યુગાન્ડામાં ઇન્ટરનેટ પર ટેક્સઃ ૨૫ લાખ લોકોનો નેટત્યાગ

Wednesday 06th March 2019 07:54 EST
 

કંપાલા: આફ્રિકન દેશ યુગાન્ડામાં લોકો ઓનલાઈન ગોસિપિંગ ના કરે તે માટે સરકારે સોશિયલ મીડિયા પર જ ટેક્સ ફટકારી દીધો છે. ખાસ કરીને સરકારી નિર્ણયો અંગે પ્રજા વધુ ગોસિપ ન કરે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ફેસબુક-વોટ્સએપ અને ટ્વિટર સહિત ૬૦ વેબસાઇટને ટેક્સના દાયરામાં લાવી દેવાઈ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર સરકારે રોજના ૨૦૦ યુગાન્ડન શિલિંગ ટેક્સ ફટકાર્યો છે. આ નિર્ણય પછી ૨૫ લાખ લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દીધું છે. હવે પાંચ કરોડની વસતી ધરાવતા દેશમાં ફક્ત ૧૨ લાખ નાગરિક જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
યુગાન્ડના મીડિયાના અહેવાલો પ્રમાણે, સોશિયલ મીડિયા પર ટેક્સ લગાવવાનો નિર્ણય પહેલીવાર જુલાઈમાં રાષ્ટ્રપતિ યુવેરી મુસેવિનીએ કર્યો હતો. તેનો હેતુ લોકો સરકાર વિરુદ્ધ આડીઅવળી વાતો ના કરે એ તેમજ સરકાર વિરોધી સમાચારો દેશ બહાર ના જાય તે હતો. ત્યાર પછી અનેક નાગરિકોએ એ નિર્ણયને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપ ગણાવી હતી.
કેટલાક સામાજિક કાર્યકર આ નિર્ણય વિરુદ્ધ અદાલતમાં પણ ઘા નાંખી છે અને અનેક લોકો તેના સમર્થનમાં રસ્તા પર પણ ઉતરી રહ્યા છે.
આ નિર્ણય વિરુદ્ધ અદાલતમાં ગયેલા એક વકીલે કહ્યું હતું કે, યુગાન્ડામાં મોટાભાગના લોકો સમાચારો માટે સોશિયલ મીડિયા પર નિર્ભર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter