અમદાવાદ: વડા પ્રધાન જ્હોન્સને અમદાવાદમાં ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. હૃદયકુંજની મુલાકાત બાદ વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું કે ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે. ગાંધી આશ્રમની મુલાકાત વેળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ સનદી અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાનને બે પુસ્તક અને એક ચરખો ભેટ અપાયા હતા. જેમાંથી એક પુસ્તક મહાત્મા ગાંધી લિખિત ‘ગાઈડ ટુ લંડન’ છે. બ્રિટન જતાં ભારતીયોને ત્યાંની જીવનશૈલીથી વાકેફ કરવાના હેતુથી મહાત્મા ગાંધીએ આ પુસ્તક લખ્યું હતું, પરંતુ તે પ્રકાશિત થયું નહોતું. આ ઉપરાંત મીરાબહેનની આત્મકથા ‘ઓટોગ્રાફી ઓફ મીરાબેન’ પુસ્તક પણ તેમને ભેટ અપાયું હતું. 22 નવેમ્બર 1892માં લંડન ખાતે જન્મેલા મીરાબહેનનું મૂળ નામ મેડલિન સ્લેડ હતું. તેમણે પોતાનું જીવન ગાંધીજીના સિદ્ધાંતોને સમર્પિત કરી દીધું હતું.
જેસીબીની હાલોલ ફેક્ટરીનું ઉદ્ઘાટન
વડા પ્રધાન જ્હોન્સને હાલોલ ખાતે જેસીબીની નવી ફેક્ટરીનું 21 એપ્રિલે ઉદ્ઘાટન કર્યું હતું. 100 મિલિયન યુરોના રોકાણથી સ્થપાયેલી ફેક્ટરીના ઉદ્ઘાટન વેળાએ કંપનીના ચેરમેન લોર્ડ બેમફોર્ડ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ જ્હોન્સને બુલડોઝર ઉપર ચઢીને સહુનું અભિવાદન સ્વીકાર્યું હતું.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બેઠક
વડા પ્રધાન જ્હોન્સન અને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે શાંતિગ્રામ સ્થિત અદાણી ગ્રૂપની હેડ ઓફિસે મિટિંગ યોજાઈ હતી. એક કલાક સુધી ચાલેલી મિટિંગમાં ઊર્જા ક્ષેત્રે, ક્લાઈમેટમાં ચેન્જને નિયંત્રણમાં રાખવા, એરોસ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ક્ષેત્રે સહયોગ મુદ્દે ચર્ચા થઈ હતી. આ મિટિંગ બાદ ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું હતું કે મુલાકાત દરમિયાન ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં સહકાર આપવાની વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને ખાતરી આપી હતી.