લંડનઃ યુકે સરકારે આતંકવાદના આરોપસર છેલ્લા પાંચ વર્ષથી ભારતની જેલમાં રહેલા બ્રિટિશ નાગરિકની મુક્તિ માટે અપીલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે તે તેના હિતમાં નથી. જગતાર સિંહ જોહલની મુક્તિ માટે યુકે સરકારને સંખ્યાબંધ અપીલો કરવામાં આવી છે. જેમાં દાવો કરાયો છે કે ભારતમાં જોહલ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યાં છે. તેને બળજબરીપુર્વક આરોપોની કબૂલાત કરવાની ફરજ પડાઇ રહી છે. જગતારસિંહ જોહલ ભારતમાં આતંકવાદના આરોપોનો સામનો કરી રહ્યો છે અને તાજેતરમાં જ તેના ખટલાની સુનાવણીનો પ્રારંભ થયો છે.
બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક જી-20 શિખર સંમેલનમાં હાજરી આપવા નવી દિલ્હી રવાના થયા તે પહેલાં 70 કરતાં વધુ સાંસદોએ તેમને જોહલની મુક્તિ માટે અપીલ કરી હતી. જોકે એશિયા મામલોના મંત્રી લોર્ડ એહમદે જોહલના સાંસદ માર્ટિન ડોચેર્ટી હ્યુજિસને પત્ર લખીને જાણ કરી છે કે અમે જોહલની મુક્તિ માટેનીમાગ પર કાળજીપુર્વક વિચારણા કરી છે. અમને લાગે છે કે તેમ કરવું જોહલના શ્રેષ્ઠ હિતમાં નહીં હોય.
બ્રિટન સરકારના આ વલણ સામે સાંસદોમાં ઉગ્ર નારાજગી પ્રવર્તી રહી છે. સાંસદોએ જણાવ્યું છે કે વડાપ્રધાન સુનાકે જગતારસિંહ જોહલની મુક્તિ માટે જાહેર અપીલ નહીં કરીને અમને નિરાશ કર્યાં છે.