દુનિયાભરમાં ભારતીયો સૌથી વધુ આશાવાદી

૫૭ ટકાને વિશ્વાસ છે કે બે-ત્રણ મહિનામાં દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી જશે

Monday 18th May 2020 09:51 EDT
 
 

નવી દિલ્હીઃ વિશ્વ ભલે કોરોના મહામારીમાં લપેટાયું હોય, આર્થિક મંદીના મોજાની ચિંતા કરતું હોય, પરંતુ બહુમતી ભારતીયોને ભરોસો છે કે આગામી બે-ત્રણ માસમાં જ બધું ઠીકઠાક થઇ જશે, દેશના અર્થતંત્રની ગાડી પાટા પર ચઢી જશે. તાજેતરમાં થયેલા ત્રણ સર્વેના તારણો દર્શાવે છે કે વિશ્વભરમાં ભારતીયો સૌથી વધુ આશાવાદી છે. ગ્રાહકની આવક અને બચતમાં ઘટાડો નોંધાવા છતાં આર્થિક સુધારા અંગે લોકોમાં આ આશાવાદ પ્રવર્તે છે.
• મેકેન્ઝી એન્ડ કંપનીએ એકથી ચાર મે વચ્ચે કરેલા એક સર્વેમાં ૫૭ ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી બે-ત્રણ મહિનામાં જ અર્થતંત્ર કોવિડ-૧૯ની કટોકટીમાંથી બહાર નીકળીને પહેલાંની જેમ જ ફરી પાટા પર આવી જશે. આવો જ આશાવાદ ઇપ્સોસના સર્વેમાં જોવા મળ્યો છે. જેમાં ૬૩ ટકા ભારતીયોને ઝડપથી ઇકોનોમીમાં રિકવરીની આશા છે. મતલબ કે દર પાંચમાંથી ત્રણ ભારતીય ભવિષ્ય અંગે આશાવાદી છે.
• ડેટા ફર્મ યુગોવનો રિપોર્ટ દર્શાવે છે કે ૪૮ ટકા ભારતીયોના મતે મહામારી ટૂંકમાં ખતમ થઇ જશે. લંડનસ્થિત ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને ડેટા કંપની યુગોવના સર્વેમાં કોવિડ ટૂંકમાં ખતમ થવા અંગે ભારતીય લોકો વધુ આશાવાદી જણાયા છે. ભારતમાં આશરે ૪૮ ટકા લોકોનું કહેવું છે કે જુલાઇના અંત સુધી મહામારી ખતમ થઇ જશે. જ્યારે વિશ્વસ્તરે જોઇએ તો ૪૦ ટકા લોકોને મહામારી ટૂંકમાં ખતમ થવાની આશા પ્રવર્તે છે. મોટા ભાગના લોકોએ માન્યું છે કે આ સંકટમાં કંઇક ને કંઇક સારું થયું છે.
• મેકેન્ઝીનો રિપોર્ટનો દર્શાવે છે કે ૯૩ ટકાના મતે એક વર્ષની અંદર જ જીવન પહેલાં જેવું સામાન્ય થઇ જશે. આ રિપોર્ટ અનુસાર, રોજિંદા જીવન અંગે પણ ભારતીયો વધુ આશાવાદી છે. મેકેન્ઝીના આ સર્વેમાં માત્ર ૭ ટકા લોકોએ કહ્યું હતું કે જીવન સામાન્ય થતાં એક વર્ષ લાગી જશે. જ્યારે અન્ય ૯૩ ટકાનું માનવું છે કે એક વર્ષની અંદર જ રૂટિન પહેલાં જેવું થઇ જશે. આમાં પણ ૮ ટકા લોકોનું તો ત્યાં સુધી માનવું છે કે એક મહિનાની અંદર જ રુટિન પહેલાં જેવું સામાન્ય થઇ જશે. જ્યારે ૩૨ ટકાનું માનવું હતું કે મહામારી ઓગસ્ટથી માંડીને ઓક્ટોબર સુધી રહી શકે છે.

ભારતમાં લોકો વધુ ખર્ચ કરવા તૈયાર

વર્લ્ડ ઇકોનોમી ફોરમના જણાવ્યા મુજબ ભારતમાં લોકો ખર્ચ વધારવાની યોજના કરી રહ્યા છે. કંઇક આ જ પ્રકારનો ટ્રેન્ડ ચીન, ઇન્ડોનેશિયા અને નાઇજિરિયામાં પણ જોવા મળ્યો છે. બીજી તરફ, અમેરિકા, રશિયા, જર્મની જેવા ઘણા દેશોમાં લોકો ખર્ચ ઓછો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેપજેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સર્વે મુજબ ૫૭ ટકા ભારતીયોએ કહ્યું હતું કે તેઓ આ વર્ષે કાર ખરીદવા વિચારી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter