ઈસા બંધુઓ અસ્ડા હસ્તગત કરવા મેદાને પડ્યા

Thursday 19th March 2020 04:28 EDT
 
બંધુબેલડીઃ ઝૂબેર અને મોહસીન ઇસા
 

લંડનઃ પેટ્રોલ બ્રધર્સ તરીકે જાણીતા અને યુરોગેરેજીસ (EG)ના ઝૂબેર અને મોહસીન ઈસા છેક ફેબ્રુઆરીથી ફૂડચેઈન અસ્ડામાં હિસ્સો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના તાજા અહેવાલ અનુસાર બ્લેકબર્નસ્થિત આ બિલિયોનેર બંધુઓ ફૂડચેઈન અસ્ડાને હાંસલ કરવા TDR Capital સાથે મળીને સંયુક્ત બોલી લગાવી રહ્યા છે.
કંપનીના પ્રવક્તાએ ‘ગુજરાત સમાચાર’-‘Asian Voice’ને આપેલા નિવેદનમાં ઈસાભાઈઓ મર્જરમાં રસ ધરાવતા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘બંને મોહસીન અને ઝૂબેર ઈસા ભારે વ્યસ્ત છે અને ટેઇકઓવર કરવા માટે આગળ વધી રહ્યા છે.’ ઈસા બંધુઓએ ૨૦૦૧માં બરી ખાતે પ્રથમ સાઈટ ખોલી હતી અને આશરે ૬,૦૦૦ સ્થળોએ તેનો વિસ્તાર કરીને EG Group ના સ્વરૂપે મોટા સામ્રાજ્યમાં ફેરવી હતી. આશરે ૬૦ના દાયકામાં ખાલી ખિસ્સે બ્રિટન આવેલા ઈમિગ્રન્ટ માતાપિતાને ત્યાં આ ભાઈઓનો જન્મ થયો હતો. તેમના ગુજરાતી પિતાએ યુકેમાં આવ્યા પછી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.
આજે EG Group સૌથી વિશાળ પેટ્રોલ સ્ટેશન ઓપરેટર છે જ્યાં ૨૫,૦૦૦થી વધુ લોકો કામ કરે છે અને તેની વાર્ષિક રેવન્યુ આશરે ૧૫ બિલિયન પાઉન્ડ છે. હવે અસ્ડાને હસ્તગત કરવાનું કાર્ય તેમના માટે યશકલગી બની રહેશે.
જોકે, બીડિંગ પ્રક્રિયામાં એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ અને લોન સ્ટાર ફંડ્સ સહિત અનેક સ્પર્ધકો પણ સામેલ છે. અગાઉના અહેવાલો અનુસાર પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ્સ એપાક્સ પાર્ટનર્સ અને બૂટ્સના પૂર્વ માલિક KKR પણ વોલ્માર્ટ સાથે ચર્ચામાં જોડાયા હતા.
વોલમાર્ટે ૨૦૧૮માં ૭.૩ બિલિયન પાઉન્ડમાં અસ્ડાનું વેચાણ કર્યા પછી પણ સેઈન્સબરી સાથે મંત્રણા અસ્ડાની મંત્રણા સફળ નીવડી ન હતી. જોકે, સરકારી વોચડોગ કોમ્પિટિશન માર્કેટ ઓથોરિટીએ આ મર્જર થતાં અટકાવી દીધું હતું. હવે અસ્ડાએ સંપૂર્ણ વેચાણ અથવા સ્ટોક માર્કેટમાં આગળ વધવાની સલાહ મેળવવા રોથ્સચાઈલ્ડની સેવા લીધી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter