મિસાઇલ હુમલાની ધમાધમી વચ્ચે શાંતિ-સમજાવટની એક સ્તુત્ય પહેલ

પરદે કે પીછે

Thursday 26th June 2025 06:23 EDT
 
 

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેડાયેલા ભીષણ જંગમાં હવે મહાસત્તા અમેરિકાએ પણ ઝંપલાવ્યું છે. ઝંપલાવ્યું છે એમ કહેવા કરતાં પણ બળતામાં પેટ્રોલ રેડવાનું કામ કરી રહ્યું છે એમ કહી શકાય. સહુ કોઇને પોતપોતાનો સ્વાર્થ સાધવા મથી રહ્યા છે. ઇઝરાયલના શાસકો એક સમયના મિત્રદેશ ઇરાનને શક્તિહીન કરવા માગે છે તો અમેરિકાનો ઇરાદો ઇરાનમાં સત્તાપલટો કરાવીને મિડલ ઇસ્ટ અને આસપાસના પ્રદેશમાં વર્ચસ વધારવાનો છે. રશિયા તથા ચીન જેવા દેશો ઇરાનના સમર્થનમાં ઉભા થઇ ગયા છે. કેમ કે તેમના મતે અમેરિકાને ભીડવવાનો આ જ યોગ્ય સમય છે. આમ એક કરતાં વધુ કારણો ઇઝરાયલ-ઇરાન યુદ્ધની આગને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે. અશાંતિ અને અનિશ્ચિતતાના આ માહોલ વચ્ચે ભારતીય ઉપખંડમાંથી આશાનું કિરણ ઉગ્યું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન પર ચર્ચા કરી છે. લગભગ પોણો કલાકની આ ચર્ચામાં સશસ્ત્ર સંઘર્ષથી સર્જાયેલો તણાવ કેન્દ્રસ્થાને હતો. ચર્ચામાં મોદીએ સંવાદ અને કૂટનીતિના માધ્યમથી વચલો રસ્તો કાઢવા અનુરોધ કર્યો હતો, જેથી સમગ્ર ઉપખંડમાં સત્વરે શાંતિ - સુરક્ષા - સ્થિરતા સ્થપાય. મોદી હંમેશા માનતા રહ્યા છે કે કોઇ પણ સંકટનું સમાધાન ડાયલોગ અને ડિપ્લોમસીમાં સમાયેલું છે. છેલ્લા સવા વર્ષથી લડી રહેલા યુક્રેન-રશિયાને પણ તેમણે આ વાત કહી હતી. અને અહીં પણ તેમણે આ જ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. બીજી તરફ, પેઝેશ્કિયાને પણ ભારતને પ્રાદેશિક શાંતિ - સુરક્ષા - સ્થિરતાને પ્રોત્સાહન આપનાર મિત્ર અને ભાગીદાર ગણાવ્યું છે. તેમણે ભારતના અભિગમને બિરદાવતા ડાયલોગ અને ડિપ્લોમસીની હાકલ કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. વડાપ્રધાન મોદીની શાંતિ માટેની આ પહેલ અને ઇરાનનો પ્રોત્સાહક પ્રતિસાદ વિશ્વતખતે ભારતનું વધતું મહત્ત્વ દર્શાવે છે. મને ખાતરી છે કે અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીમના વગદાર સાથીઓ વાઇસ પ્રેસિડન્ટ જે.ડી. વાન્સ, વિદેશપ્રધાન માર્ક રુબિયો, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જેક સુલિવન વગેરે પણ વડાપ્રધાન મોદી અને ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલના સંપર્કમાં હશે જ. અમેરિકા માને છે કે ઇરાનના અણુમથકોને તબાહ કરવાનું તેનું કામ થઇ ગયું છે, હવે શક્ય તેટલી જલ્દી શાંતિમંત્રણા શરૂ થાય તે જરૂરી છે. અને આમાં નરેન્દ્ર મોદી જ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. કારણ કે મોદી એકમાત્ર એવા નેતા છે જેમને યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા મોટા ભાગના દેશના નેતાઓ સાથે સારા સંબંધો છે એટલું જ નહીં વ્યક્તિગત સંપર્કો પણ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter