લંડન
કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે દાનના પ્રવાહમાં મોટા ઘટાડા અને માગમાં અસાધારણ વધારાના કારણે યુકેમાં 50 ટકા કરતાં વધુ ચેરિટી સંસ્થાઓ આર્થિક રીતે પડી ભાંગવાના આરે પહોંચી ગઇ છે. ફંડ ઊભું કરવામાં મુશ્કેલી પડે તેવો સમય ક્યારેય આવ્યો નથી અને હવે તો ચેરિટી સંસ્થાઓએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનામતો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ આવી પડી છે. દેશમાં કાર્યરત 1300 જેટલી ચેરિટી સંસ્થાઓના એક સરવેમાં તારણ આપવામાં આવ્યું છે કે ફક્ત 31 ટકા સંસ્થાઓ પાસે જ પુરતા પ્રમાણમાં ભંડોળ છે જ્યારે 50 ટકા સંસ્થાઓ તેમના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે અનામત ભંડોળનો ઉપયોગ કરી રહી છે.
સરવેમાં 53 ટકા ચેરિટીએ તેમના આર્થિક અસ્તિત્વ પર ચિંતા વ્યક્ત કરી હતી. 60 ટકા ચેરિટીએ જણાવ્યું હતું કે, દાનના પ્રવાહમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જ્યારે 75 ટકાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્થિતિ વધુ બદતર બની શકે છે. અર્થતંત્રમાં સુધારાના સંકેત છતાં ચેરિટી સંસ્થાઓ હજુ આર્થિક મુશ્કેલીની ફરિયાદ કરી રહી છે. એપ્રિલ મહિનાથી વીજળીના બિલમાં સરકાર દ્વારા રાહતમાં કાપ મૂકાશે ત્યારે તેમની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ચેરિટી સંસ્થાઓ વેપારી સંસ્થાઓ નથી તેથી તેમના ખર્ચ અન્ય કોઇ પર થોપી પણ શક્તી નથી. તેમની માગ છે કે સરકાર આગામી બજેટમાં ચેરિટી સંસ્થાઓને રાહત આપે.
કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસના કારણે ચેરિટી સંસ્થાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 57 ટકા ચેરિટી કહે છે કે છેલ્લા એક વર્ષમાં અમારી સેવાઓની માગમાં મોટો વધારો નોંધાયો છે.