લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કાર ચોરીના 78.5 ટકા કેસ ઉકેલી શકાતાં જ નથી. લિબરલ ડેમોક્રેટ્સના એક રિસર્ચ પ્રમાણે ફેબ્રુઆરીથી જૂન 2024 વચ્ચે કાર ચોરીના અંદાજિત 25,000 કેસ નોંધાયાં હતાં. સાઉથ યોર્કશાયરમાં કાર ચોરીના 85 ટકા કેસમાં કોઇ ઝડપાયું નથી. એસેક્સ, વિલ્ટશાયર, સસેક્સ અને હટફોર્ડશાયરમાં 80 ટકા કેસ વણઉકલ્યાં રહ્યાં છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 900 એટલે કે ફક્ત 2.8 ટકા કેસમાં જ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
લિબ ડેમ હોમ અફેર્સના પ્રવક્તા લિસા સ્માર્ટે જણાવ્યું હતું કે, કાર ચોરીનો ભોગ બનનારા પીડિતોને ન્યાય મળવો જોઇએ. મોટી સંખ્યામાં કાર ચોરીના કેસનો નિકાલ જ આવતો નથી જેના કારણે કાર ચોરો બેફામ બની રહ્યાં છે. કાર માલિકો પોતાને સુરક્ષિત અને પોલીસ દ્વારા સંરક્ષિત હોવાની અનુભૂતિના હકદાર છે.
લંડનમાંથી ચોરાતી 90 ટકા કારના કેસ મેટ પોલીસ ઉકેલી શક્તી નથી. હોમ ઓફિસના નવા આંકડા અનુસાર ફેબ્રુઆરીથી જૂન 2024 વચ્ચે લંડનમાંથી ચોરાયેલી 90.2 ટકા કારના કેસ હજુ ઉકેલી શકાયાં નથી. આ સમયગાળામાં મેટ પોલીસ દ્વારા કાર ચોરીના 8861 કેસની તપાસ કરાઇહતી પરંતુ તેનું કોઇ પરિણામ આવ્યું નથી. ફક્ત 80 કેસમાં જ પોલીસ દ્વારા આરોપ ઘડાયાં છે અથવા તો સમન્સ પાઠવવામાં આવ્યાં છે. 7996 કેસમાં કારની ચોરી કરનાર શંકાસ્પદની ઓળખ પણ થઇ શકી નથી.