અની દેવાણીની હત્યા બાબતે ગેંગસ્ટર દ્વારા ચકચારી કબૂલાત પછી રહસ્ય વધુ ઘેરાયું

Wednesday 24th November 2021 06:30 EST
 
 

લંડનઃ ૧૧ વર્ષ અગાઉ યુકેના ભારતીય સમાજમાં ચકચાર ફેલાવનારી નવવધૂ અની દેવાણીની હત્યા સંદર્ભે નવો ફણગો ફૂટયો છે જેમાં, ગેંગસ્ટર મોન્ડે મ્બોલોમ્બોએ ટેલિવિઝન ડોક્યુમેન્ટરીમાં અની દેવાણીની હત્યા કઈ રીતે કરાવી તેની કબૂલાત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની પત્નીની હત્યા કરાવવા ઈચ્છે તેમ જણાવી ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગોએ હત્યા કરાવવાની કામગીરી સુપરત કરી હતી. ઘાતકી હત્યાના મુખ્ય સૂત્રધારે આ કાવતરાં વિશે તેને કોઈ ગર્વ નહિ હોવાનું પણ જણાવ્યું હતું. હત્યાની તપાસમાં પોલીસને મદદ કરવા બદલ તેને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેપટાઉન નજીક ટાઉનશિપમાં બે બંદૂકધારીઓએ પતિ શ્રીયેન દેવાણી સાથે ટેક્સીમાં પસાર થતી અન્ની દેવાણીની ૧૩ નવેમ્બર ૨૦૧૦ના રોજ ગોળી મારી હત્યા કરી હતી. નવપરિણીત શ્રીયેન અને અની હનીમૂન પર આવ્યાં હતાં. બ્રિટિશ નર્સિંગ હોમના માલિક શ્રીયેન સામે અનીની હત્યાનો કેસ ચલાવાયો હતો અને તેણે માન્સિક અસ્વસ્થતાનો આધાર લઈ યુકેમાંથી સ્વીડન પ્રત્યર્પણ વિરુદ્ધ લડાઈ લડી હતી. શ્રીયેને બચાવ કર્યો હતો કે તે અને તેની પત્ની અપહરણનો શિકાર બન્યાં હતા અને બંદૂકધારીએ તેને કારમાંથી ધક્કો મારતાં તેનો જીવ બચી ગયો હતો. શ્રીયેને પુરુષ વેશ્યાઓ સાથે સંબંધ સ્વીકાર્યો હતો. સાઉથ આફ્રિકન કોર્ટમાં દેવાણીને પત્નીની હત્યાના કાવતરાં સહિત તમામ આરોપોમાંથી ૨૦૧૪માં નિર્દોષ જાહેર કરાયો હતો.

બીજી તરફ, અનીના કાકા અશોક હિંડોચાએ જણાવ્યું હતું કે આટલા વર્ષો પછી પણ ઘણા બધા પ્રશ્નોના જવાબની જરૂર છે. હજુ હત્યા કોણે કરાવી તે મુખ્ય માહિતી જાહેર કરાતી નથી અને ઘણાં છીંડા પૂરવાના બાકી છે. અનીની હત્યા કરનારાઓ પાસેના મોબાઈલમાં વાતચીત અને ટેક્સ્ટ સંદેશાઓ થયાનું કહેવાયું છે પરંતુ, પોલીસે તે કદી મેળવ્યા નથી. મ્બોલોમ્બોએ સંપૂર્ણ વાતો જણાવવી જોઈએ તેવી માગણી અનીના પરિવારજનોએ દોહરાવી છે.

ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગો ૧૮ વર્ષની સજા ભોગવી રહ્યો છે. હત્યારાઓની ગોઠવણ કરવા બદલ તેને ૧૫,૦૦૦ રેન્ડ (૭૦૦ પાઉન્ડ) ચૂકવાયા હોવાનું તેણે જણાવ્યું હતું. અન્ય આરોપી ઝીવામાડોડા ક્વાબેને આજીવન કેદની સજા થઈ છે જ્યારે ગોળી ચલાવનાર ઝલીલ ન્ગેની સજા દરમિયાન જેલમાં જ કેન્સરથી મોતને ભેટ્યો હતો.

લગભગ ૫૦ મિનિટના ચાર ભાગની ‘Anni: The Honeymoon Murder’ ડોક્યુમેન્ટરી સીરીઝ શનિવાર, ૧૩ નવેમ્બરથી ડિસ્કવરી પ્લસ પર ઉપલબ્ધ થઈ છે. આ ચાર એપિસોડના નામ ‘ધ મર્ડર’, ‘ ધ માસ્ટરમાઈન્ડ’, ‘ ધ મોટિવ’ અને ‘ધ ટ્રાયલ’ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter