ભૂતાનમાં ભારતીય પ્રવાસીની એન્ટ્રી ફીઃ પ્રતિદિન રૂ. ૧૨૦૦

Thursday 13th February 2020 07:23 EST
 

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુશખુશાલ દેશ ભૂતાને તેના દેશમાં પ્રવેશ માટેની પ્રવાસ ફી જાહેર કરી છે. ભૂતાન સરકારે ભારત ઉપરાંત બાંગલાદેશ અને માલદીવના નાગરિકોનો પોતાના દેશમાં નિઃશુલ્ક પ્રવેશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે હવે આ ત્રણેય દેશના પ્રવાસીઓને ભૂતાન જવા પર દૈનિક રૂ. ૧૨૦૦ની ફી આપવી પડશે.

ભૂતાન સરકારે વિદેશી યાત્રીઓ પર લાગનારી આ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (એસડીએફ)નું નામ આપ્યું છે. પ્રવાસીઓ પર ચાર્જ જુલાઇ-૨૦૨૦થી સમાન રીતે લાગુ પડશે. ભૂતાનની નેશનલ એસેમ્બલીએ ‘ટુરિઝમ એક્ઝેમપ્શન બિલ ઓફ ભૂતાન-૨૦૨૦’ના નામે લાગનારી આ ફીને ત્રણ દેશો સિવાયના અન્ય દેશોના પ્રવાસીઓ પર લાગુ ફીથી ઘણી ઓછી ગણાવી છે. અન્ય વિદેશી યાત્રીઓને ભૂતાન જવા પર પ્રતિદિન રૂ. ૧૭૦૦ જેટલા ચૂકવવા પડે છે.

મોટાભાગના ભારતીયો ભૂતાનના પશ્ચિમી હિસ્સામાં ફરવાનું પસંદ કરે છે. એટલે સરકારે પૂર્વી ભાગમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અહીં એસડીએફનો દર ઓછો રાખ્યો છે. આ ફી પાંચ વર્ષથી ઓછી વયના બાળકો પર લાગુ પડશે નહીં. ૬થી ૧૨ વર્ષનાં બાળક માટે આ દર માત્ર રૂ. ૬૦૦ પ્રતિદિનના હિસાબે હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter