સંક્ષિપ્ત સમાચાર (દેશવિદેશ)

Wednesday 09th October 2019 08:41 EDT
 

• રાફેલની બે શક્તિશાળી મિસાઈલઃ વિજયા દશમીએ ફ્રાન્સિસી કંપની ડૈસોના પ્રોડક્શન પ્લાન્ટ બોર્દૂમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાફેલની શસ્ત્રપૂજા કરી છે. ત્યાર બાદ તેઓએ રાફેલમાં ઉડાન પણ ભરી છે. દરમિયાન મિસાઇલ કંપની એમબીડીએએ પ્રથમ વાર કહ્યું કે રાફેલમાં બે એવી મિસાઇલો લાગેલી છે, જે પોતપોતાની શ્રેણીની વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલો છે. કંપનીના ઇન્ડિયા ચીફ લુઇક પીડેવાશેએ કહ્યું કે ‘ભારતને રાફેલથી નવી ક્ષમતા મળશે. સ્કેલ્પ અને મિટિઓર મિસાઇલો ભારતીય વાયુદળ માટે ગેમચેન્જર સાબિત થશે.
• ભુસાવળમાં ભાજપના નગરસેવક કુટુંબના પાંચની હત્યાઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે જલગાંવ જિલ્લાના ભુસાવળમાં સાતમીએ રાતે અંધાધૂંધ ગોળીબાર અને ચોપરના ઘા ઝીંકી ભાજપના નગરસેવક, તેમના બે પુત્ર, ભાઈ સહિત પાંચ જણની હત્યા કરાતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ હુમલામાં નગરસેવકની પત્ની, અન્ય એક પુત્ર સહિત ત્રણ જણ જખમી થયા છે. આ મામલામાં ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે.
• કાશ્મીરનાં ગુરેજમાં ૬ વર્ષ પછી ઘૂસણખોરીઃ જમ્મુ-કાશ્મીરમાં શિયાળો અને બરફવર્ષા શરૂ થાય તે પહેલાં આતંકીઓને ઘુસાડવા પાકિસ્તાન સક્રિય બન્યું છે અને નવા નવા રસ્તા સોધવાની ફિરાકમાં છે. ભારતની આર્મીએ કાશ્મીરના ગુરેજ સેકટરની સિંધ ગાટીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો અને બે આંતકીઓને ઠાર કર્યા હતા. ૬ વર્ષ પછી આ સેકટરમાં ઘૂસણખોરીની ઘટના ફરી પ્રકાશમાં આવી છે.
• રવાન્ડામાં ૧૯ આતંકી ઠારઃ પાંચની ધરપકડઃ રવાન્ડાના મુસાનજે જિલ્લામાં પોલીસે ૧૯ આતંકીઓને તાજેતરમાં ઠાર માર્યા હતા. જોકે પાંચની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ આતંકી વોલ્કેનોઝ નેશનલ પાર્ક હુમલામાં સામેલ હતા. આ હુમલામાં ૧૪ લોકો માર્યા ગયા હતા અને ૧૨ ઘવાયા હતા. તેના બાદથી દેશમાં આતંકીઓની દહેશત વધી ગઈ હતી. આ દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા બધા લોકોની દફનવિધિ કરી દેવાઈ હતી.
• કેરળની મહિલાએ સાયનાઈડથી છ પરિજનોની હત્યા કરીઃ પોલીસે ચોથી ઓક્ટોબરે ઉત્તર કેરળના કોઝિકોડ જિલ્લાના કુડાથાઇ ગામની ૪૭ વર્ષની મહિલા જોલી જોસેફે ૧૪ વર્ષના સમયગાળામાં પોતાના પતિ, સાસુ- સસરા અને પરિવારના અન્ય ત્રણ સભ્યોની તેમના ભોજનમાં સાયનાઇડ ભેળવીને હત્યા કર્યા બદલ ધરપકડ કરી હતી. પોલીસે મહિલાને સહયોગ આપનારી બે વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.
• ટીવી નાઈનના પૂર્વ સીઈઓની ધરપકડઃ જાણીતી ટીવી ચેનલ ટીવી૯ના ભૂતપૂર્વ સીઈઓ વી. રવિપ્રકાશની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ચેનલનું સંચાલન કરી રહેલી એસોસિએટેડ બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ (એબીસીએલ)ના રૂ. ૧૮.૩૧ સેરવી લીધા હોવાના આરોપસર તેમની ધરપકડ થઈ છે.
• મહારાષ્ટ્રમાં ભાજપ ૧૫૦ બેઠકો પર ચૂંટણી લડશેઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, શિવસેના અને સાથી પક્ષો વચ્ચે મહાયુતિને અંતિમ રૂપ અપાયું છે અને એની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે કરાયેલી જાહેરાત મુજબ ભાજપ ૧૫૦ અને શિવસેના ૧૨૪ બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે સાથી પક્ષો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે), શિવસંગ્રામ અને રાયત ક્રાંતિ પાર્ટીને ૧૪ બેઠકો ફાળવવામાં આવી છે.
• ભારતની તૂર્કી, મલેશિયાને સલાહઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે તાજતેરમાં મીડિયાને કહ્યું કે કાશ્મીર મુદ્દે તૂર્કી અને મલેશિયાનાં નિવેદનો સત્યથી વેગળાં છે. બંને દેશ પહેલાં કાશ્મીરની સ્થિતિ સમજે, પછી તેના પર નિવેદન આપે. તેઓ એ પણ ધ્યાન રાખે કે તેમના નિવેદનની મૈત્રીપૂર્ણ સંબંધો પર અસર થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અંગે ભારતે જે પણ નિર્ણય લીધો એ તેનો આંતરિક મામલો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter