અર્થતંત્રને બેઠું કરવા £૩૩૦ બિલિયનનું સહાયકારી પેકેજ

Wednesday 25th March 2020 00:56 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસના પ્રકોપથી આર્થિક મુશ્કેલીમાં આવી પડેલા બિઝનેસીસને મદદ કરવા બિલિયન્સ પાઉન્ડ્સના સહાયકારી પગલાંની જાહેરાત કરી છે. કોરોના મહામારીને આગળ વધતી અટકાવવા સામાજિક સંપર્કો પર પ્રતિબંધ લદાવાથી મિલિયનથી વધુ લોકો આગામી  મહિનાઓમાં નોકરીઓ ગુમાવી શકે છે. કેટલાક નિષ્ણાતો અનુસાર આ વર્ષમાં GDPમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો થઈ શકે છે.

નવા ફાઈનાન્સિયલ પેકેજની જોગવાઈઓ હેઠળ મોટી કંપનીઓ પણ ‘બજાર દરથી ઓછાં’ દરે લોન મેળવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડને અરજી કરી શકશે. નાની પેઢીઓ તેઓની બેન્ક્સ પાસેથી સરકારના ટેકા સાથેની લોન મેળવી શકશે. આ બંને કિસ્સામાં સરકાર પહેલા છ મહિના માટે તમામ વ્યાજ ચૂકવણીઓ માટે ભંડોળ પુરું પાડશે. હોસ્પિટાલિટી સેક્ટરની તમામ પેઢીઓને એક વર્ષના બિઝનેસ રેટ્સ હોલીડેથી લાભ મળશે.

વડા પ્રધાન જ્હોન્સને જણાવ્યું હતું કે ‘દેશના અર્થતંત્ર અને આરોગ્ય સિસ્ટમ સામે વાઈરસનો જે વ્યાપક પડકાર છે તેની ઝલક આ ફાઈનાન્સિયલ પેકેજના પ્રમાણથી જોઈ શકાય છે. મિનિસ્ટર્સે કોઈ પણ યુદ્ધકાલીન સરકારની જેમ કામ કરવું પડ્યું છે અને અર્થતંત્રને મદદ કરવા જે કરવું પડશે તે કરવામાં આવશે. આગામી મહિનાઓમાં લાખો બિઝનેસીસ તેમજ કરોડો લોકો અને પરિવારોને આપણે ટેકો આપવો જ પડશે.’

સરકારના £૩૩૦ બિલિયનના પેકેજનું ભંડોળની શું અસર?

કોરોના વાઈરસ ત્રાટક્યો તે અગાઉ યુકેનું રાષ્ટ્રીય દેવું ૨૦૨૪-૨૫ સુધીમાં ૨ ટ્રિલિયન પાઉન્ડને વટાવી જવાનું હતું. જોકે હવે કોરોના કટોકટીથી અર્થતંત્રને ભાંગી પડતું બચાવવા સરકારને સહાયકારી પગલાં લેવાની ફરજ પડી છે. ચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસ લોન્સ માટે ૩૩૦ બિલિયન પાઉન્ડની જંગી રકમ જાહેર કરી છે તે NHS ના વાર્ષિક બજેટ કરતાં લગભગ બમણી અથવા વસ્તીના માથાદીઠ ૫,૦૦૦ પાઉન્ડ જેટલી થશે. જોકે, સરકારે આ માટે કેટલું ભંડોળ ફાળવવું પડશે તે અનિશ્ચિત છે કારણકે બેન્કની લોન્સ સામે સરકાર જામીનદાર હોવાથી પેઢીઓ ચૂકવણીમાં નિષ્ફળ જાય ત્યારે જ સરકારે તે રકમો ભરપાઈ કરવાની થશે.

સુનાકે કહ્યું છે કે ગ્રાન્ટ્સ અને બિઝનેસ દરોમાં રાહત સહિત બિઝનેસીસને મદદના સીધાં પગલાં કુલ ૨૦ બિલિયન પાઉન્ડના રહેશે. આનો કેટલોક હિસ્સો સરકારના બોરોઈંગ કે ઉધાર ખાતે જશે પરંતુ, સરકાર તેને આવકમાં નુકસાન તરીકે ગણી શકે છે. અર્થતંત્ર તીવ્ર મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે સમગ્રતયા, આગામી વર્ષો દરમિયાન, આ પગલાં જંગી ઉધાર નાણા તરીકે જ રહેશે. સ્ટોક માર્કેટ્સ ઉંધા માથે પછડાયાં છે ત્યારે સરકારને ઉધાર આપવાનું વલણ વધ્યું છે. આખરી ઉપાય તરીકે, વધુ નાણા છાપવાનું પગલું આવી શકે છે પરંતુ, તેનાથી ફૂગાવા પર વિનાશક અસરો પડી શકે છે. 

અર્થતંત્રને બેઠું કરવાના આ પગલાંમાં નીચે મુજબનો સમાવેશ કરાયો છેઃ

• સરકારના પીઠબળ સાથે ૩૩૦ બિલિયન પાઉન્ડ એટલે કે GDPના ૧૫ ટકા જેટલી લોન ગેરન્ટી

• ટ્રેઝરી તેની ક્ષમતા અનુસાર આમાં પણ વધારો કરવા તૈયાર છે

• બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા મોટી ફર્મ્સને નવી ધીરાણ સુવિધા

• લઘુ અને મધ્યમ એકમો માટે જાહેર કરાયેલી ૧.૨ મિલિયન પાઉન્ડની બિઝનેસ ઈન્ટરપ્શન લોન સ્કીમને વધારી ૫ મિલિયન પાઉન્ડ કરાશે

• આ ઉપરાંત, રીટેઈલ, આનંદપ્રમોદ અને હોસ્પિટાલિટી સેક્ટર્સની તમામ પેઢીઓ માટે ૧૨ મહિના માટે બિઝનેસ રેટ અમલી નહિ રહે

• ૫૧૦૦૦ પાઉન્ડથી ઓછી રેટેબલ વેલ્યુ ધરાવતા દરેક લઘુ બિઝનેસીસને ૨૫,૦૦૦ પાઉન્ડ સુધી રોકડ ગ્રાન્ટ

• સૌથી નાના ૭૦૦,૦૦૦ બિઝનેસીસ માટે રોકડ ગ્રાન્ટ ૩૦૦૦ પાઉન્ડથી વધારી ૧૦,૦૦૦ પાઉન્ડ

• મકાનમાલિકો માટે ત્રણ મહિનાની મોર્ગેજ હોલીડે

•  નોકરીઓની સુરક્ષા માટે ટ્રેડ યુનિયનો અને બિઝનેસ જૂથો સાથે ચર્ચાની ખાતરી


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter