સોશિયલ મીડિયાના ઈતિહાસમાં સૌથી મોટું મર્જરઃ ફેસબુક મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એક

Thursday 31st January 2019 06:20 EST
 
 

ન્યૂ યોર્કઃ ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે તેની માલિકીના ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક મેસેન્જર (ફેસબુક નહીં, ફેસબુક મેસેન્જર) અને ઈન્સ્ટાગ્રામનું એકીકરણ કરવાનું નક્કી કર્યું છે. એ પછી પણ ત્રણેય એપ્લિકેશન સ્વતંત્ર રીતે કામ તો કરશે, પરંતુ તેમના યુઝર્સ એકબીજા સાથે ઈન્ટરકનેક્ટ થઈ શકશે. પરિણામે અત્યારે જે પ્રાઈવસીનો મુદ્દો છે એ વધારે ગંભીર બનશે. મર્જર પછી પણ બધી એપ પોતાની રીતે કામ કરતી રહેશે, પરંતુ તેમના દૈનિક સક્રિય વપરાશકારોની સંખ્યા ૨.૬ અબજ જેટલી થશે. એટલે કે પૃથ્વીની ૩૫ ટકા જેટલી વસતી એક સાથે એક કંપનીની નજર તળે આવશે અથવા તો પૃથ્વીની ૩૫ ટકા વસતીની માહિતી એક કંપનીના હાથમાં પહોંચી જશે. ફેસબુકે બધાની પ્રાઈવસી જળવાશે એવો દાવો કર્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ફેસબુક ડેટા લિક મામલે ભારે વિવાદમાં રહ્યું છે.

અમેરિકી અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે આ અંગે અહેવાલ રજૂ કર્યો હતો. સોશિયલ મીડિયા તરીકે વ્યાપકપણે વપરાતી આ ત્રણેય એપ્લિકેશન ભલે અલગ અલગ છે, પરંતુ તેની માલિકી ફેસબુકની છે. આ ત્રણેયના એકીકરણની કામગીરી ૨૦૧૯ના અંતથી ૨૦૨૦ના આરંભ સુધીમાં પૂરી થશે. આ ત્રણેય પૈકી બે એપ્લિકેશન મેસન્જર અને વોટ્સએપ તો મેસેજીંગ માટે જ વધુ વપરાય છે. ઈન્સ્ટાગ્રામની ઓળખ ફોટોગ્રાફી માટેની એપ તરીકેની છે, પરંતુ મોટા ભાગની સોશિયલ મીડિયા એપમાં એકથી વધુ ફિચર્સ એવા છે જે એકબીજા સાથે સમાનતા ધરાવે છે.

ફેસબુકે ફોટો એપ ઈન્સ્ટાને ૨૦૧૨માં જ્યારે મેસેજિંગ એપ વોટ્સએપને ૨૦૧૪માં ખરીદી લીધી હતી. એ બધી એપ્સના મૂળ માલિકો હવે ફેસબુક છોડી ચૂક્યા છે કેમ કે પ્રાઈવસી મુદ્દે તેમને ફેસબુકના સંચાલકો અને ખાસ તો ઝકરબર્ગ સાથે વિવાદ થયા છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે તો ફેસબુકે આ કામગીરી આરંભી દીધી છે. એ જાણીતી વાત છે કે ફેસબુક પાસે રહેલી યુઝર્સની અંગત માહિતી સંપૂર્ણ સલામત રહેતી નથી. વારંવાર ફેસબુકમાંથી માહિતી લિક થાય છે, ડેટાની ચોરી થાય છે. તેથી લોકો ફેસબુક પરથી અન્ય એપ્સ વાપરતા થયા છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે સોશિયલ મીડિયા એપ્સ પર ફેસબુકનો જ દબદબો છે.

વધુ સમય આપો, વધુ જાહેરખબર મેળવો!

આ ત્રણેય મીડિયા પ્લેટફોર્મને એક કરવા પાછળનો ઝકરબર્ગનો ઈરાદો લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરે એવો છે. કેમ કે જેટલો વધુ સમય યુઝર્સ એપ પર પસાર કરશે એટલી વધુ જાહેરખબર ફેસબુકને મળી શકે. અત્યાર સુધી લોકો ઈન્સ્ટાગ્રામમાંથી ફેસબુક મેસેન્જરમાં મેસેજ કરી શકતા ન હતા, પરંતુ આ મર્જર પછી કરી શકશે. એ રીતે એક જ પ્લેટફોર્મ પર જોવા મળતી જાહેરખબરનો વ્યાપ ત્રણેય પ્લેટફોર્મ પર વધશે અને ફેસબુકને એ જાહેરખબરની તોતિંગ આવક થશે. ૨૦૧૮ના પહેલા ત્રિમાસિક ગાળામાં ફેસબુકની કુલ આવક ૧૧.૯૭ અબજ ડોલર હતી, જેમાંથી ૧૧.૭૯ અબજ ડોલર જાહેરખબરમાંથી મળ્યા હતા. હવે એ આવકમાં વધારો થશે સાથે સાથે ફેસબુકની ત્રણેય એપ એક થઈ જવાથી ફેસબુકનું ટેકનોલોજીકલ કામ થોડું સરળ થઈ જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter