રિલાયન્સનું હવે ક્લિન એનર્જી ક્ષેત્રે પગરણ

Wednesday 30th June 2021 06:36 EDT
 
 

મુંબઇ: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે. ગ્રૂપની એન્યુઅલ જનરલ મીટિંગમાં (એજીએમ)માં તેમણે આ જાહેરાત કરી હતી. કંપનીના ભાવિ આયોજનની રૂપરેખા રજૂ કરતા અંબાણીએ જણાવ્યું હતું કે જામનગર ખાતે વિશ્વના સૌથી વિશાળ ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ કરાશે. ઉલ્લેખનીય છે કે અત્યારે સોલર સહિતના ક્લિન એનર્જી બિઝનેસમાં તાતા ગ્રૂપ અને અદાણી ગ્રૂપ મોખરાનું સ્થાન ધરાવે છે, પરંતુ હવે રિલાયન્સે પણ આ ક્ષેત્રે પદાર્પણની જાહેરાત કરતાં આગામી દિવસોમાં ટોચના ગુજરાતી કોર્પોરેટ હાઉસ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળે તો નવાઇ નહીં.
અદાણી કરતાં ત્રણ ગણું મોટું રોકાણ
ગ્રીન એનર્જી અથવા ક્લિન એનર્જી ક્ષેત્રે રિલાયન્સ ગ્રૂપે ૭૫ હજાર કરોડ (આશરે ૧૦ બિલિયન ડોલર કરતા વધુ)ના રોકાણની જાહેરાત કરી છે જે આ ક્ષેત્રે અદાણી ગ્રૂપના રોકાણ કરતાં ત્રણ ગણું વધારે છે. આ ઘોષણા સાથે રિલાયન્સ તાતા ગ્રૂપ સાથે પણ સ્પર્ધામાં ઉતર્યું છે. તાતા પાવર અત્યારે ૧૭૦૫ મેગાવોટ સોલર પાવર જનરેશન કેપેસીટી ક્ષમતા ધરાવે છે. માત્ર અદાણી કે તાતા જ નહીં, પણ રિલાયન્સ હવે ટેસ્લાના સ્થાપક ઇલોન મસ્ક સાથે પણ હરીફાઈમાં ઉતર્યું છે.
રિલાયન્સ બોર્ડમાં સાઉદી અરામ્કોના ચેરમેન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને સાઉદી આરબની તેલ કંપની સાઉદી અરામ્કો વચ્ચે ૧૫ બિલિયન ડોલરમાં થનારો સોદો ફરી ચર્ચામાં છે. ગયા મહિને અહેવાલ હતા કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીએ પોતાના ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોરસાયણ એકમની ૨૦ ટકા ભાગીદારી વેચવા માટે સાઉદી અરામ્કો સાથે રોકડ અને શેર સોદા પર વાતચીત શરૂ કરી છે. આ બિઝનેસમાં જામનગરની તેલ રિફાઇનરી અને પેટ્રો રસાયણ એકમોનો સમાવેશ થાય છે. આ સોદો માર્ચ ૨૦૨૦ સુધીમાં પૂરો થવાનો હતો પરંતુ તેમાં વિલંબ થયો હતો.
રિલાયન્સનું હવે ક્લિન એનર્જી ક્ષેત્રે પગરણ
ગયા મહિને અહેવાલો આવ્યા હતા કે સાઉદી અરામ્કો ભાગીદારી ખરીદવા આરંભે શેર અને પછી તબક્કાવાર રોકડ ચુકવણીની દિશામાં વિચારી રહી છે. અને હવે મુકેશ અંબાણીએ એજીએમમાં જાહેરાત કરી છે કે સાઉદી અરામ્કોના ચેરમેન અને સાઉદી સરકારના પબ્લિક વેલ્થ ફંડના ગવર્નર યાસિર અલ-રુમાયન રિલાયન્સ ગ્રૂપના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે જોડાશે.
ભારત બનશે ૩-જી મુક્ત, ૫-જી યુક્ત
૨૪ જૂને યોજાયેલી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ જિયોના ભાવિ આયોજન અંગે પણ જાણકારી આપી હતી. કંપની દ્વારા મોબાઇલ નેટવર્ક ક્ષેત્રે ફાઇવ-જીનું ટેસ્ટીંગ ચાલી રહ્યાની જાહેરાત કરતા કહ્યું હતું કંપની ભારતને થ્રી-જી મુક્ત કરીને ફાઇવ-જી યુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ગૂગલની સાથે મળીને નવો જિયો ફોન નેક્સ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે આ લો-પ્રાઇઝ ફોન આગામી ૧૦ સપ્ટેમ્બરે - ગણેશ ચતુર્થી પર્વે લોન્ચ થશે. આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ નવો જિયો ૪-જી ફોન ખાસ ભારત માટે બનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સ્માર્ટફોનમાં ટ્રાન્સલેશન ફીચર, વોઇસ આસિસ્ટન્ટ તથા બહેતર કેમેરા જેવી સુવિધા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગૂગલે જિયો પ્લેટફોર્મમાં ૩૩,૭૩૭ કરોડ (૭.૭ ટકા શેર) રોકાણ કર્યું હતું.
આગામી ૩ વર્ષમાં ૮ લાખને નોકરી
આ સાથે રિલાયન્સે પોતાની રિટેલ ચેઇન રિલાયન્સ રિટેલ દ્વારા આગામી ત્રણ વર્ષમાં ૮ લાખ લોકોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. સાથે જ એક કરોડ કરિયાણા વેપારીઓને મર્ચન્ટ પાર્ટનર બનાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter