‘બેન્ક નોટ ઓફ ધી યર’ઃ કેનેડાની ૧૦ ડોલરની નોટ

Saturday 11th May 2019 06:03 EDT
 
 

ટોરોન્ટોઃ ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટીએ કેનેડાની ૧૦ ડોલરની નોટને ‘બેન્ક નોટ ઓફ ધી યર ૨૦૧૮’નો એવોર્ડ આપ્યો છે. આ ચલણી નોટની વિશેષતા એ છે કે તે વિશ્વની પ્રથમ વર્ટિકલ (ઊભી) નોટ છે. ઇન્ટરનેશનલ બેન્ક સોસાયટી દર વર્ષે આ સ્પર્ધા યોજે છે, જેમાં આ વખતે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે, રશિયા સહિતના ૧૫ દેશોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં સામેલ કેનેડાની ૧૦ ડોલરની નોટ પોલિમર કોટિંગવાળી છે અને અમેરિકી ૧૦ ડોલરની તુલનાએ મોટી છે. રીંગણી કલરની આ નોટ નવેમ્બરમાં લોન્ચ કરાઇ હતી. અનોખી ડિઝાઇન ધરાવતી આ નોટની એક તરફ  નાગરિક અધિકારો માટે લડનારાં સામાજિક કાર્યકર વોયલા ડેસમન્ડની તસવીર છે તો પાછળના ભાગે કેનેડાના હ્યુમન રાઇટ્સ મ્યુઝિયમની તસવીર છે. એવોર્ડની પસંદગીમાં નોટના કલાત્મક પાસાની સાથેસાથે સિક્યુરિટી ફિચર્સ પણ ધ્યાને લેવાયા છે. સુરક્ષા અને ટેક્નિકના મામલે તેની ક્વોલિટી અન્ય દેશોની નોટો કરતાં ઘણી શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની બનાવટી નોટની ઓળખ સહેલાઇથી કરી શકાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter