લંડન
સરકાર દ્વારા કરાયેલી પાર્કર સમીક્ષાના તારણો અનુસાર હવે યુકેની સૌથી મોટી 100 લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં વંશીય લઘુમતી સમુદાયના ઓછામાં ઓછા એક સભ્યને સ્થાન અપાયું છે. બ્રિટનની કંપનીઓના બોર્ડરૂમમાં વૈવિધ્યતા લાવવા માટે આ વ્યવસ્થા કરાઇ છે. એફટીએસઇ 100 કંપનીઓનો એક સરવે દર્શાવે છે કે 96 ટકા કંપનીઓના બોર્ડમાં ઓછામાં ઓછો એક ડાયરેકટર વંશીય લઘુમતી સમુદાયનો છે. 96માંથી 49 કંપનીના બોર્ડમાં એક કરતાં વધુ વંશીય લઘુમતી સમુદાયના ડાયરેકટર કાર્યરત છે. એકવર્ષ પહેલાં ફક્ત 89 કંપનીઓ આ ટાર્ગેટ પૂરો કરી શકી હતી. જોકે હજુ યુકેની કંપનીઓના બોર્ડમાં શ્વેત ડાયરેક્ટરોનું પ્રભુત્વ યથાવત છે. ફ્રેઝર્સ ડિપાર્ટમેન્ટ સ્ટોર્સની માલિકી ધરાવતી કંપની ફ્રેઝર્સ ગ્રુપના બોર્ડમાં 2022ના અંત સુધી એકપણ વંશીય લઘુમતી સમુદાયનો ડાયરેક્ટર હતો નહીં. તમામ શ્વેત ડાયરેક્ટર ધરાવતી કંપનીઓમાં એફ એન્ડ સી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, યુનાઇટ ગ્રુપ, હોમસર્વનો પણ સમાવેશ થાય છે.
જોકે પાર્કર રિવ્યૂ ટાર્ગેટ કોઇ કંપનીને બંધનકર્તા નથી તેમ છતાં આ કંપનીઓ તે અંગે ખુલાસો કરે તેવી સંભાવના છે. કોર્પોરેટ બ્રિટનમાં વૈવિધ્યતા લાવવા માટે 2017માં આ રિવ્યૂનો પ્રારંભ કરાયો હતો. આ માટે એફટીએસઇ 100 કંપનીઓને લક્ષ્યાંક હાંસલ કરવા માટે ચાર વર્ષનો સમય અપાયો હતો. એફટીએસઇ 250ની કંપનીઓને 2024 સુધીમાં બોર્ડમાં ઓછામાં ઓછો એક વંશીય લઘુમતી સમુદાયનો ડાયરેક્ટર નિયુક્ત કરવાનો લક્ષ્યાંક અપાયો છે.
આ રિવ્યૂનો પ્રારંભ કરનાર સર જ્હોન પાર્કરે જણાવ્યું હતું કે, વંશીય લઘુમતી સમુદાયના ડાયરેક્ટરોની ઓછી સંખ્યા મોટી કંપનીઓ માટે વેક અપ કોલ સમાન છે. એફટીએસઇ 250ની 67 ટકા કંપનીઓ ઓછામાં ઓછો એક વંશીય લઘુમતી સમુદાયનો ડાયરેક્ટર નિયુક્ત કરવામાં સફળ રહી છે.