એર ઇન્ડિયાની મુંબઇ-લંડન ફલાઇટ વિયેના ડાયવર્ટ

૩૦૦ પ્રવાસીઓએ ૩૩ કલાક હાલાકી વેઠવી પડીઃ ઓસ્ટ્રીઆના વિયેના ખાતે ઇમરજન્સી લેન્ડીંગઃ

- કોકિલા પટેલ Wednesday 15th May 2019 02:48 EDT
 
 

એર ઇન્ડિયાની ફલાઇટ AI 131એ ૩૦૦ પસેન્જર સાથે મંગળવારે (૭ મે) સવારે ૬.૩૦ કલાકે મુંબઇથી ટેકઓફ કરી લંડન તરફ ઉડ્ડયન કર્યું એ દરમિયાન ફલાઇટમાં ઓઇલ લીકેજ અથવા કોઇ ટેકનિકલ કારણોસર ફલાઇટને ઓસ્ટ્રીઆના વિયેના ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. વિયેનામાં ૩૦૦ પેસેન્જરે ૩૩ કલાક જે હાલાકી વેઠવી પડી એની કેટલીક વિગતો પ્રવાસીઓએ ભારતીય અખબારોમાં રજૂ કરી છે. મુંબઇથી લંડન આવી રહેલી આ ફલાઇટમાં જાણીતા અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી સામાજિક કાર્યકર મનુભાઇ રામજીનાં ધર્મપત્ની કાન્તાબેન પણ પ્રવાસ કરી રહ્યાં હતાં. એર ઇન્ડિયાના ચેરમેન- મેનેજીંગ ડાયરેકટર અશ્વિન લોહાનીએ બુધવારે ભારતીય સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, ટેકનિકલ ઇસ્યુને કારણે એરઇન્ડિયાની ફલાઇટને ઇર્મજન્સી લેન્ડીંગ કરવું પડ્યું છે અને સ્ટાફ સૌ પ્રવાસીઓની કાળજી લઇ રહ્યા છે અને હોટેલમાં ખસેડાયા છે.”

કાન્તાબહેને "ગુજરાત સમાચાર"ને જણાવ્યા મુજબ, “અમારી ફલાઇટ યુરોપ પરથી પસાર થઇ રહી હતી એ વખતે પાયલોટે એનાઉન્સ કર્યું કે વિમાનમાં ઓઇલ લીકેજ થતાં ટેકનિકલ પ્રોબલેમ જણાતો હોવાથી ફલાઇટને વિયેના ઉતારવામાં આવી રહ્યું છે. વિયેના એરપોર્ટ પર બપોરે ૨.૦૦ વાગ્યે અમારી ફલાઇટ લેન્ડ થઇ. અમે સૌ પ્રવાસીઓ ક્રૂઝ એનાઉન્સ કરી આગળની શું માહિતી આપે છે એની પ્રતીક્ષા કરતા હતા. ત્યાં ત્રણથી સાડા ત્રણ કલાક સૌ પ્રવાસીઓ પ્લેનમાં જ બેઠા રહ્યા. નાના બાળકો કંટાળીને રડારોળ કરતા હતા. અશક્ત-વૃધ્ધો પણ બૂમાબૂમ કરતા હતા તેમછતાં ક્રૂઝના સભ્યોએ આવી પરિસ્થિતિમાં અમને કોઇ સોફટ ડ્રીંક્સ કે પાણી આપવાનો વિવેક પણ કર્યો નથી.”

કાન્તાબહેને જણાવ્યું કે, “ એરપોર્ટ પર અમે લગેજની રાહ જોઇને બેઠા હતા એ વખતે એરઇન્ડિયાના પાયલોટ અને એરક્રૂઝ અમને મળ્યા અમે એમને માહિતી માટે પૂછપરછ કરી તો કહ્યું, ડોન્ટ વરી, અમે તમારી સાથે જ છીએ પણ ત્યાં તો થોડી જ મિનિટોમાં પાયલોટ અને તમામ ક્રૂઝ મેમ્બર પેસેન્જરોને મૂકીને કયાંક જતા રહ્યા. વિયેનામાં એરઇન્ડિયાનું કાઉન્ટર પણ નથી એટલે લગેજ કયાંથી લેવું કે કયાં જવું એ કોઇને સમજાતું ના હતું. અમે ત્રણેક કલાક ઉભા તપ્યા ત્યારે એક બેગ આવી એ પછી સાડા ચાર કલાકે સાતેક બેગ મેળવી. અમે એરપોર્ટ પર સાત કલાક બેઠા રહ્યા એ દરમિયાન અટવાયેલા પ્રવાસીઓ વચ્ચે ભાઇચારો વધતો ગયો. લગેજ મૂકવા ફ્રી ટ્રોલી મળે નહિ, વિયેનામાં ત્યાંની કરન્સી નાખી ટ્રોલી લેવી પડે. અમે બે સૂટકેસ, હેન્ડ લગેજ અને પર્સ બધુ જ માંડ ઉંચકી એરપોર્ટ પર ઇન્ફોર્મેશન માટે અહીંતહીં ફરતા રહ્યા પણ કોઇ સાચું માર્ગદર્શન જ ના મળે. એ પછી ગુસ્સે ભરાયેલા કેટલાક પ્રવાસીઓએ એકત્ર થઇ વિયેના સ્થિત ભારતીય એમ્બેસેડરનો સંપર્ક કર્યો. એ પછી અમે રાત્રે ૧૦.૩૦ વાગ્યે હોટેલ પર પહોંચ્યા. ઇન્ડિયન પાસપોર્ટ ધરાવતા પેસેન્જરોને બંદૂકધારી પોલીસો એસ્કોર્ટ કરીને નજીકની હોટેલમાં લઇ ગયા. સૌને વહેલી સવારે ૭.૦૦ વાગ્યે એરપોર્ટ પર હાજર થવાનું કહેવામાં આવ્યું. અમે સૌ વહેલા ઊઠી તૈયાર થઇ ગયા પણ કોઇ સાત વાગે આવ્યું નહિ ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે હવે સવારે ૧૦ વાગે એરપોર્ટ પહોંચવાનું છે. હોટેલ પરથી ૧૦.૩૦ વાગે અમે ટેક્સી કરી એરપોર્ટે પહોંચ્યા ત્યાં પણ આખો દિવસ અમે એરપોર્ટ પર બેસી રહ્યા અને બુધવારે (૮ મે) રાત્રે ૧૧.૦૦ વાગ્યે વિયેનાથી ફલાઇટ ઉપડી હતી.”

 કેટલાક મૂળ ભારતીય પ્રવાસીઓ જેમાં ૧૮ સાયન્ટીસ્ટ હતા જેઓ બુધવારથી વોરિક યુનિવર્સિટીમાં ત્રણ દિવસની વર્કશોપમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. “હિન્દુસ્તાન ટાઇમ્સ"નો સંપર્ક કરી પ્રવાસીઓએ એમની વિતક રજૂ કરતાં જણાવ્યું હતું કે, “ફલાઇટ લેન્ડ થયા પછી કલાકો એમને અંદર બેસી રહેવું પડ્યું હતું. પૂણે ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટ્રોપીકલ મિટીયોરોલોજીના સાયન્ટીસ્ટ પ્રિયા જોષીના જણાવ્યા મુજબ અમે ખૂબ 'અનહાઇજીન કન્ડીશન'માં હતા અને અમારું લગેજ પણ મેળવી શક્યા નહતા. પૂણે યુનિ.ના સિનિયર સાયન્ટીસ્ટ ડો. એ. કે. સહાઇએ જણાવ્યું કે, “અમને એનાઉન્સ કરીને પ્લેનમાં ઓઇલ લીકેજ થયું હોવાને કારણે વિયેનામાં ઇમરજન્સી લેન્ડીંગનું કહેવામાં આવ્યું પણ પછી લેન્ડીગ થયા બાદ સાડા ત્રણ કલાક પ્લેનમાં જ બેસાડી રાખ્યા. ત્યારબાદ એરપોર્ટ પર સાત કલાક હાલાકી વેઠવી પડી હતી. અમે ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ હોટેલમાં ખસેડ્યા હતા.”

એર ઇન્ડિયાના ચેરમેન- મેનેજીંગ ડાયરેકટર અશ્વિન લોહાનીએ બુધવારે ભારતીય સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, ટેકનિકલ ઇસ્યુને કારણે એરઇન્ડિયાની ફલાઇટને ઇર્મજન્સી લેન્ડીંગ કરવું પડ્યું છે અને સ્ટાફ સૌ પ્રવાસીઓની કાળજી લઇ રહ્યા છે અને હોટેલમાં ખસેડાયા છે.”

“ગુજરાત સમાચાર" તથા Asian Voiceના પ્રતિનિધિએ એરઇન્ડિયા-યુ.કે. ઓફિસનો સંપર્ક સાધી માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ યુ.કે. ઓફિસે વિયેના ખાતેના એરઇન્ડિયા પ્રવક્તાનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. વિયેનાસ્થિત એરઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, “પ્રવાસીઓને ફલાઇટમાં એનાઉન્સ કરી માહિતગાર કરાયા હતા. પ્રવાસીઓએ સમાચાર માધ્યમોને ખોટી માહિતી આપી છે. પ્લેનમાં ઓઇલ લીકેજ થતું હોવાથી ઓસ્ટ્રીયન એરવેઝ પાસે અમે સ્પેરપાર્ટ માગ્યો હતો પરંતુ તેઓ પાસે માત્ર એક જ સ્પેર હોવાથી અમને મળી શક્યો નહિ જેથી અમારે દિલ્હીથી સ્પેરપાર્ટ મંગાવવો પડ્યો. અણધારી આવી પડેલી આ સમસ્યા માટે લાંબો સમય પ્રવાસીઓને પ્રતિક્ષા કરવી પડી. તેમ છતાં અમે શક્ય તેટલી સગવડ પૂરી પાડવા પ્રયત્નશીલ રહ્યા. ભારતીય પાસપોર્ટધારક પ્રવાસીઓને ઇમિગ્રેશન થ્રુ બહાર જવાની પરવાનગી ના મળે તેમ છતાં અમે ભારતીય પ્રવાસીઓને એરપોર્ટ નજીક હોટેલમાં ટેમ્પરરી પ્રોવિઝન કરી આપ્યું હતું.”


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter