ધરતી પર ચાર નહીં, પાંચ મહાસાગર છે

Sunday 11th July 2021 06:04 EDT
 
 

વોશિંગ્ટનઃ ઈન્ડિયન, એટલાન્ટિક, પેસેફિક અને આર્કટિક... ધરતી પરના આ ચાર મહાસાગરો વિશે તો આપણે સૌ ભૂગોળના પુસ્તકોમાં ભણ્યા હોઈએ છીએ, પરંતુ ધરતી પર એક પાંચમો મહાસાગર છે એ શું તમે જાણો છો?! આ મહાસાગરને સધર્ન ઓશન (દક્ષિણ મહાસાગર) નામ અપાયું છે. હકીકતે મહાસાગર તો લાખો વર્ષોથી ત્યાં છે જ, પરંતુ તેને અલગ મહાસાગર તરીકે ઓળખવાની હવે શરૂઆત થઈ છે.
આપણી ધરતીનો ૭૧ ટકા ભાગ પાણીથી ઘેરાયેલો છે. બધે પાણી તો સરખું જ હોય છતાં પણ તેમાં રહેલા વિવિધ લક્ષણોને આધારે મહાસાગર, સમુદ્રમાં તેનું વિભાજન થયેલું છે. નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી છેક ૧૯૦૫થી આખા જગત માટે ચોક્સાઈપૂર્વકના નક્શા બનાવે છે. ભૌગોલિક બાબતોની માહિતી જોઈતી હોય તો નેશનલ જ્યોગ્રાફિકથી વધારે ઉપયોગી નક્શા કોઈના નથી હોતા. નેશનલ જ્યોગ્રાફિકે આ વર્ષથી તેના સત્તાવાર મેપમાં આ મહાસાગર ઉમેરવાની શરૂઆત કરી છે.
નેશનલ જ્યોગ્રાફિકના નિષ્ણાતોનું કહેવું છે કે આ પાંચમો મહાસાગર છે એ સંશોધકો તો વર્ષોથી જાણે જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે મહાસાગરને માન્યતા આપવા માટે સહમતિ સધાઈ ન હતી. આથી મહાસાગર હોવા છતાં ઓળખ મળતી ન હતી.
અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિઅરિક એડમિનિસ્ટ્રેશને (NOAA) તો ૧૯૯૯માં જ પાંચમા મહાસાગરને માન્યતા આપી હતી. પરંતુ એ પછી સમુદ્ર વિસ્તાર અંગેના આંતરરાષ્ટ્રીય સંગઠન ઈન્ટરનેશનલ હાઈડ્રોગ્રાફિક ઓર્ગેનાઈઝેશન (IHO) અને NOAAની બેઠક મળી. તેમાં પાંચમા મહાસાગર અંગે સહમતિ તો ન સધાઈ, પરંતુ એટલું જરૂર નક્કી થયું કે જગતના સમુદ્રો, જળપ્રવાહો, મહાસાગરો વગેરેનો નવેસરથી સર્વે કરી સરહદો આંકીશું.
હવે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફરીથી NOAAએ પાંચમા મહાસાગરને માન્યતા આપી દીધી હોવાથી નેશનલ જ્યોગ્રાફિકનો માર્ગ મોકળો થયો છે. આ મહાસાગરને અત્યારે સધર્ન નામ અપાયું છે કેમ કે એ એન્ટાર્ટિકની આસપાસ આવેલો જળ વિસ્તાર છે. એ મહાસાગર તરીકે અલગ પડે છે કેમ કે આસપાસના સમુદ્રો કરતાં તેનું પાણી વધારે ઠંડુ છે. તેનું પાણી અન્ય સમુદ્રી વિસ્તાર કરતાં ઓછું ખારું એટલે કે ઓછું મીઠું ધરાવે છે. આ જળવિસ્તાર એ રીતે પણ અલગ પડે છે કે ત્યાં બરફનો વધારે જમેલો છે. બરફને કારણે અન્ય મહાસાગર કરતાં તેનો દેખાવ અને પાણીનો કલર પણ અલગ પડે છે.
આમ તો જગતના દરેક મહાસાગરના પાણી એકબીજાથી અલગ પડે છે કે કેમ કે તેની વહેવાની દિશા, તાપમાન, પાણીનો વેગ વગેરે એકબીજાથી અલગ પડે છે. ખાસ તો દરેક મહાસાગર તેમાં વહેતા પાણીના પ્રવાહથી અલગ પડે છે.
સધર્ન ઓશન એન્ટાર્કટિકા ખંડ ફરતે જ વહે છે, તેનું પાણી પૂર્વ દિશામાં આગળ વધે છે. એટલે એન્ટાર્કટિકા ફરતે પાણીની એક રિંગ બને છે. આ રિંગ અન્ય મહાસાગરોથી અલગ છે. આ જળપ્રવાહ એન્ટાર્કટિક સરર્કમ્પોલર કરન્ટ (ACC) તરીકે ઓળખાય છે. ACC જ આ જળવિસ્તારને મહાસાગરની ઓળખ આપે છે. ACC તેને સ્પર્શતા બધા જ મહાસાગર પેસેફિક, એટલાન્ટિક અને ઈન્ડિયન ત્રણેયમાંથી પાણી ખેંચે છે. પાણીના જથ્થાની દૃષ્ટિએ ACC જગતનો સૌથી વિશાળ સમુદ્રી પ્રવાહ છે. આ મહાસાગરમાં પેગ્વિન, દરિયાઈ પક્ષીઓ, વ્હેલ, સીલ જેવા સમુદ્રી જીવોનો વસવાટ છે, જે સામાન્યતઃ બીજે જોવા મળતા નથી. આ દરિયાઇ ક્ષેત્ર મહાસાગર જાહેર થયું એટલે હવે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંગઠનો તેની જાળવણી માટે કામ કરે એ જરૂરી છે.
આ ઉપરાંત દુનિયાભરના ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં પણ આ મહાસાગરને સ્થાન મળશે. જ્યારે ૩.૪ કરોડ વર્ષ પહેલાં એન્ટાર્કટિકા ખંડ દક્ષિણ અમેરિકા ખંડથી અલગ પડ્યો ત્યારે આ મહાસાગર રચાવાની શરૂઆત થઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter