લંડનઃ બર્મિંગહામ સિટી યુનિવર્સિટીના પ્રોફેસર કેહિન્ડે એન્ડ્રયુઝે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના મોતનો કોઈ શોક નહિ મનાવવાનું જણાવી નવો વિવાદ સર્જ્યો છે. લેખક અને બ્લેક સ્ટડીઝના પ્રોફેસર એન્ડ્રયુઝે દલીલમાં કહ્યું હતું કે ક્વીન એલિઝાબેથ દ્વિતીય ‘શ્વેત સર્વોપરિતાના પ્રતીક’ હતાં અને પોલીસ ઓફિસર દ્વારા ઠાર મરાયેલા નિઃશસ્ત્ર માણસ ક્રિસ કાબા માટે સમાજને વધુ લાગવું જોઈએ. ક્વીનનું 96 વર્ષે નિધન દુઃખદ અવશ્ય છે પરંતુ, તેમનો શોક મનાવવાનું તેમના માટે કારણ નથી.
પ્રોફેસર એન્ડ્રયુઝે ક્વીનને ‘સંસ્થાનવાદી ઝંખના અને સામ્રાજ્ય’નું પ્રતીક ગમાવવા સાથે કહ્યું હતું કે કિંગ ચાર્લ્સ ત્રીજાના ગાદીએ આવવા કરતાં આ મહિનાની શરૂઆતમાં પોલીસ ઓફિસર દ્વારા લંડનમાં ઠાર મરાયેલા નિઃશસ્ત્ર અશ્વેત માનવી ક્રિસ કાબા સમાજ માટે વધુ મહત્ત્વના હોવા જોઈએ.
ક્વીન ચોરાયેલા રત્નો પહેરી ફરતાં હતાં. એક દલીલ થઈ શકે કે તેમણે અંગત રીતે કેન્યામાં માઉ માઉ અત્યાચાર કર્યો ન હતો કે નાઈજિરિયામાં લાખો લોકોને ભૂખે માર્યાં ન હતા પરંતુ ક્વીન તરીકે તેમણે તેમાંથી લાભ મેળવ્યો હતો. તેમણે વ્હાઈટ સુપ્રમસીના પ્રતીક બની રહેવા નિર્ણય કર્યો અને તેના તમામ લાભ મેળવ્યા આથી, તેઓ દોષી છે. ક્વીન ગાદી છોડી શક્યાં હોત અને આનંદથી પોતાની જિંદગી જીવી શક્યાં હોત.
કેન્યામાં 1952થી 1960ના ગાળામાં બ્રિટિશ રાજ વિરુદ્ધ માઉ માઉ બળવા સંદર્ભે કેન્યા હ્યુમન રાઈટ્સ કમિશનનો રિપોર્ટ જણાવે છે કે 90,000 કેન્યનો હત્યા, અત્યાચારનો શિકાર બન્યા હતા અને 160,000 લોકોને્ ખરાબ હાલતમાં કેદ કરી રખાયા હતા. બ્રિટને 2013માં 5000થી વધુ વિક્ટિમ્સને આશરપે 20 મિલિયન પાઉન્ડનું વળતર આપવા જાહેરાત કરી હતી.