યુએન સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્યપદ માટે ભારતના સમર્થનમાં ૫૫ દેશ

Thursday 27th June 2019 07:13 EDT
 

યુએનઃ એશિયા પેસિફિકના પંચાવન દેશોએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં બે વર્ષના અસ્થાયી સભ્યપદ માટે સર્વસંમતિથી ભારતને સમર્થન આપ્યું છે. ભારત માટે આ વ્યૂહાત્મક રીતે જીત છે. ઉપરાંત ભારતની વિશ્વમંચ પર વધતી જતી શાખ દર્શાવે છે. ભારતની વ્યૂહાત્મક રજૂઆત એવી હતી કે, પાકિસ્તાને પણ ભારતનું સમર્થન કરવું જ પડ્યું. ૧૫ સભ્યની પરિષદમાં વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ના કાર્યકાળ માટે પાંચ અસ્થાયી સભ્યોની ચૂંટણી જૂન ૨૦૨૦માં થવાની શક્યતા સેવાઈ છે. આ સભ્યોનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થશે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરી હતી કે, યુએનમાં ભારતને અસ્થાયી સભ્યપદ આપવા સર્વસંમતિ... એશિયા પેસિફિક જૂથે યુએન સુરક્ષા પરિષદમાં ૨૦૨૧-૨૨ના બે વર્ષના અસ્થાયી કાર્યકાળ માટે ભારતની ઉમેદવારીનું સમર્થન સર્વસંમતિથી કર્યું છે. તમામ ૫૫ સભ્યને સમર્થન આપવા બદલ ધન્યવાદ.

યુએનમાં પાંચ કાયમી - ૧૦ અસ્થાયી સભ્ય

• યુએન સુરક્ષા પરિષદમાં કુલ ૧૫ દેશ છે, જેમાં ચીન, અણેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સ કાયમી સભ્યપદ ધરાવે છે. આ ઉપરાંત ૧૦ દેશને અસ્થાયી સભ્યપદ અપાયું છે, જેમાં ભારત સહિજ જર્મની, પોલેન્ડ, દ. આફ્રિકા, ઇન્ડોનેશિયા, કુવૈત, પેરુ, બેલ્જિયમ, આઇવરી કોસ્ટ, ડોમિનિક રિપબ્લિક અને ગિનીનો સમાવેશ થાય છે.

• અસ્થાયી સભ્યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે, જેના સભ્યપદની સીમા ચૂંટણી પછી વધારી શકાય છે. આ માટે સુરક્ષા પરિષદ પાંચ સ્થાયી સભ્યની બેઠક છોડીને દર વર્ષે પાંચ અસ્થાયી સભ્યની ચૂંટણી કરાવે છે. ૨૦૨૧-૨૨ એમ બે વર્ષ માટે ભારતને સમર્થન આપનારા દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઇન્ડોનેશિયા, ઇરાન, જાપાન, કિર્ગિસ્તાન, મલેશિયા, માલદીવ, બર્મા, નેપાળ, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સીરિયા, તૂર્કી, યુએઇ અને વિયતનામ મુખ્ય છે.

• હાલમાં જ જર્મનીના રાજદૂત વોલ્ટર જે લિંડનરે યુએન સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી બેઠકની તરફેણ કરી હતી. લિંડનરે કહ્યું હતું કે, ૧.૪ અબજની વસતી ધરાવતા દેશને પરિષદમાં સ્થાયી સભ્ય નથી અપાયું. આ તેમની વાતને ના સાંભળવા બરાબર છે, જે પરિષદની વિશ્વસનીયતાથી વિપરીત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter