પગ વિના જન્મેલી કાન્યા આજની સક્સેસફુલ એથ્લિટ, મોડેલ અને સ્કેટબોર્ડર

Saturday 03rd November 2018 07:00 EDT
 
 

લોસ એન્જલસઃ આજે ૨૬ વર્ષની થયેલી કાન્યા સેસરનો જન્મ એક પણ પગ વગર થયો હતો, પરંતુ તેણે પોતાના હાથને પગ બનાવીને જીવનને સફળતા બનાવી દીધું છે. આજે કાન્યા માત્ર એક સક્સેસફુલ એથ્લિટ જ નહીં, પણ મોડેલ અને સ્કેટબોર્ડર પણ છે. એટલું જ નહીં મોટિવેશનલ સ્પીકર તરીકે લોકોને પ્રોત્સાહિત પણ કરે છે.
કાન્યા શારીરિક રીતે ભલે દિવ્યાંગ હોય, પરંતુ તેનો જુસ્સો ભલભલાને હંફાવે તેવો છે. પગ ન હોવા છતાં ક્યારેય વ્હીલચેરનો ઉપયોગ કર્યો નથી. કાન્યાનો જન્મ થાઇલેન્ડમાં થયો હતો. વિકલાંગ હોવાને લીધે તેનાં માતા-પિતા તેને બૌદ્ધ ભિક્ષુઓની પાસે મૂકી આવ્યાં હતાં. તે જ્યારે પાંચ વર્ષની થઈ ત્યારે એક અમેરિકી યુગલ જેન અને ડેવ સેસરે તેને દત્તક લીધી હતી અને ત્યાં તેને જીવનની બધી ખુશીઓ મળી.
કાન્યા કહે છે કે મારાં પેરેન્ટ્સે મને શ્રેષ્ઠ જીવન આપ્યું. અહીં આવતા જ મેં સ્કેટબોર્ડ પકડી લીધું હતું અને ૯ વર્ષની વયે તો હું પ્રોફેશનલ સ્કેટબોર્ડર બની ગઈ હતી. ૧૫ વર્ષની ઉંમરે એક સ્પોર્ટસ બ્રાન્ડ માટે મોડેલિંગ શરૂ કરી દીધું. સફળતા મળતા મને સ્વિમવેર અને લોન્જરી મોડેલ બનવાની તક પણ મળી. નોંધપાત્ર એ છે કે મને પોતાને સેક્સી ફીલ કરવા માટે પગની જરૂર જ નથી લાગી.
હકારાત્મક વિચારસરણી ધરાવતી કાન્યા કહે છે કે મારું માનવું છે કે બીજા કરતાં અલગ હોવું પણ એક રીતે સુંદર હોવું જ છે. આમ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે હું મોડેલ બનીશ, પરંતુ આ બધું અચાનક જ મારી સાથે થઇ ગયું. લોકો મને સ્કેટબોર્ડ સાથે જોઈને હેરાન થઈ જાય છે. પણ મને તેનાથી અત્યારે પણ કોઈ ફરક પડતો નથી, અને ભવિષ્યમાં પણ ફરક પડવાનો નથી.
કાન્યાનું કહેવું છે કે ઘણા લોકો મારા પર દયા ખાય છે તો ઘણા લોકો માટે હું પ્રેરણાદાયક પણ છું. જોકે કાન્યા કહે છે કે તેને એવા લોકો પસંદ નથી જે તેને કહે છે કે અમને તારી જીવનકથા જાણીને દુઃખ થયું છે. અમે અમારા માટે પ્રાર્થના કરીશું... વગેરે વગેરે.
આ અંગે કાન્યા કહે છે કે મને આવી બનાવટી લાગણીની જરૂર નથી. આવા લોકોને જોઈ તેમને પંચ મારવાનું મને મન થાય છે. જોકે હું તેમને માત્ર એટલું જ કહેવા માગીશ કે હું પણ સામાન્ય યુવતીઓ જેવી જ છું જેનાં અનેક સપનાં છે. હું પણ દરેક યુવતીની જેમ મારાં સપનાં સાકાર કરતી રહી છું, અને હંમેશા કરતી રહીશ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter