આધુનિક મત્સ્યગંધા કેલી ફિડો-વ્હાઈટનાં શરીરમાંથી સડેલી માછલીની ગંધ પ્રસરે છે

Wednesday 22nd June 2022 06:59 EDT
 
 

માન્ચેસ્ટરઃ મહાભારતમાં મત્સ્યગંધાની જાણીતી કથા છે જેના શરીરમાંથી માછલીની ગંધ ફેલાતી હતી અને તેની સાથે ભીષ્મ પિતામહના પિતા રાજા શાંતનુએ લગ્ન કર્યા હતા. વર્તમાન યુગમાં પણ માન્ચેસ્ટરની 41 વર્ષીય રેડિયોગ્રાફર કેલી ફિડો-વ્હાઈટનાં શરીરમાંથી સડેલી માછલીની ગંધ પ્રસરે છે. ટ્રાઈમેથિલએમિનુરીઆ (Trimethylaminuria -TMAU) નામની આ શારીરિક કંડિશન એટલી દુર્લભ છે કે અત્યાર સુધી માત્ર 100 કિસ્સા જ નોંધાયા છે.

માન્ચેસ્ટરના ઓલ્ધામની રહેવાસી 41 વર્ષીય રેડિયોગ્રાફર કેલી ફિડો-વ્હાઈટ શરીરમાંથી પ્રસરતી માછલીની ગંધ અથવા તો ‘fish-odour syndrome’ના લક્ષણો સાથે આખી જિંદગી જીવી રહી છે પરંતુ, તેનું નિદાન માત્ર 2015માં જ થઈ શક્યું હતું. કેલી કહે છે કે શરીરમાંથી દુર્ગંધ દૂર કરવા તે દિવસમાં ચાર વખત સ્નાન કરતી હતી પરંતુ, પાછળથી તેને ખ્યાલ આવ્યો કે ગરમ પાણીએ નહાવાથી તો હાલત વધુ ખરાબ થાય છે. ટ્રાઈમેથિલએમિનુરીઆ (TMAU)થી પીડાતા લોકોના શરીરમાંથી સડેલી માછલી, ડુંગળી અને મળ સહિતની ભારે દુર્ગંધ આવતી રહે છે. મેડિકલ રેકોર્ડ્સમાં અત્યાર સુધી આ પ્રકારના 100 કેસ નોંધાયાનું કહેવાય છે. જોકે, કેટલાકના મતે આંકડો 200 જેટલો હોઈ શકે છે.

સીનિયર રેડિયોગ્રાફર કેલી ફિડો-વ્હાઈટને આ સિન્ડ્રોમના લક્ષણોની શરૂઆત તે 6 વર્ષની હતી ત્યારે યુરિનમાં ગંધ આવવા સાથે દેખાવા લાગ્યા હતા. થોડાં વર્ષ પછી તેના શરીરમાંથી ગંધ આવવા લાગી હતી. કેલી 34 વર્ષની થઈ ત્યારે 2015માં તેને આ સિન્ડ્રોમનું નિદાન થયું હતું. કેલીના કહેવા મુજબ લોકો આ સ્થિતિને શાપ કહે છે અને હવે મને ખબર પડે છે. આ સ્થિતિ ગૂંચવાડાભરી અને એકલા પાડી દેનારી છે. તમારા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તો પણ કોઈ તમારી સામે નહિ કહે પરંતુ, પીઠ પાછળ ચર્ચા અવશ્ય કરશે. કેલીએ દિવસમાં બે વખત યુનિફોર્મ બદલવો પડતો હતો તેમજ દુર્ગંધને ઢાંકવા ડિઓડરન્ટ્સના અસંખ્ય કેન્સનો ઉપયોગ કરવો પડતો હતો. લોકો તેના શરીરમાંથી આવતી માછલીની ગંધ વિશે કશું ટીપ્પણી કરશે તેવા ભયથી તે નાઈટ શિફ્ટમાં જ કામ કરે છે. તેણે કોલિન (choline) ડાયેટ અપનાવી ચોક્કસ પ્રકારના ખાદ્યપદાર્થો ખાવાના છોડી દીધા છે. જોકે, કેલીની આ સ્થિતિનો કોઈ ઈલાજ નથી

 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter