કોમ્પ્યુટર પ્રણેતા એલન ટ્યુરિંગનું ચિત્ર £૫૦ની નોટ પર મૂકાશે

Wednesday 17th July 2019 03:59 EDT
 
 

લંડનઃ બેંક ઓફ ઈંગ્લેન્ડની ૫૦ પાઉન્ડની નવી ચલણી નોટ પર કોમ્પ્યુટરના પ્રણેતા અને કોડબ્રેકર એલન ટ્યુરિંગનો ફોટો મૂકાશે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં તેમણે કોડ ઉકેલવાનું જે કાર્ય કર્યું હતું તે સાથી દેશોને ખૂબ મદદરૂપ પૂરવાર થયું હતું તે બદલ તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

૫૦ પાઉન્ડની નોટ પર કોનું ચિત્ર મૂકાવું જોઈએ તે વિશે બેન્કે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. છ સપ્તાહમાં જ ૯૮૯ વિજ્ઞાનીના નામ સાથે ૨૨૭,૨૯૯ સૂચનો મળ્યાં હતાં. શોર્ટલિસ્ટ કરાયેલી યાદીમાં એલન ટ્યુરિંગ, મેરી એનિંગ, વિલિયમ હર્ષેલ અને કેરોલીન હર્ષેલ, સ્ટીફન હોકિંગ, શ્રીનિવાસ રામાનુજન, અર્નેસ્ટ રુધરફોર્ડ, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ અને ડોરોથી હોજકિન સહિતનો સમાવેશ થયો હતો.

બેંકના ગવર્નર માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે એલન ટ્યુરિંગ પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રી હતા અને તેમણે જે કાર્ય કર્યું તેની આપણા હાલના જીવન પર વ્યાપક અસર છે. કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જનક તરીકે તેમજ ‘વોર હીરો’ તરીકે એલન ટ્યુરિંગનું યોગદાન નવો ચીલો ચાતરનારું રહ્યું હતું. તેઓ શેરબોર્ન, ડોરસેટમાં ભણ્યા હતા. શરૂઆતના કમ્પ્યુટર વિક્સાવવામાં પહેલા નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને પછી યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ખાતે તેમણે ભજવેલી મહત્ત્વની ભૂમિકાની ઓછાં લોકોને ખબર છે. ૧૯૫૨માં અશિષ્ટ વર્તન બદલ તેઓ દોષી ઠર્યા હતા તેમાં તેમને ૨૦૧૩માં મરણોત્તર શાહી માફી અપાઈ હતી. માન્ચેસ્ટરના ૧૯ વર્ષીય પુરુષ સાથેના આડા સંબંધને લીધે તેમની ધરપકડ કરાઈ હતી.

બેંક ૨૦૨૧ના અંતથી કાગળની નોટોને સ્થાને પોલીમર નોટો તરફ વળી રહી છે, ત્યારે ૫૦ પાઉન્ડની આ નોટ કાગળની છેલ્લી નોટ હશે. ૫૦ પાઉન્ડની નોટોનો દૈનિક વ્યવહારોમાં ઓછો ઉપયોગ થતો હતો. જોકે, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ મુજબ હજુ પણ ૫૦ પાઉન્ડના દરની ૧૭.૨ બિલિયન પાઉન્ડના મૂલ્યની ૩૪૪ મિલિયન નોટો બજારમાં ફરે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter