નરેન્દ્ર મોદીની પહેલી પસંદ માલદીવ કેમ?

Friday 14th June 2019 05:11 EDT
 
 

નવી દિલ્હીઃ સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિદેશપ્રવાસ માટે માલદીવને પસંદ કર્યું છે. મોદીએ બીજા શપથગ્રહણ સમારોહમાં આ વખતે ‘બિમસ્ટેક’ રાષ્ટ્રના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં થાઇલેન્ડ અને મ્યાંમાર જેવા દેશો પણ સામેલ છે. જોકે, માલદીવનો આમાં સમાવેશ થતો નથી. સ્પષ્ટ છે કે ભારતીય વિદેશનીતિને ઘડનારા લોકોનાં મનમાં એ વાત આવી જ હશે કે આ પગલું ક્યાંક માલદીવને ખટકે નહીં. માલદીવ દક્ષિણ એશિયા અને અરબી સમુદ્રમાં સ્ટ્રેટેજિક લોકેશન પર છે, જે ભારત માટે હવે પહેલાંથી ક્યાંય વધુ મહત્ત્વ ધરાવે છે. 

માલદીવ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીર કહે છે, ‘માલદીવ આપણી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો બહુ મોટો ભાગ છે. મધ્ય-પૂર્વમાંથી તેલ અને ગેસની આપણે જેટલી આયાત કરીએ છીએ, એમાંથી બહુ મોટો ભાગ એ-ડિગ્રી એટલે કે માલદીવની નજીકમાંથી પસાર થાય છે. આ ઉપરાંત હિંદ મહાસાગરના આ વિસ્તારમાં શાંતિ-સ્થિરતા રહે એ જરૂરી છે. વળી, ભારત માલદીવમાં વિશ્વસનીય ડેવલપમેન્ટ પાર્ટનરની ભૂમિકામાં છે.’
આ ભારતીય વડા પ્રધાનના પ્રથમ વિદેશ પ્રવાસ માટે માલદીવને પસંદ કરવા પાછળ ચીન પણ મોટું કારણ છે. ચીને છેલ્લા એક દાયકાથી હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવાનું અભિયાન વેગવંતું બનાવ્યું છે. આ કડીનો પ્રથમ ભાગ શ્રીલંકા છે અને બાદમાં માલદીવ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. વેપાર, આર્થિક મદદ અને માળખાકીય સુવિધાઓ થકી ચીન આ દેશોમાં ઝડપથી પગપેસારો અમુક હદે સફળ પણ રહ્યું છે.
જોકે, આ બન્ને રાષ્ટ્રો ચીનની સરખામણીએ ભારત સાથે ભૌગોલિક અને સાંસ્કૃતિક તેમજ નાનામોટા વેપાર થકી વધું જોડાયેલાં છે.
છતાં માલદીવ પર ભારતનો પ્રભાવ છેલ્લાં કેટલાંક વર્ષોથી થોડો ઘટ્યો હતો. ૨૦૧૩થી ૨૦૧૮ સુધી અહીં અબ્દુલ્લા યામીનની સરકાર હતી. તેણે લીધેલાં કેટલાંક પગલાં ભારતને માફક નહોતાં આવ્યાં. યામીન સરકાર ચીનની નજીક હતી.
માલદીવમાં ભારતના પૂર્વ રાજદૂત ગુરજીતસિંહ કહે છે કે ગત વર્ષોમાં પાકિસ્તાન બાદ માલદીવ સાથે ભારતના સંબંધો ઘણા ખરાબ થઈ ગયા હતા. એટલે આ પ્રવાસ એકમદ યોગ્ય સમયે થઈ રહ્યો છે.

પરિવર્તનની અસર

માલદીવમાં ૨૦૧૮માં સત્તાપરિવર્તન થયું. રાષ્ટ્રપતિ સોલિહે ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લીધી, જેમાં કેટલાય મહત્ત્વના વેપારી કરારો હાથ ધરાયા. એ મુલાકાતના સમાપન પહેલાં ભારતને થયેલી રાહત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કંઈક આવી રીતે સમજી શકાય, ‘આપની આ યાત્રામાં આંતરિક વિશ્વાસ અને મિત્રતાની ઝલક જોવા મળે છે, જેના પર ભારત-માલદીવના સંબંધો આધાર રાખે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter