કિંગ ચાર્લ્સ III ને લોકસમર્થનમાં ભારે વધારો

ક્વીનનાં નિધન પછી પણ રાજાશાહીને 62 ટકાનું સમર્થન, 21 ટકાનો વિરોધ

Wednesday 21st September 2022 06:42 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પછી રાજગાદી સંભાળનારા કિંગ ચાર્લ્સ III માટે માતાના નિધને વ્યાપક લોકસમર્થન મેળવી આપ્યું છે. મોટા ભાગના બ્રિટિશરોએ તેમની નેતાગીરીની પ્રશંસા કરવા સાથે તેઓ સારા રાજવી બનશે તેવી માન્યતા વ્યક્ત કરી છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન પછી લોકોના અભિપ્રાયો વિશે પહેલા મતદાનમાં 10માંથી લગભગ 9 વ્યક્તિએ ક્વીનના શાસનને દેશ માટે સારું ગણાવી પ્રસંશા કરી હતી અને 87 ટકાએ તેમની ગણના બ્રિટનના સૌથી મહાન રાજવીઓમાં થશે તેવો મત દર્શાવ્યો હતો. YouGov દ્વારા 10 અને 11 સપ્ટેમ્બરે 1727 પુખ્ત લોકોનો મત મેળવાયો હતો.

YouGovપોલમાં જણાયું છે કે માતાના નિધન પછી કિંગની નેતાગીરી વિશે પ્રાથમિક પ્રત્યાઘાતો ભારે વિધેયાત્મક રહ્યા છે અને તેમની પત્નીની ક્વીન કોન્સોર્ટ તરીકેની ભૂમિકા વિશે પણ લોકોને વિશ્વાસ છે. પોલ મુજબ 73 ટકાએ કહ્યું છે કે કિંગે સારો પ્રતિભાવ આપ્યો છે અને માત્ર 5 ટકા એમ માને છે કે ગત થોડા દિવસોમાં તેમની કામગીરી સારી ન હતી. કુલ 94 ટકા લોકોએ કિંગ તરીકે રાષ્ટ્રને પ્રથમ સંબોધનને સારી સ્પીચ ગણાવી હતી જ્યારે 3 ટકાએ તેની ટીકા કરી છે.

મે 2022માં કરાયેલા એક પોલમાં પ્રિન્સ ચાર્લ્સનું લોકપ્રિયતા રેટિંગ 54 ટકા હતું જ્યારે દિવંગત ક્વીનું રેટિંગ ત્યારે 81 ટકા હતું. માતાના જીવનકાળમાં ચાર્લ્સ દિવંગત ક્વીન કરતાં ઓછાં લોકપ્રિય રહ્યા હશે પરંતુ, હવે સ્થિતિ બદલાતી હોવાનું જણાય છે. કુલ 63 ટકાનું કહેવું છે કે ચાર્લ્સ સારા રાજા બનશે જ્યારે માત્ર 15 ટકા માને છે કે તેમની કામગીરી સારી નહિ રહે. બીજી તરફ, માર્ચ મહિનાના YouGovપોલમાં 39 ટકાએ ચાર્લ્સ સારા રાજા બનશે અને 31 ટકાએ તેઓ સારા રાજા નહિ બને તેવી આગાહી કરી હતી. એક સંસ્થા તરીકે રાજાશાહી પ્રત્યેના સમર્થનમાં ખાસ ઘટાડો થયો નથી, 62 ટકાએ તરફેણ અને 21 ટકાએ વિરોધ કરેલો છે.

કિંગના બીજાં પત્ની તરફ પબ્લિક કેવો પ્રતિભાવ આપશે તેવી અચોક્કસતાના વર્ષો પછી કેમિલા પોતાની ભૂમિકા સારી રીતે નિભાવશે તે બાબતે મતદારો આશાવાદી છે. કુલ આશરે 53 ટકાએ ક્વીન કેમિલા સારી કામગીરી કરશે તેમ જણાવ્યું છે તેની સામે 18 ટકાએ અવિશ્વાસ દર્શાવ્યો છે. યુવાવર્ગના 24 ટકા સામે વૃદ્ધ પેઢીના 72 ટકાએ કેમિલાની સારી કામગીરી રહેવાની આશા દર્શાવી છે. આ જ રીતે, યુવાવર્ગના 46 ટકા સામે વૃદ્ધ પેઢીના 78 ટકાએ નવા કિંગ ચાર્લ્સની કામગીરી સારી રહેવાની આશા દર્શાવી છે. કિંગ ચાર્લ્સે જીવનપર્યંત રાજ્ય કરવું જોઈએ કે કેમ તે વિશે મતદારો અચોક્કસ રહ્યા છે. 46 ટકાએ તરફેણ કરી છે ત્યારે 35 ટકાએ કહ્યું છે કે તેમણે એક તબક્કે પોતાના પુત્રને રાજગાદી સોંપી દેવી જોઈએ.

ચાર્લ્સ સારા રાજા બની શકશે

વર્ષ                                      સારા રાજા બનશે    અનિર્ણાયક      નહિ બને

જુલાઈ 2019                            34                  36               30

જાન્યુઆરી 2020                       39                  34               27

જૂન 2020                               37                  33               30

ડિસેમ્બર 2020                         32                  35               33

મે 2021                                  31                 34                35

નવેમ્બર 2021                          34                  33                33

માર્ચ 2022                              39                  30                 31

મે 2022                                 32                   36                32

સપ્ટેમ્બર 2022                        63                    22               15


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter