સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 14th May 2019 15:22 EDT
 

• દીપક અને ચંદા કોચરની આઠ કલાક પૂછપરછઃ વીડિયોકોન બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ૧૩મી મેએ ઇડીએ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી.
• આઈટીસીના ચેરમેન દેવેશ્વરનું અવસાનઃ આઇટીસી ગ્રૂપના ચેરમેન કેન્સરથી પીડિત વાય. સી. દેવેશ્વર (ઉં ૭૨)નું ૧૧મીએ સવારે નિધન થયું હતું. દેવેશ્વર વર્ષ ૧૯૬૮માં આઇટીસીમાં સામેલ થયા પછી ૧૯૯૬માં કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા.
એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધનઃ મુંબઈમાં એક્ટિંગ સ્કૂલના સ્થાપક ૮૭ વર્ષીય રોશન તનેજાનું ૧૧મી મેએ રાત્રે લાંબી માંદગીના લીધે રાત્રે ઊંઘમાં જ નિધન થયું હતું. ૧૧મીએ સાંજે સાંતાક્રૂઝ સ્મશાનભૂમિમાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા.
• આઈએસ સાથે જોડાયેલા ૨૬ શકમંદો પર આઈબીની વોચઃ ભારતીય ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓએ જણાવ્યું છે કે, ઉશ્કેરણી જનક ભાષણો આપતા ૨૫-૨૬ શકમંદો પર એજન્સીએ વોચ ગોઠવી છે. શ્રીલંકામાં આઈએસ પ્રેરિત આતંકી હુમલા પછી તમિલનાડુ અને કેરળમાં આઈબીએ વોચ ગોઠવી છે.
• કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો નારાજઃ કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પાએ રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસની મિશ્ર સરકારને આંચકો આપતું નિવેદન કર્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસનાં ૨૦થી વધુ એમએલએ સરકારથી નારાજ છે અને ગમે ત્યારે કોઈપણ ધારાસભ્ય કોઈપણ નિર્ણય લઈ શકે છે.
• ઇંદિરા જયસિંહ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપઃ સિનિયર એડવોકેટ ઇંદિરા જયસિંહ વિરુદ્ધ કરવામાં આવેલી એક જનહિત અરજીમાં અરજકર્તાએ ઇંદિરા જયસિંહને વિદેશથી મળેલા ભંડોળ બાબતે સીટ દ્વારા તપાસની માગણી કરી છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટે ઇંદિરા જયસિંહ અને આનંદ ગ્રોવર પાસે પણ છ અઠવાડિયામાં જવાબ માગ્યો છે.
• મધર ડેરીમાં રૂ. ૧,૦૦૦ કરોડના કૌભાંડની ફરિયાદઃ મધર ડેરીમાં રૂ. ૧૦૦૦ કરોડનું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ થતાં સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા તપાસના આદેશ અપાયા છે. લખનઉ સ્થિત ધર્મેન્દ્ર પ્રતાપસિંહે આરોપ મૂક્યો છે કે, મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજિટેબલ પ્રાઇવેટ લિમિટેડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. જેના પગલે આર્થિક બાબતોના વિભાગે વાણિજ્ય સચિવને જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
• પાકિસ્તાનના ગ્વાદરની લક્ઝુરિયસ હોટેલ પર હુમલોઃ બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદરની એક ફાઈવ સ્ટાર હોટલમાં ૧૨મીએ ૩ આતંકીઓ ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા. સદનબીસે હુમલો થયો ત્યારે હોટલ ખાલી હતી. સુરક્ષાદળોએ ૩ આતંકીઓને ઠાર માર્યા હતા.
• પાકિસ્તાને ૧૧ આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યોઃ પાકિસ્તાન પર આંતકીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે. જેને પગલે ભીંસમાં આવેલા જમાત ઉદ દાવા અને જૈશે મોહમ્મદ જેવા ૧૧ આંતકી સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
• લાહોરમાં સૂફી દરગાહ પાસે આત્મઘાતી વિસ્ફોટઃ પાકિસ્તાનના લાહોરમાં રમઝાનની ઉજવણી વચ્ચે આઠમીએ એક સૂફી દરગાહની બહાર આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ૧૦ નાગરિકો માર્યા ગયા હતા. સ્થાનિક સમય અનુસાર સવારે ૮-૪૫ કલાકે આ અતિ તીવ્ર બ્લાસ્ટ થયો હતો. આંતકીઓએ આ હુમલાને અંજામ આપવા માટે ૧૫ વર્ષના એક સગીરનો ઉપયોગ કર્યો હતો.
• ઈરાન પરમાણુ કાર્યક્રમ પર અંકુશ રાખશેઃ ઈરાનના રાષ્ટ્રપતિએ આઠમીએ જણાવ્યું હતું કે અમે ૨૦૧૫ની પરમાણુ સંધિનું પાલન કરવા માટે તૈયાર છીએ. થોડા વખત પહેલાં અમેરિકાએ ઈરાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો મૂક્યા હતા. ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું હતું કે અમે યુરેનિયમ અને હેવી વોટર અન્ય દેશોને આપવાની કામગીરી અટકાવવાનું વિચારી રહ્યાં છીએ.
• જગજિત પવાડિયા આઈએનસીટીના બીજી વખત સભ્યઃ ભારતીય જગજિત પવાડિયાને ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કન્ટ્રોલ બોર્ડના સભ્ય તરીકે બીજી વાર પસંદ કરાયા છે. તેમણે તેમના હરીફ ચીનના હાઓ વેઇને હરાવીને રેકોર્ડ બ્રેક વોટથી જીત મેળવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter