ભારતની હીરો મોટોકોર્પ યુકેમાં ઇ-સ્કૂટરનું વેચાણ કરશે
લંડનઃ વિશ્વની સૌથી વધુ મોટરસાઇકલ અને સ્કૂટર નિર્માતા કંપનીઓ પૈકીની એક ભારતની હીરો મોટોકોર્પ આગામી વર્ષથી યુકે અને અન્ય બે યુરોપિયન દેશમાં ઇ-સ્કૂટરનું વેચાણ શરૂ કરશે. હીરો મોટોકોર્પના સીઇઓ નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારી કંપની અમેરિકાની કંપની સાથે મળીને હાર્લે ડેવિડસન મોટરસાઇકલનું પણ ઉત્પાદન કરે છે. કંપની યુરોપિયન બજારોમાં પરંપરાગત પેટ્રોલ એન્જિન સાથેના મોટા વાહનોની નિકાસ પણ શરૂ કરી શકે છે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર થવા જઇ રહ્યો છે ત્યારે સામાન પરની જકાતમાં ઘટાડો થઇ શકે છે. યુકે અને યુરોપિયન યુનિયનના ગ્રાહકો આ પ્રકારની પ્રોડક્ટથી ઘણા રોમાંચિત છે. અમારી કંપની આ દેશોમાં ઇ-સ્કૂટરનું વેચાણ કરશે.
યુકેની આર્થિક સ્થિતિ ખસ્તાહાલ, દેવુ અર્થતંત્રના કદ જેટલું થઇ ગયું
લંડનઃ બ્રિટનની આર્થિક સ્થિતિ ખસ્તાહાલ બની છે. દેશનું રાષ્ટ્રીય દેવુ 1960ના દાયકા પછી પહેલીવાર જીડીપીના 100 ટકાને પાર કરી ગયું છે. જેના પગલે આગામી મહિને બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહેલા ચાન્સેલર રાચેલ રિવ્ઝ પર પ્રચંડ દબાણ સર્જાયું છે.
સત્તાવાર આંકડા પ્રમાણે જાહેર ક્ષેત્રનું દેવુ ગયા મહિને વધીને 13.7 બિલિયન પાઉન્ડ પર પહોંચ્યું છે. જે ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના 11.2 બિલિયન પાઉન્ડના અંદાજ કરતાં ઘણું વધારે છે. એપ્રિલમાં શરૂ થયેલા નાણાકીય વર્ષના અંદાજ કરતાં સરકાર દ્વારા કરાયેલા દેવામાં 6 બિલિયન પાઉન્ડનો વધારો નોંધાયો છે. સરકારી લાભો પર થતા ખર્ચના કારણે ઓગસ્ટમાં દેવામાં મોટો વધારો થયો હતો.
ડેબ્ટ રેશિયો પણ જીડીપીના 100 ટકાને પાર કરી ગયો છે. અગાઉ કોરોનાકાળમાં આમ બન્યું હતું. તેનો અર્થ એ થયો કે યુકેનું દેવુ તેના અર્થતંત્રના કદ જેટલું થઇ ગયું છે.
ટ્રેન ડ્રાઇવરોના પગારમાં 15 ટકાના વધારાને મંજૂરી
લંડનઃ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા વિવાદનો અંત લાવતા ટ્રેન ડ્રાઇવરોએ 15 ટકાના પગાર વધારાનો સ્વીકાર કર્યો છે. 16 ટ્રેન ઓપરેટિંગ કંપનીઓના 97 ટકા ડ્રાઇવરોએ પગારવધારાની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 વર્ષ માટેના આ કરારામાં મોટાભાગના ડ્રાઇવરોના પગારમાં 9000 પાઉન્ડનો વધારો થશે જેના કારણે સરેરાશ પગાર 73000 પાઉન્ડ પર પહોંચશે. તેમને વર્ષ 2022-23 માટે પાંચ ટકા, 2023-24 માટે 4.75 ટકા અને 2024-25ના વર્ષ માટે 4.5 ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો છે. આ તમામ વધારા પાછલી અસરથી લાગુ થશે.