રામની મર્યાદા અને બુદ્ધની કરુણા આપણો સંયુક્ત વારસો

Friday 08th November 2019 06:25 EST
 
 

બેંગકોકઃ ‘આસિયાન’ સમિટમાં હાજરી આપવા થાઈલેન્ડની રાજધાની બેંગકોક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનના 'હાઉડી મોદી' કાર્યક્રમની જેમ ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતા કહ્યું કે થાઈલેન્ડના કણ-કણમાં પોતીકાપણું જોવા મળે છે. થાઈલેન્ડમાં ભારતીયતાની સુગંધ અમે અનુભવીએ છીએ. હાઉડી મોદીની જેમ બેંગકોકમાં પણ મોદીના સન્માનમાં ‘સ્વાસ્દી પીએમ મોદી’ કાર્યક્રમનું આયોજન થયું હતું.
બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાયો હતો. થાઈલેન્ડમાં આવકાર માટે સ્વાસ્દી શબ્દ વપરાય છે. મોદીએ કહ્યું કે પ્રાચીન સુવર્ણભૂમિ, થાઈલેન્ડમાં તમારા બધા વચ્ચે છું તો લાગતું નથી કે હું ક્યાંક વિદેશમાં છું. આ વાતાવરણ, આ વેશભૂષા, દરેક બાજુથી પોતીકાપણું લાગે છે. આજે થાઈલેન્ડના નવા નરેશના રાજ-કાળમાં, પોતાના મિત્ર વડા પ્રધાન પ્રયુત ચાન ઓ ચના આમંત્રણ પર હું ભારત-આસિયાન બેઠકમાં ભાગ લેવા આવ્યો છું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે થાઈલેન્ડ સાથે ભારતના સંબંધો માત્ર સરકારોની વચ્ચે નથી. સરકારોએ તો તે બનાવ્યા પણ નથી. આ સંબંધો ઈતિહાસે બનાવ્યા છે. ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરુણા આપણો સંયુક્ત વારસો છે. કરોડો ભારતીયોનું જીવન જ્યાં રામાયણથી પ્રેરિત છે, એ જ દિવ્યતા થાઈલેન્ડમાં રામાકિયનની છે. ભારત અને થાઈલેન્ડની જીવનશૈલી પણ સમાન છે. આ સંબંધો હૃદયના છે, આત્માના છે, આસ્થાના છે અને અધ્યાત્મના છે. હજારો વર્ષ પહેલા ભારત અને થાઈલેન્ડના સંબંધો સમુદ્રી રસ્તે જોડાયેલા હતા. મોદીએ કહ્યું કે ભારતમાં ફેરફાર જોવા મળે છે. ૧૩૦ કરોડ ભારતીય ન્યૂ ઈન્ડિયાના કાર્યક્રમમાં લાગેલા છે.
આ દરમિયાન મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું અમે એ લક્ષ્યો પર કામ કરી રહ્યા છીએ, જે પહેલા અસંભવ લાગતા હતા. તમે બધા એ બાબતથી પરિચિત છો કે આતંક અને અલગાવના બીજ વાવનારા એક ખૂબ જ મોટા કારણથી દેશને મુક્ત કરાવવાનો નિર્ણય ભારતે લીધો. જે કામ કરે છે, લોકો તેને કામ આપે છે અને તેની પાસેથી આશા પણ કરે છે.

‘સ્વાસ્દી’ વેલકમ અને ગૂડ બાય માટે વપરાતો થાઈ શબ્દ

થાઇલેન્ડમાં લોકો વેલકમની શુભેચ્છા પાઠવવા અને આવજો (ગૂડ બાય) કહેવા માટે સ્વાસ્દી શબ્દનો ઉપયોગ કરે છે. હાઉડી મોદીનો અર્થ થતો હતો કેમ છો મોદી? સ્વાસ્દી પીએમ મોદીનો અર્થ થાય છે વેલકમ વડા પ્રધાન મોદી. મોદીએ ‘સ્વાસ્દી પીએમ મોદી’ અંગે જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડ ફક્ત ભાષાથી જ નહીં પરંતુ લાગણીઓથી જોડાયેલા છે. તમે મને સવાસ્દી મોદી કહ્યું. આ શબ્દ સંસ્કૃત શબ્દ સવસ્તી સાથે સંકળાયેલો છે જેનો અર્થ થાય છે કલ્યાણ.
મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને થાઇલેન્ડ હજારો વર્ષોથી સમુદ્રી માર્ગે જોડાયેલા છે. આપણા નાવિકો હજારો માઇલની સફર કરીને સમૃદ્ધિ અને સંસ્કૃતિનો સેતૂ બનાવ્યો હતો. ભારતની અયોધ્યાનગરી થાઇલેન્ડની આ-યુથ્યા છે. અયોધ્યામાં અવતાર લેનાર નારાયણનું પવિત્ર વાહન ગરુડમાં થાઇલેન્ડને અપ્રતિમ શ્રદ્ધા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter