પુરાતત્વવિદોએ ચીનમાંથી શોધ્યો ૫૧.૮ કરોડ વર્ષ પુરાણો જીવાશ્મિઓનો અદભૂત ખજાનો

Friday 16th July 2021 09:49 EDT
 
 

બૈજિંગઃ પુરાતત્વવિદોએ ચીનના કુમિંગ પ્રાંતની ખાડીમાંથી ૫૧.૮ કરોડ વર્ષ જૂનો અદભૂત અશ્મિજન્ય ખજાનો શોધ્યો છે. આ ખાડીમાંથી મળેલા ૨૮૦૦ જેટલા જીવાશ્મિ કુલ ૧૧૮ પ્રજાતિના છે. તેમના કેટલાક તો આધુનિક યુગના જીવાણુઓ, જેલિફીશ અને ક્રસ્ટાસીન્સના પૂર્વજો છે. આમાંની ૧૭ પ્રજાતિઓ તો અત્યાર સુધી ક્યારેય ન જોયેલી પ્રજાતિઓ છે, જે વિજ્ઞાન માટે અત્યાર સુધી અજાણી હતી એમ સંશોધકોનું કહેવું છે. તેમાં પણ કેટલાક નમૂના તો જબરજસ્ત રીતે જળવાયા છે. આ જાળવણી એટલી હદ સુધીની છે કે કેટલાકના શરીરના આંતરિક અવયવોની છાપ હજી પણ સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત તેમના ઈંડા અને લારવા પણ આટલા સમયથી સચવાયેલા છે. આ મળી આવેલી જીવાશ્મિઓ પરથી હાલના સમયના કેટલાક પ્રાણીઓ અને જીવાણુઓનું મૂળ મળી આવ્યું છે. પેન સ્ટેટ યુનિવર્સિટીના જીવાશ્મ વૈજ્ઞાનિક અને સહલેખક જુનિલયન કિમિંગનું કહેવું છે કે આટલા બધા જુવેનાઈલ્સ અશ્મિજન્ય જીવાશ્મના રેકોર્ડના સંદર્ભમાં જોવા તે દુર્લભ વસ્તુ છે. કુમિંગ ખાતેના જીવાશ્મ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેઓએ પરાપૂર્વકાલીન યુગ એટલે કે અત્યંત પ્રાચીનકાળ કહેવાય તેવા સમયગાળાની ૨,૮૦૦ જેટલા અશ્મિજન્ય નમૂના શોધ્યા છે. આનો સમયગાળો ૫૪.૧ કરોડથી ૪૮.૫ કરોડની વચ્ચેનો હોવાનો મનાય છે. આ સમયગાળા દરમિયાન જબરજસ્ત વાતાવરણલક્ષી અને જૈવિક ફેરફારો થયા હતા. આ સમયે કેમ્બ્રિયન એક્સપ્લોઝન (કોષોમાંથી જીવ તરફ પ્રગતિ) ટોચના સ્તરે હતું એટલે કે નવા કોષો અથવા તો નવા જીવો ઝડપથી આકાર પામી રહ્યાા હતા. તે સમયે મોટાભાગનું જીવન સમુદ્રમાં જ હતું. આટલા બધા પરિવર્તન વચ્ચે આટલા જીવાશ્મા કેવી રીતે સચવાયા તે બહુ મોટો સવાલ છે. ટીમની થિયરી છે કે ઓક્સિજન લેવલમાં ઝડપથી ફેરફાર કે વાવાઝાડોના લીધે કાદવનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ વહેતા તે તેની સાથે આવેલી દરેક વસ્તુને વહાવી ગયો હશે અને તેની અંદર જ આ અશ્મિઓ સચવાઈ ગઈ હશે. આના લીધે તેમના શરીરના અંગોની છાપ આજે પણ સ્પષ્ટ દેખાય છે.

જીવાશ્મ વિજ્ઞાનીઓનું કહેવું છે કે તેઓ આના પરથી આ પ્રાણીઓની સંરચના કરવા માટે સિટી સ્કેનનો ઉપયોગ કરી શકે છે. તેના દ્વારા તેઓના અંગે વધારે માહિતી મળશે. આ જીવાશ્મિ પરથી આજના યુગની જેલીફીશ, જીવાણુઓ અને બગ્સ હાલમાં પૂર્ણરૂપે વિકસ્યા તે પહેલાં કેવા હતા તેનો ખ્યાલ પણ આવી શકે છે. ઈંડાઓ, લારવા અને જુવેનાઈલ નમૂનાઓની જાળવણી અંગે તેમ મનાય છે કે કુમિંગના અખાતના ઊંડા પાણીએ તેને સમુદ્રના કરંટ સામે સંરક્ષણ પૂરું પાડ્યું હશે. તેના લીધે તે સચવાયેલા રહ્યાા છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી અટકળ લગાવતા હતા કે કેટલીય પ્રજાતિઓના વિકાસમાં કેમ્બ્રિયન એક્સ્પ્લોઝન દરમિયાન ઓક્સિજનમાં મોટાપાયા પર વધારો થયો હતો.
કેમ્બ્રિયન એક્સપ્લોઝન ૫૪.૧ કરોડ વર્ષ પહેલાં થયો હતો, આ એ સમય હતો જ્યારે વિવિધ પ્રાણીઓ તેમની જનીન ક્રાંતિના નવા સ્તરે આવીને ઊભા હતા. ૫૮ કરોડ વર્ષ પહેલાં મોટાભાગના કોષોનું બંધારણ સરળ હતું અને તે મુખ્યત્વે એક જ કોષના બનેલા હતા. તેના સાતથી આઠ કરોડ વર્ષ પછી જીવનની ઉત્ક્રાંતિએ વેગ પકડતા જીવન વૈવિધ્યપૂર્ણ થવા લાગ્યું અને આજના સ્તરે આવીને ઊભું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter