એન્ટિજન અથવા સ્વેબ ટેસ્ટ સહિતના પરીક્ષણોથી એન્ટિબોડી ટેસ્ટ કેટલો અલગ?

Monday 30th March 2020 05:32 EDT
 
 

એન્ટિબોડી ટેસ્ટઃ વ્યક્તિની રોગપ્રતિકારક સિસ્ટમ ચોક્કસ રોગ અથવા ઈન્ફેક્શન સામે લડવા સુસજ્જ છે કે નહિ તેનું પરીક્ષણ એન્ટિબોડી ટેસ્ટ દ્વારા કરાય છે, જ્યારે કોઈ વ્યક્તિને વાઈરસનું ઈન્ફેક્શન-ચેપ લાગે તેમની ઈમ્યુન સિસ્ટમે તેનો સામનો કેવી રીતે કરવો તેનું આયોજન કરવું પડે છે અને તે માટે એન્ટિબોડીઝ તરીકે ઓળખાતાં તત્વો પેદા કરે છે.  આ તત્વો કે પદાર્થો ચોક્કસ હોય છે અને એક વાઈરસના એક જૂથ-પ્રકારનો સામનો કરી શકે છે. એન્ટિબોડીઝ એવી રીતે પેદા કરાય છે કે જેથી તેઓ ચોક્કસ વાઈરસની સાથે ચોંટી જાય અને તેનો નાશ કરે.

ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોય ત્યારે તેમનામાં કોવિડ-૧૯ એન્ટિબોડીઝ તૈયાર થશે જેના ઉપયોગથી શરીર ચેપનો સામનો કરશે. શરીર આ પછી, રોગપ્રતિકારક સિસ્ટમમાં આ એન્ટિબોડીઝનો સંગ્રહ કરે છે જેથી તે જ વાઈરસનો ફરી ચેપ લાગે ત્યારે સીધો જ તેની સામે લડવા સજ્જ બને છે જેના પરિણામે તે વ્યક્તિને ચેપના કોઈ લક્ષણો અનુભવાતા નથી.

એન્ટિબોડીઝ માટે પરીક્ષણ કરવા તબીબો કે વિજ્ઞાનીઓ તેના શરીરમાંથી પ્રવાહીનું, સામાન્યતઃ લોહીનું સેમ્પલ મેળવે છે અને વાઈરસના પાર્ટ સાથે તેને મિક્સ કરી બંને વચ્ચે કોઈ રીએક્શન થાય છે કે નહિ તેની ચકાસણી કરે છે. જો કોઈ રીએક્શન જણાય તેનો અર્થ એ છે કે તે વ્યક્તિમાં એન્ટિબોડીઝ છે અને તેનું શરીર ઈન્ફેક્શન સામે કેવી રીતે લડવું તે જાણે છે અને ચેપ સામે તેઓ ઈમ્યુન કે અડીખમ છે. જો રીએક્શન ન જણાય તેનો અર્થ એ થાય કે શરીરમાં હજુ એન્ટિબોડીઝ નથી.

સ્વેબ (PCR) ટેસ્ટઃ એન્ટિબોડી ટેસ્ટ PCR (પોલીમરેઝ ચેઈન રીએક્શન) તરીકે ઓળખાતા સ્વેબ ટેસ્ટથી અલગ પડે છે. સ્વેબ ટેસ્ટ રક્તપ્રવાહમાં હાલ સક્રિય વાઈરસને ઓળખવાનો હેતુ ધરાવે છે. PCR ટેસ્ટ વ્યક્તિની જિનેટિક સામગ્રી –તેમના RNA-ના સેમ્પલથી કામ કરે છે જેને લેબોરેટરીમાં લઈ જવાય છે અને ટેસ્ટ સમયે તેના DNAનો સંપૂર્ણ નકશો તૈયાર કરે છે. આ DNAનું સ્કેનિંગ કરી તેમાં વાઈરસના DNA છે કે કેમ તેનો પુરાવો મેળવાય છે. જો વ્યક્તિ વાઈરસથી ચેપગ્રસ્ત હશે તો તે વ્યક્તિ અને વાઈરસના DNAમાં ભેળસેળ જોવાં મળશે.

PCR ટેસ્ટ વધુ વિશ્વસનીય છે પરંતુ, તે લાંબો સમય લે છે. બીજી તરફ, એન્ટિબોડી ટેસ્ટ ઝડપી છે પરંતુ, તેનું પરિણામ અવિશ્વસનીય હોવાની શક્યતા રહે છે. તે ભૂતકાળના ઈન્ફેક્શનની સાબિતીઓની શોધ કરતો નથી.

એન્ટિજન ટેસ્ટઃ એન્ટિજન વાઈરસના એ હિસ્સા છે જે ઈન્ફેક્શનની સામે લડવા રોગપ્રતિરોધક સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને એન્ટિબોડીઝ તૈયાર થાય તે અગાઉ જ લોહીમાં જોવા મળી શકે છે. એન્ટિજન પરીક્ષણોનો ચાવીરૂપ ફાયદો એ છે કે ઈમ્યુન સિસ્ટમને ટેસ્ટમાં પકડી શકાય તેવા પૂરતા એન્ટિબોડીઝ વિકસાવવામાં થોડા દિવસો લાગી જાય છે જ્યારે, એન્ટિજન ચેપ લાગ્યા પછી લગભગ તત્કાળ જોવા મળે છે. ફ્લુ, મેલેરિયા, સ્ટ્રીપ A અને HIV ધરાવતા પેશન્ટ્સના નિદાન માટે એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter