ઐતિહાસિક જેલમાં હવે ફાઇવ સ્ટાર હોટેલ

Saturday 30th March 2019 06:44 EDT
 
 

લંડનઃ જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર યુસુફ અલી કાદેરે સ્કોટલેન્ડમાં આવેલા લંડન પોલીસ યાર્ડના રંગરૂપ બદલી નાંખીને તેને ભવ્ય ફાઇવ સ્ટાર હોટેલમાં બદલી નાંખ્યું છે. કેરળના વતની યુસુફ અલી અબુ ધાબી-સ્થિત લુલુ ગ્રૂપના વડા છે.
યુસુફ અલીએ ‘ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ’ નામતી જાણીતી સાત માળની આ ઇમારતને ૨૦૧૫માં પ્રોપર્ટી ડેવલપર ગેલિયાર્ડ હોમ્સ પાસેથી આશરે ૧૧૦ મિલિયન પાઉન્ડમાં ખરીદી હતી. ફાઇવ સ્ટાર હોટેલ બનાવવા માટે તેના રિનોવેશન પાછળ ૭૫ મિલિયન પાઉન્ડ (આશરે ૬૮૫ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે. હોટલમાં ૧૫૦ બેડરૂમ અને ૧૧ સ્યુટ છે. અહીં એક રાત રોકાણનું ભાડું આશરે ૧૦ હજાર પાઉન્ડ હશે. આ ઐતિહાસિક ઇમારતે ડિસેમ્બર ૨૦૧૩માં ગેલિયાર્ડ હોમ્સે લીઝ પર લીધી હતી. સંરક્ષણ મંત્રાલયે જરૂરી ફંડ મેળવવાના આશયથી આ લીઝ કરાર કર્યો હતો. આ ઇમારતનું નિર્માણ ૧૮૨૯માં થયું છે.

અહીં ગુનેગારોને રખાતા હતા

અહેવાલ મુજબ, એક સમયે જ્યાં ગુનેગારોને કેદ કરવામાં આવતાં હતા તે કમરા પણ ભાડેથી મળી શકશે. આ હોટલ બાર, ટી પાર્લર, બોલરૂમ અને રેસ્ટોરાં સહિતની અનેકવિધ આધુનિક સુવિધાથી સુસજ્જ છે. અહીં જૂના જમાના ઐતિહાસિક વારસો જાળવવા પ્રયાસ થયો છે. અહીં એક વિભાગ એવો પણ છે જે હોટેલમાં રોકાણ કરનાર મહેમાનોને લંડનના ચર્ચિત ગુનેગારોની યાદ અપાવશે. તો મહેમાનોને કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓ પણ બતાવવામાં આવશે.
લુલુ ગ્રૂપનો આ મહત્ત્વાકાંક્ષી હોટેલ પ્રોજેક્ટ દર્શાવે છે કે ભારતીયો કેટલા જંગી પ્રમાણમાં યુકેના રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મૂડીરોકાણ કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter