નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મદદ માગી, મધ્યસ્થી માટે હું તૈયારઃ ટ્રમ્પે કાચું કાપ્યું કે પલિતો ચાંપ્યો?

Wednesday 24th July 2019 06:09 EDT
 
 

વોશિંગ્ટનઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વોશિંગ્ટનમાં યોજાઇ હતી, પરંતુ તેના પડઘા ભારત અને પાકિસ્તાનમાં પડ્યા છે. બન્ને નેતાઓની આ પ્રથમ મુલાકાત હતી. એક અહેવાલ મુજબ આ વાતચીત દરમિયાન પ્રમુખ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મને કહ્યું હતું કે કાશ્મીર વિવાદ ઉકેલવા માટે હું મદદ કરું અને આ મુદ્દે મધ્યસ્થી કરવામાં મને આનંદ થશે.
પ્રમુખ ટ્રમ્પનું આ નિવેદન આવતાં જ ભારત અને પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ હતી. ઇમરાન ખાને કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પ મદદ કરે તો તે સારી વાત છે. જ્યારે ભારતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જોકે ભારત સરકારે પ્રમુખ ટ્રમ્પના દાવાને નકારી કાઢતાં વિવાદનું સૂરસૂરિયું થઇ ગયું છે.
એટલું જ નહીં, વ્હાઈટ હાઉસે ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાત પછી બહાર પાડેલી અખબારી યાદીમાં પણ ક્યાંય કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી ટ્રમ્પે કરેલા દાવા અંગે અનેક પ્રકારની શંકા-કુશંકા સેવાઈ રહી છે.

સમગ્ર મામલો શું છે?

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું, ‘બે અઠવાડિયાં પહેલાં જ મારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે શું તમે મધ્યસ્થી બનવા ઇચ્છો છો? મેં સામે પ્રશ્ન પૂછ્યછયો કે ક્યાં? તો તેમણે કહ્યું, ‘કાશ્મીરમાં.’ ટ્રમ્પે કહ્યું હતું, ‘જો હું મદદ કરી શકું તો મને મધ્યસ્થી બનીને ખુશી થશે.’

ભારતનો રદિયો

ટ્રમ્પના આ નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર જણાવ્યું હતું, ‘અમે પ્રેસમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન જોયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ માગ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે કરી નથી.’ તેમણે લખ્યું હતું, ‘ભારતનો હંમેશા એ મત રહ્યો છે કે પાકિસ્તાન સાથે દરેક મુદ્દા પર દ્વિપક્ષી વાતચીત જ થશે. પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીતમાં શરત એ જ છે કે તે સરહદપારથી ઉગ્રવાદ બંધ કરે.’ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદમાં પણ એ વાતની સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર મામલે કોઈની મધ્યસ્થીનો સવાલ જ નથી. આ મુદ્દે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, ‘ભારતે ક્યારેય જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો સ્વીકાર કર્યો નથી.’
જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઇ મદદ માગી હોય તો તે શરમજનક બાબત છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાહે ટ્વિટ કરી ભારત સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે ‘શું ભારત સરકાર ટ્રમ્પને જૂઠા કહેશે કે પછી નીતિમાં ફેરફાર થઇ ગયો છે અને તે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર થઇ ગઇ છે.

ઇમરાન ખાને શું કહ્યું?

ઇમરાન ખાને કાશ્મીર અને ટ્રમ્પના નિવેદન પર ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા જાહેર કરી હતી. તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૭૦ વર્ષથી ચાલતા કાશ્મીર વિવાદને ઉકેલવા માટે ભારત અને પાકિસ્તાનને મંત્રણાના ટેબલ પર લાવવા કરેલી ઓફર અંગે ભારતની પ્રતિક્રિયાથી મને નવાઈ લાગી છે. કાશ્મીર વિવાદનો ઉકેલ ના આવવાથી કાશ્મીરની પેઢીઓ તેનો ભોગ બની રહી છે.’ આ મામલે ભારતે સ્પષ્ટ જણાવી દીધું છે કે ભારત પાકિસ્તાન સાથેના મુદ્દાઓને દ્વિપક્ષીય મંત્રણા દ્વારા જ ઉકેલશે.

પાક.માં છવાયા મોદી અને કાશ્મીર

પ્રમુખ ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાતથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં છવાયો છે. પાકિસ્તાન ટ્વિટરના ટોપ ટ્રેન્ડમાં ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાત સિવાય કાશ્મીર અને મોદી પણ સામેલ છે. ટ્રમ્પ સાથેની મુલાકાતમાં અમેરિકા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે વિદેશી સહાય તથા કાશ્મીર મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યા હતા.
ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થી મામલે નરેન્દ્ર મોદીએ રજૂઆત કર્યાની જે વાત કરી તેનું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સ્વાગત કર્યું હતું. ઇમરાન ખાને કહ્યું, ‘અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.’
‘કાશ્મીરની સ્થિતિને કારણે એક અબજ લોકો પરેશાન છે. મને વિશ્વાસ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ દેશોને નજીક લાવી શકે છે.’ ઇમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે સંવાદ કરવાની કોશિશ કરી છે, પણ એ દિશામાં પ્રગતિ સધાઈ નથી.
એમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પ આ મામલે ભૂમિકા ભજવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter