ક્વીનનો આદેશઃ પ્રિન્સ એન્ડ્રયુ રાજકીય ફરજોમાંથી બેદખલ

પ્રિન્સની રંગરેલિયા વિશે મીડિયામાં આવતા અહેવાલોના પગલે આ નિર્ણય લેવાયોઃ સોવરિન ગ્રાન્ટના ભંડોળમાંથી વાર્ષિક ૨૪૯,૦૦૦ પાઉન્ડની આવક-એલાવન્સીસ ગુમાવશે

Tuesday 26th November 2019 07:58 EST
 
 

લંડનઃ બાળ યૌનશોષણખોર ફાયનાન્સિયર જેફ્રી એપ્સટિન સાથે પ્રિન્સ એન્ડ્રયુની મિત્રતાના પગલે જાગેલા વિવાદથી રોષે ભરાયેલા ક્વીને આખરે પ્રિન્સને રાજકીય ફરજોમાંથી બેદખલ કર્યા છે. પ્રિન્સ તેમની વાર્ષિક ૨૪૯,૦૦૦ પાઉન્ડનું વેતન (સોવરિન ગ્રાન્ટ) પણ ગુમાવશે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે પ્રિન્સની રંગરેલિયા વિશે મીડિયામાં આવતા અહેવાલોના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. મોટી ચેરિટીઝ દ્વારા પ્રિન્સ સાથેના સંબંધો કાપી નાખવામાં આવ્યા છે ત્યારે પ્રિન્સે આ કૌભાંડમાં પોતાને નિર્દોષ પુરવાર કરવા બીબીસી ન્યૂઝનાઈટને ઈન્ટર્વ્યૂ આપ્યો હતો પરંતુ, તેનાથી પરિસ્થિતિ વધુ વણસી હતી.

ક્વીને પ્રિન્સ ચાર્લ્સ સાથે એપ્સટિન કૌભાંડની લંબાણથી ચર્ચા કર્યાં પછી ૫૯ વર્ષના પ્રિન્સ એન્ડ્રયુને બકિંગહામ પેલેસ બોલાવ્યા હતા. ક્વીને આ પછી પોતાની સત્તાવાર મુલાકાતો પણ રદ કરી હતી અને ડ્યૂકના ઈન્ટર્વ્યૂથી રાજાશાહી માટે સર્જાયેલી ક્ષોભજનક પરિસ્થિતિને અંકુશમાં લાવવા તાત્કાલિક અસરથી નિર્ણાયક પગલાં તરીકે તેમને રાજકીય ફરજોમાંથી દૂર કર્યા હતા. આ પછી, પ્રિન્સ એન્ડ્રયુએ નિવેદન જારી કરી કહ્યું છે કે તેમણે પોતાને થોડા સમય માટે રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા ક્વીનને વિનંતી કરી હતી અને ક્વીન સંમત થયાં હતાં. શાહી પરિવારના ખાનગી કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. જોકે, કલંકિત પ્રિન્સને ભવિષ્યમાં પણ રાજકીય ફરજો સોંપાય તેવી શક્યતા નહિવત્ છે.

બ્રિટિશ તાજ માટે આઠમા વારસદાર જેવા વરિષ્ઠ સભ્યને આ રીતે ફરજનિવૃત્ત કરાયા છે તે પ્રિન્સ એન્ડ્રયુના ઈન્ટર્વ્યૂની કેટલી ગંભીર અને નુકસાનકારી અસર થઈ છે તે દર્શાવે છે. સૂત્રોએ જણાવ્યું છે કે ક્વીન દ્વારા આ હકાલપટ્ટીનાં નિર્ણયથી પ્રિન્સ સત્તાવાર ફરજો બજાવવા માટે થતાં ખર્ચા સંદર્ભે સોવરિન ગ્રાન્ટના ભંડોળમાંથી વાર્ષિક ૨૪૯,૦૦૦ પાઉન્ડની આવક-એલાવન્સીસ ગુમાવશે. જોકે, ક્વીનના ખાનગી ભંડોળમાં તેમને મળતી આવકને કોઈ અસર થશે નહિ.

બાર્કલેઝ, KPMG અને ઈંગ્લિશ નેશનલ બેલે સહિત ૨૦થી વધુ મહત્ત્વની કંપનીઓ અને ચેરિટીઝે પ્રિન્સ એન્ડ્ર્યુ અને તેમની કામગીરીથી છેડો ફાડ્યો છે. પ્રિન્સ જેના પેટ્રન છે તેવી સંસ્તાઓ પણ તેમના અળગી થઈ છે. એમ કહેવાય છે કે આવી લગભગ ૨૦૦ ચેરિટી સંસ્થાઓમાં શાહી પરિવારના સભ્યો કામગીરી સંભાળી લેશે.

બાળ યૌનશોષણખોર જેફ્રી એપ્સટિન સાથે પ્રિન્સના સંબંધ ભારે ચર્ચાસ્પદ રહ્યા છે. એપ્સિટનને દોષિત ઠરાવાયા પછી જેલ કરાઈ હતી અને તે જેલમાંથી મુક્ત કરાયો ત્યારે પણ પ્રિન્સે તેની મુલાકાત લીધી હતી. ન્યૂ યોર્કમાં રિમાન્ડ પર રહેલા સેક્સ ટ્રાફિકિંગના આરોપી એપ્સિટને ઓગસ્ટ મહિનામાં રહસ્યમય આત્મહત્યા કર્યા પછી પણ તે સમાચારોમાં ચમકતો રહ્યો છે. પ્રિન્સે સ્પષ્ટપણે એપ્સટિન સાથે સંબંધો વિશે અફસોસ વ્યક્ત કરવા સાથે તેની સેક્સ પીડિતાઓ પ્રત્યે હમદર્દી દર્શાવી હતી. જોકે, તેમણે કાયદેસર કોઈ પણ ગુનો કર્યા હોવાનું નકારી એમ પણ જણાવ્યું હતું કે તેઓ એપ્સિટન સંબંધી કોઈ પણ પોલીસ તપાસમાં સહકાર આપશે.

એપ્સિટનની સેક્સ ટ્રાફિકિંગની શિકાર વર્જિનિયા રોબર્ટ્સે આક્ષેપ કર્યો છે કે તે માત્ર ૧૭ વર્ષની હતી ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પુત્ર સાથે ન્યૂ યોર્કમાં તેમના જાતીય સંબંધ બંધાયો હતો. આ પછી, એપ્સટિને તેને ત્રણ વખત પ્રિન્સ સાથે સેક્સ માણવા મોકલી હતી. સેક્સ ટ્રાફિકિંગની પીડિતાઓએ પ્રિન્સને સોગંદ હેઠળ એફબીઆઈને વિસ્તૃત ઈન્ટર્વ્યૂ આપવા જણાવ્યું હતું પરંતુ, પ્રિન્સ તેના માટે સંમત થયા ન હતા. જોકે, સેક્સ અપરાધી એપ્સિટનની આત્મહત્યા પછી તેમણે પોતાને નિર્દોષ જાહેર કરવા બીબીસી ન્યૂઝનાઈટની એમિલી મેટલિસને વિસ્ફોટક ઈન્ટર્વ્યૂ આપ્યો હતો. જોકે, એપ્સટિન સાથેના સંબંધોનો ખુલાસો કરવાના પ્રિન્સના પ્રયાસોથી લાખો દર્શકો આશ્ચર્યમાં મૂકાયા હતા. એપ્સટિન જેલમાંથી મુક્ત થયા પછી તેને મળવા દોડી ગયેલા પ્રિન્સ તેની સાથે ચાર દિવસ રોકાયા પણ હતા. આ માટે ભારે વિરોધ થયો ત્યારે પ્રિન્સે કહ્યું હતું કે હવે એપ્સિટન સાથે તેમનો કોઈ સંબંધ નહિ હોવાનું તેને રુબરુમાં જણાવવું આવશ્યક લાગ્યું હતું. ડ્યુકે ૨૦૦૧માં વર્જિનિયા સાથે મુલાકાત વેળાની તસવીર બનાવટી હોવાનું પણ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter