પછી નેતાઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે નાણાં, ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ એવા વૈશ્વિક પડકાર છે, જે વિશ્વના આર્થિક અને સાતત્યપૂર્ણ વિકાસ પર નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે. તેને રોકવા ચોક્કસ રૂપરેખા તૈયાર કરવી જરૂરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter