સિંગાપોરમાં દોડે છે છત પર ગાર્ડનવાળી બસ

Sunday 09th June 2019 06:07 EDT
 
 

સિંગાપોરઃ મહાનગરમાં એશિયાની પહેલી ગ્રીન રૂફટોપ ધરાવતી બસસેવા શરૂ કરાઈ છે. ગાર્ડન ઓન ધ મૂવ અભિયાન હેઠળ આ યોજના શરૂ થયેલી આ બસોની છત પર ૧.૮ બાય ૧.૫ મીટરની બે ગ્રીન પેનલ મૂકાઈ છે. સામાન્ય રીતે, માટીવાળી આવી ગ્રીન પેનલનું વજન ૨૦૦થી ૩૦૦ કિલો હોય છે, પરંતુ આ બસોમાં ગેયામેટનો ઉપયોગ કરાયો છે. તેમાં માટીના બદલે કાર્બન ફાઈબરનો ઉપયોગ કરાતો હોવાથી પાણી શોષનારા રેસાનું લેયર હોય છે અને તેનું વજન માંડ ૪૦ કિલો છે.
વળી, તેમાં વધુ પાણી પણ આપવું પડતું નથી અને વર્ષમાં ફક્ત બે વાર મેઈન્ટેનન્સની જરૂર પડે છે. એક ગ્રીન રૂફટોપની કિંમત આશરે દસ હજાર રૂપિયા છે. જીડબલ્યુએસ લિવિંગ આર્ટ સિંગાપોર ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને એનપી પાર્ક્સના માર્ગદર્શનમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. હાલ પબ્લિક ટ્રાન્સપોર્ટની દસ બસોમાં આ સુવિધા અપાઈ છે. ત્રણ મહિના સુધી આ યોજનાનું મોનિટરિંગ કરાશે, ત્યાર પછી તેમાં જરૂરી સુધારાવધારા કરીને ૪૦૦ બસ પર ગ્રીન રૂફ લગાવવામાં આવશે.

ફ્યૂઅલ ખર્ચ પણ ઓછો

પ્રોજેક્ટ એડવાઈઝર ડો. ચેન લુઆંગના કહેવા પ્રમાણે, ગ્રીન બસોમાં એર કન્ડિશન નથી ચલાવવું પડતું કેમ કે તેમાં કુદરતી જ વાતાવરણ ઠંડુ રહે છે. આમ ફ્યૂઅલ ખર્ચ પણ બહુ ઓછો થાય છે. એક અંદાજ પ્રમાણે, ગ્રીન રૂફથી દિવસમાં એક બસમાં ૧૫-૨૦ ટકા ફ્યૂલ ખર્ચ ઘટે છે.

તાપમાન માટે હાઈટેક સેન્સર

બસની છત પર અને અંદરના ભાગે હાઈટેક સેન્સર લગાવાયા છે. તેનાથી બહાર અને અંદરના તાપમાનમાં કેટલો ફર્ક છે, તે ખબર પડે છે. ગ્રીન રૂફ છત પર તડકાને રોકે છે એટલે અંદરનું તાપમાન બહારથી આશરે પાંચેક ડિગ્રી ઓછું રહે છે.

પવન સહન કરનારા છોડ

આ ગ્રીન મેટ્સ પર લગાવેલા છોડની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે સૂકા અને તેજ પવનનો વેગ સહન કરી શકે છે. તાપમાન વધુ હોય તો પણ જરાય મૂરઝાતા નથી. તેને પહેલા ગ્રીન પેનલ પર ઉગાડવામાં આવે છે, અને પછી બસ પર લગાવી દેવાય છે.

ઈલેક્ટ્રિક બસ માટે લાભદાયી

ગ્રીન રૂફટોપથી ઈલેક્ટ્રિક બસોમાં પણ બેટરીની જરૂરત ઓછી થઈ જાય છે. સિંગાપોર ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ પ્રમાણે, એસી ચાલુ નહીં કરવાથી બેટરીની ખપત ૨૫ ટકા સુધી ઓછી થઈ જાય છે. મતલબ કે તેને જલદી ચાર્જ નથી કરવી પડતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter