૮.૭ કરોડ યુઝરનો ડેટા લીક કરનાર ફેસબુકને ૫ બિલિયન ડોલરનો દંડ

Tuesday 16th July 2019 09:00 EDT
 
 

વોશિંગ્ટનઃ ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી ગઇ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ એક આદેશમાં ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ પાંચ બિલિયન ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ આંકડો ૩૪૨.૮૦ અબજ અથવા ૩૪૨૮૦ કરોડ જેટલો થાય છે. ફેસબુકને કેમ્બ્રિજ એનાલિટીકા સ્કેન્ડલ મુદ્દે નાના-મોટા દંડ તો જુદા જુદાં દેશોમાં થયા જ છે, પરંતુ અમેરિકામાં દંડ થવાનો આ પહેલો કિસ્સો છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ ટેકનોલોજી કંપનીને થયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો દંડ છે. એફટીસીના પાંચ અધિકારીઓએ ત્રણ વિરુદ્ધ બે મતથી આ દંડની રકમ નક્કી કરી હતી. જોકે આ દંડ અંગે સત્તાવાર જાહેરાત હવે કરાશે.
૨૦૧૮માં કેમ્બ્રિજ એનાલિટિકા નામે ડેટા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે ફેસબુકની માહિતી અસુરક્ષિત હોવાની આખી દુનિયાને જાણ થઇ હતી. ફેસબુકની નબળી સુરક્ષાનો લાભ બ્રિટિશ કોમ્યુનિકેશન ટેકનોલોજી કંપની કેમ્બ્રિજ એનાલિટીકાએ ઉઠાવીને ૮.૭ કરોડ ફેસબૂક યુઝર્સની અંગત માહિતી (નામ, જન્મ તારીખ, ઈ-મેઈલ, ફોન નંબર, સરનામા વગેરે) મેળવી લીધી હતી. ફેસબુકમાં કોઈ વ્યક્તિ ખાતું ખોલાવે ત્યારે તેને આ બધી માહિતી પૂરી પાડવાની હોય છે. સાથે સાથે જ ફેસબુકનો એવો દાવો પણ હોય છે કે આ માહિતી કંપની કોઈને આપતી નથી. મતલબ કે વપરાશકર્તાની તમામ વિગતો ગુપ્ત રહેશે.
અમેરિકી સત્તાધિશોએ ફેસબુકને કરેલા દંડની રકમ સામાન્ય માણસને ભલે તોતિંગ લાગે, પણ નિષ્ણાતો માને છે કે આ તો બહુ મામુલી રકમ છે. છેલ્લા ત્રિમાસિક ગાળાનો ફેસબુકનો નફો ૧૫ બિલિયન ડોલર હતો. એ હિસાબે તેને એક મહિનાના નફા જેટલો જ દંડ થયો છે. જોકે આ દંડથી ફેસબુકની પ્રતિષ્ઠાને બહુ હાનિ પહોંચી છે.

ફેસબુકની કૌભાંડગાથા

ફેસબુકે કેમ્બ્રિજ એનાલિટીકા દ્વારા ૮.૭ કરોડ યુઝર્સનો ડેટા જાહેર થવા દીધો એ મુદ્દે વિવિધ દેશોએ ફેસબુકને દંડ કર્યો છે. આ પહેલાં બ્રિટને પોતાના કાયદા મુજબ મહત્તમ દંડ થઈ શકે એટલો ૫ લાખ પાઉન્ડનો દંડ કર્યો હતો. જ્યારે ઈટાલીએ ૧૦ લાખ યુરો ડોલરનો દંડ કર્યો હતો. 

૨૦૧૧માં ફેસબુકે એવી ખાતરી આપી હતી કે વપરાશકર્તાની કોઈ પણ માહિતી બીજા સાથે શેર કરતાં પહેલા એ વપરાશકર્તાની પરવાનગી લેશે. ફેસબૂકે આ કિસ્સામાં એવુ કર્યું ન હતું. આ બેદરકારીના આધારે દંડ નક્કી કરાયો હતો.

કૌભાંડ કોણે જાહેર કર્યું?

આ કૌભાંડ બહાર લાવવાનું કામ કેમ્બ્રિજ એનાલિટીકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઈલિએ કર્યું હતું. ક્રિસ પાસે આ માહિતી આવી ત્યારે તેણે વ્હિસલબ્લોઅર બની જઈને વિગતો બ્રિટિશ અખબારને આપી હતી. ક્રિસ હવે નિયમિત રીતે ગૂગલ સહિતની કંપનીઓ કઈ રીતે યુઝર્સની માહિતીનો દુરુપયોગ કરે છે તેની વિગતો જાહેર કરતો રહે છે. 

કેમ્બ્રિજ એનાલિટીકાનું કામ રાજકીય પક્ષોના કન્સલ્ટિંગનું અને સોશિયલ મીડિયા મેનેજ કરવાનું હતું. ફેસબુક પાસેથી મળતી માહિતીનો ઉપયોગ તેણે મતદારોને વિવિધ રાજકીય પક્ષ કે ઉમેદવાર તરફ વાળવા માટે કર્યો હતો. યુઝર્સની માહિતી મળ્યા પછી એ કોને પસંદ કરે છે, કઈ રાજકીય વિચારધારા ધરાવે છે, વગેરે જાણકારી કેમ્બ્રિજ એનાલિટીકાએ મેળવીને તેનો ઉપયોગ અમેરિકી પ્રમુખપદની ચૂંટણી (૨૦૧૫), બ્રેક્ઝિટ વોટ (૨૦૧૬) તથા મેક્સિકોની ચૂંટણી (૨૦૧૮)માં કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter